નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે બાંગ્લાદેશમાં એન્ટ્રીની તૈયારીમાં છે. ટ્રમ્પે બાંગ્લાદેશના પૂર્વીય ટાપુ સેન્ટ માર્ટિનમાં રિસોર્ટ (રિવેરા) નિર્માણનો પ્લાન બનાવ્યો છે, જે વિદેશીઓ માટે એક ખાસ ઝોન હશે. સૂત્રોના મતે બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહંમમદ યુનુસે તાજેતરમાં ન્યૂયોર્કમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. ત્યારે સેન્ટ માર્ટિન ટાપુ પર ચર્ચા થઈ હતી. યુનુસે સર્જિયો ગોર સાથે પણ મુલાકાત કરી હતી.
બંગાળની ખાડીમાં છે સેન્ટ માર્ટિન
બંગાળની ખાડીમાં 9 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું સેન્ટ માર્ટિન ભૂમિથી આશરે 8 કિ.મી. દૂર દક્ષિણમાં આવેલું છે. આ ટાપુ પાસેથી દક્ષિણ-પૂર્વ એશિયા અને ચીનના કાર્ગો જહાજો પસાર થાય છે. ટ્રમ્પ રિસોર્ટ સાથે આ ક્ષેત્રમાં અમેરિકાની હાજરી વધારવા માગે છે.
યુએસ નેવલ બેઝ પણ સ્થાપી શકે
સૂત્રોના મતે ટ્રમ્પ બાંગ્લાદેશ માટે પ્લાન બી પર પણ કામ કરી રહ્યા છે. જેમાં સેન્ટ માર્ટિન ટાપુથી લગભગ 120 કિ.મી. પૂર્વમાં મુખ્ય ભૂમિ પર સ્થિત કોક્સ બજારમાં યુએસ નૌકાદળ મથક સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશે હાલમાં ચીનને કોક્સ બજારમાં બે સબમરિન તહેનાત કરવાની મંજૂરી આપી છે.
પૂર્વ PM શેખ હસીના વિરોધમાં હતા
બાંગ્લાદેશના પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ સેન્ટ માર્ટિન ટાપુને યુનાઇટેડ સ્ટેટ્સમાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો હતો. હસીનાએ વારંવાર કહ્યું છે કે, તત્કાલીન બાઇડન સરકાર અને અગાઉ ટ્રમ્પ સેન્ટ માર્ટિન ટાપુને યુનાઇટેડ સ્ટેટ્સમાં ટ્રાન્સફર કરવા માટે રાજકીય દબાણ લાવી રહ્યા હતા. જે બાંગ્લાદેશના સાર્વભોમત્વ માટે સંકટરૂપ છે.

