ઇસ્લામાબાદઃ પાકિસ્તાને અમેરિકાની સામે અરબ સમુદ્રમાં નવું પોર્ટ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. પાકિસ્તાન સૈન્ય પ્રમુખ અસીમ મુનીરના સલાહકારોએ આ પ્રસ્તાવને અમેરિકાના અધિકારીઓને સોંપ્યો છે. જે મુજબ અમેરિકાના રોકાણથી પાકિસ્તાન બલુચિસ્તાનના પાસની શહેરમાં એક પોર્ટ ટર્મિનલ બનાવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અસીમ મુનીરે સપ્ટેમ્બરના અંત સુધીમાં વોશિંગ્ટનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરી હતી. આ બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ સામેલ થયા હતા અને અમેરિકાને પાકિસ્તાનમાં રોકાણ કરવા માટે આજીજી કરી હતી. આ ઉપરાંત કૃષિ, ખનન, ઊર્જા ક્ષેત્રમાં રોકાણની પણ અમેરિકા સમક્ષ માગણી કરી હતી.
પાકિસ્તાન અમેરિકાની સાથેના પોતાના સંબંધો સુધારવાના પોતાના બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે, જેના ભાગરૂપે જ આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો કે તેમાં એવી પણ શરત રાખી છે કે, આ પોર્ટ તૈયાર થઈ જાય પછી તેનો ઉપયોગ માત્ર આર્થિક પ્રવૃત્તિ માટે જ કરી શકાશે એટલે કે કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી માટે આ પોર્ટનો ઉપયોગ નહીં થઈ શકે.

