નવી દિલ્હીઃ માલદીવમાં ચીન પરસ્ત રાજકારણના જોરે સત્તામાં આવેલા રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઇઝૂ હવે ભારત સાથે સંબંધો મજબૂત કરવા કામે લાગી ગયા છે. 2023ના ચૂંટણી અભિયાન દરમિયાન ભારતવિરોધી “ઈન્ડિયા આઉટ'નો નારો આપનારા મુઇઝૂ હવે સાવ પલટી ગયા છે. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે ભારત પ્રવાસે એવું નિવેદન કર્યું છે કે ‘ઇન્ડિયા આઉટ' અભિયાન સાથે મુઈઝૂ સરકારને કોઈ સંબંધ નથી. તેમણે એક ઈન્ટરવ્યૂમાં આ વિવાદાસ્પદ અભિયાન માટે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ્લા યામીનને જવાબદાર ગણાવી કહ્યું કે યામીન અમારાથી સાવ અલગ છે અને તેમનો પક્ષ આજે પણ એ જ એજન્ડા પર કામ કરી રહ્યો છે જ્યારે અમારી સરકાર ભારત અને ભારતના લોકો સાથેના સંબંધો મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે.
મોઇઝ્ઝુ સરકારને ઊથલાવવા ભારતનું કાવતરુંઃ વોશિંગ્ટન પોસ્ટ
માલદીવના પ્રેસિડેન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુની સરકાર ઉથલાવી પાડવાના નિષ્ફળ ષડયંત્રમાં ભારતના કનેક્શનનો દાવો કરતાં વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટને ભારતે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. આ વર્તમાનપત્રના બીજા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં કેટલાંક આતંકી તત્ત્વોને ખતમ કરવાનું 2021થી એક ઓપરેશન હાથ ધર્યું છે.

