તાજેતરમાં સ્ટાર્મર સરકારે સોશિયલ કેર સેક્ટરમાં સુધારા માટે ભલામણો કરવા એક કમિશનની રચના કરવાની જાહેરાત કરી છે. તેનો સ્પષ્ટ અર્થ એ થયો કે ટૂંકાગાળામાં સોશિયલ કેર સેક્ટરમાં રહેલી ખામીઓ દૂર થવાની કોઇ સંભાવના નથી. છેલ્લા 30 વર્ષથી આવેલી સરકારોના નિંભર વલણના કારણે આ સેક્ટર સંખ્યાબંધ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. એકતરફ એનએચએસ ખસ્તાહાલ થવાના કારણે બીમારોને સારવાર માટે લાંબો સમય રાહ જોવી પડે છે તો સોશિયલ કેર સેક્ટરમાં રહેલી સમસ્યાઓના કારણે વૃદ્ધો અને વિકલાંગો પણ કોઇ વાંક ગુના વિના દંડાઇ રહ્યાં છે. દરેક રાજકીય પાર્ટીએ સમાજ સામેના આ ગંભીર પડકારો સામે આંખ આડા કાન કરવા સિવાય બીજું કશું કર્યું નથી. સરકારી તિજોરી પર બોજાના ભયથી સરકારો મુશ્કેલ નિર્ણયો લેવાથી પણ દૂર રહી છે અને તેના પરિણામે કટોકટી વધુ વિકરાળ બની રહી છે.
અત્યારે દેશમાં 23,250 પાઉન્ડથી ઓછી સંપત્તિ ધરાવતા અને જટિલ બીમારીથી પીડાતા લોકોને જ સરકાર દ્વારા સોશિયલ કેર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેના કારણે લાખો વૃદ્ધો સરકારી સહાયથી વંચિત રહેવાની સાથે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યાં છે. લેબર સરકારે નવી નેશનલ કેર સર્વિસની મોટાપાયે જાહેરાત તો કરી છે પરંતુ તે માટેના નાણા ક્યાંથી આવશે તે વડાપ્રધાન સ્ટાર્મર કે ચાન્સેલર રેચલ રીવ્ઝ જાણતા નથી. સરકાર દ્વારા આ અંગે કોઇ ફોડ પણ પડાયો નથી. સરકારે આશ્વાસન પુરતી એક સ્વતંત્ર કમિશનની રચનાની જાહેરાત કરી છે અને તેનો રિપોર્ટ પણ 2028 પહેલાં આવે તેવી કોઇ સંભાવના નથી. આમ સ્ટાર્મર સરકારે સોશિયલ કેરના મામલામાં આલિયાની ટોપી માલિયા પર ચડાવવાનો જ પ્રયાસ કર્યો હોય તેમ પ્રતીત થઇ રહ્યું છે.
આ પહેલાં પણ 2010માં તત્કાલિન વડાપ્રધાન ડેવિડ કેમરન દ્વારા અર્થશાસ્ત્રી એન્ડ્રુ ડિલનોટને સોશિયલ કેર ફંડિંગ માટે રિપોર્ટ આપવા નિયુક્ત કરાયા હતા પરંતુ તેમના દ્વારા ફંડિંગ વધારવાની ભલામણો થતાં કેમરને ભલામણોને અભેરાઇ પર ચડાવી દીધી હતી. 2017માં તત્કાલિન વડાં પ્રધાન થેરેસા મે દ્વારા કથિત ડેમિન્શિયા ટેક્સનો પ્રસ્તાવ પડતો મૂકાયો હતો. 2019માં સત્તામાં આવેલા બોરિસ જ્હોન્સને આપેલા વચનનું પાલન કર્યું નહોતું. હવે સ્ટાર્મર સરકાર પણ કમિશનનું ગતકડું લઇને આવી છે. જેના કારણે સોશિયલ કેર વાંચ્છુઓની નજીકના ભવિષ્યમાં યોગ્ય કાળજી લેવાય તેવી આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
