નવા સંકલ્પો સાથે આગામી શતાબ્દીની દિશામાં

- નરેન્દ્ર મોદી, વડાપ્રધાન Tuesday 07th October 2025 10:44 EDT
 
 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 100 વર્ષ પહેલાં વિજયાદશમીના દિવસે થઈ હતી. આ હજારો વર્ષો જૂની પરંપરાનું પુનઃ સ્થાપન હતું, જેમાં રાષ્ટ્રીય ચેતના સમયાંતરે દરેક યુગના પડકારોનો સામનો કરવા માટે નવા અવતારોમાં પ્રગટ થઈ છે. આ યુગમાં સંઘ એ શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનો સદગુણી અવતાર છે. આપણી પેઢીના સ્વયંસેવકોનું સૌભાગ્ય છે કે, આપણે સંઘના શતાબ્દી વર્ષ જેવા પ્રસંગના સાક્ષી બની રહ્યા છીએ. આ પ્રસંગે, હું રાષ્ટ્રની સેવા માટે સમર્પિત સ્વયંસેવકોને મારી શુભેચ્છાઓ પાઠવું છું. હું સંઘના સ્થાપક ડો. હેડગેવારને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સંઘે દેશના દરેક ક્ષેત્ર અને સમાજના દરેક પાસાને સ્પર્શ કર્યો છે. સંઘના વિવિધ સંગઠનો જીવનના દરેક પાસાંમાં જોડાઈને રાષ્ટ્રની સેવા કરે છે. સંઘે શિક્ષણ, કૃષિ, સમાજ કલ્યાણ, આદિવાસી કલ્યાણ, મહિલા સશક્તિકરણ સહિત સમાજના અનેક ક્ષેત્રોમાં સતત કાર્ય કર્યું છે. વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત દરેક સંગઠનનો ઉદ્દેશ એક જ છેઃ રાષ્ટ્ર પ્રથમ.

સ્થાપના બાદથી જ સંઘે રાષ્ટ્રનિર્માણના ઉચ્ચ ઉદ્દેશ્યને અનુસર્યું છે. આ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે સંઘે વ્યક્તિગત વિકાસ કરતાં રાષ્ટ્રનિર્માણનો માર્ગ પસંદ કર્યો અને તેણે જે પદ્ધતિ અપનાવી તે નિયમિત ધોરણે ચાલતી શાખાઓ હતી. સંઘ શાખાનું મેદાન પ્રેરણાનું મેદાન છે. જ્યાં સ્વયંસેવકની અહંકારથી સ્વ તરફની યાત્રા શરૂ થાય છે. સંઘની શાખાઓ વ્યક્તિત્વ વિકાસના બલિદાનના વેદીઓ છે. રાષ્ટ્રનિર્માણનો ઉચ્ચ ઉદ્દેશ્ય, વ્યક્તિત્વ વિકાસનો સ્પષ્ટમાર્ગ અને શાખાની સરળ, જીવંત પદ્ધતિ - આ સંઘની યાત્રાનો પાયો બન્યા હતા.
સંઘ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી રાષ્ટ્ર હંમેશા તેની પ્રાથમિકતા રહ્યું છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ડો. હેડગેવાર સહિત ઘણા કાર્યકરોએ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને અનેક વખત જેલમાં પણ ગયા હતા. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સંઘ અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓનું રક્ષણ કરતો રહ્યું, તેમની સાથે ખભે ખભો મિલાવીને કામ કરતું રહ્યું હતું. સ્વતંત્રતા પછી પણ સંઘ સતત રાષ્ટ્ર સેવામાં રોકાયેલું રહ્યું છે. આ યાત્રા દરમિયાન સંઘ વિરુદ્ધ કાવતરાં ઘડવામાં આવ્યા અને તેને કચડી નાખવાના પ્રયાસો પણ થયા હતા. ઋષિ જેવા ગુરુજીને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા. પરંતુ સંઘના સ્વયંસેવકોએ ક્યારેય દુશ્મનીને સ્થાન આપ્યું નથી.
ભાગલામાં જ્યારે લાખો પરિવારોને નિરાધાર બન્યા હતા ત્યારે સ્વયંસેવકોએ શરણાર્થીઓની સેવા કરી હતી. દરેક આપત્તિમાં સંઘના સ્વયંસેવકો તેમના મર્યાદિત સંસાધનો સાથે મોખરે ઉભા રહ્યા છે. આ ફક્ત રાહતકાર્ય ન હતું - તે રાષ્ટ્રના આત્માને મજબૂત બનાવવાનું કાર્ય હતું. અન્ય લોકોના દુઃખને દૂર કરતી વખતે વ્યક્તિગત મુશ્કેલીઓ સહન કરવી એ દરેક સ્વયંસેવકનું લક્ષણ છે. આજે પણ કુદરતી આપત્તિના સમયે સ્વયંસેવકો સૌથી પહેલા પહોંચનારાઓમાં સામેલ છે.
સંઘે સમાજના વિવિધ વર્ગોમાં આત્મ જાગૃતિ જગાવી છે. દાયકાઓથી સંઘે આદિવાસી પરંપરાઓ, રિવાજો અને મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધનમાં ફાળો આપ્યો છે. આજે સેવા ભારતી, વિદ્યા ભારતી, એકલ વિદ્યાલય અને વનવાસી કલ્યાણ આશ્રમ આદિવાસી સશક્તિકરણના આધારસ્તંભ તરીકે ઉભરી આવ્યા છે. શ્રેષ્ઠતા અને હીનતા તથા દુષ્ટ પ્રથાઓની કલ્પના હિન્દુ સમાજ માટે મુખ્ય પડકારો રહી છે અને સંઘે આ પડકારોનો સતત સામનો કર્યો છે.
ડોક્ટર સાહેબથી લઈને આજ સુધી સંઘના દરેક મહાન વ્યક્તિ, દરેક સરસંઘચાલક ભેદભાવ અને અસ્પૃશ્યતા સામે લડ્યા છે. ગુરુજીએ સતત ‘ના હિન્દુ પતિતો ભવેત’ની ભાવનાને પ્રોત્સાહન આપ્યું છે. બાલાસાહેબ દેવરસ કહેતા હતા, ‘જો અસ્પૃશ્યતા પાપ નથી. તો દુનિયામાં કોઈ પાપ નથી!’ રજ્જુ ભૈયા અને સુદર્શનજીએ પણ સરસંઘચાલક તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આ ભાવનાને પ્રોત્સાહન આપ્યું છે. વર્તમાન સરસંઘચાલક મોહન ભાગવતે પણ સમાજ માટે એક સ્પષ્ટ ધ્યેય નક્કી કર્યો છે: એક કૂવો, એક મંદિર અને એક સ્મશાન.
અન્ય દેશો પર આર્થિક નિર્ભરતા, આપણી એક્તા તોડવાના કાવતરાં અને આપણી વસતી વિષયકતામાં પરિવર્તનના ષડયંત્ર જેવાં પડકારોનો અમારી સરકાર મજબૂતીથી સામનો કરી રહી છે. સંઘે આ પડકારોનો સામનો કરવા માટે એક નક્કર રોડમેપ પણ વિકસાવ્યો છે. સંઘના પાંચ પરિવર્તનશીલ સિદ્ધાંતો - સ્વ-જાગૃતિ, સામાજિક સંવાદિતા, કૌટુંબિક જ્ઞાન, નાગરિક શિષ્ટાચાર અને પર્યાવરણ - દરેક સ્વયંસેવક માટે દેશ સામેના પડકારોનો સામનો કરવા માટે એક શક્તિશાળી પ્રેરણા છે.
આત્મ-સાક્ષાત્કારની ભાવનાનો હેતુ ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવાનો. પોતાના વારસા પર ગર્વ કરવાનો અને સ્વદેશીના સંકલ્પને આગળ વધારવાનો છે. સામાજિક સંવાદિતા દ્વારા વંચિતોને પ્રાથમિકતા આપીને સામાજિક ન્યાય સ્થાપિત કરવાનો સંકલ્પ છે. ઘૂસણખોરીને કારણે બદલાતી વસતી વિષયક પરિસ્થિતિથી આપણી સામાજિક સંવાદિતા પણ એક મોટા પડકારનો સામનો કરી રહી છે. આપણે કુટુંબ-જ્ઞાન એટલે કે કૌટુંબિક સંસ્કૃતિ અને મૂલ્યોને પણ મજબૂત બનાવવાના છે. આપણે નાગરિક શિષ્ટાચાર દ્વારા દરેક નાગરિકમાં ‘નાગરિક ફરજ’ની ભાવના જગાડવી પડશે. આપણે પર્યાવરણનું રક્ષણ કરીને આવનારી પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવાનું છે. આ સંકલ્પો સાથે સંઘ આગામી સદીમાં પોતાની સફર શરૂ કરી રહ્યું છે. 2047ના વિકસિત ભારતમાં સંઘનું યોગદાન દેશની ઊર્જામાં વધારો કરશે અને દેશને પ્રેરણા આપશે.


comments powered by Disqus