ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનો લોહિયાળ જંગ હજારો માનવ જિંદગીઓ હોમાઇ છતાં અટકવાનું નામ લેતો નથી. પૌરાણિક કાળનો રજવાડા વિવાદ આજે ભયાનક ધર્મ આધારિત જંગનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. જ્યારે પણ પ્રાદેશિક વિવાદમાં ધર્મને સાંકળી લેવાય છે ત્યારે એક ઘાતકી ઝેર પેદા થાય છે જે અસ્થિરતા, કટ્ટરવાદ અને હિંસાને જન્મ આપે છે. રાજકીય હિતો ધરાવતા તત્વોના હિતો આ ઘાતકી ઝેરને વધુ કાતિલ બનાવે છે જેમાં સૈકાઓથી હજારો માનવ જિંદગીઓ હોમાતી રહી છે. આ તત્વો કથિત રાષ્ટ્રવાદી લક્ષ્યાંકો હાંસલ કરવા પોતાના અનુયાયીઓનો દુરુપયોગ કરતાં રહે છે.
ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો વિવાદ આજકાલનો નથી. તેના બીજ અબ્રાહમના કાળથી રોપાયાં હતાં. આધુનિક યુગમાં 1948માં બ્રિટિશ સંસ્થાનવાદે ટુ નેશન થિયરીના આધારે આ વિવાદને વધુ વકરાવ્યો. યહૂદી ધાર્મિક રાષ્ટ્રવાદ સામે પેલેસ્ટાઇન સમર્થક આરબોએ ઇસ્લામનું મિશ્રણ કરતાં આજે બંને સમુદાયો બાપે માર્યા વેરની જેમ લડી રહ્યાં છે.
જ્યારે પણ રાષ્ટ્રીય અથવા સ્થાનિક ઓળખ પર ધાર્મિક ઓળખ હાવી થાય છે ત્યારે તીવ્ર વિભાજન સર્જાય છે. એક ધર્મના અનુયાયીઓ અન્ય ધર્મના અનુયાયીઓને પોતાના માટે ધમકીરૂપ સમજે છે જેના કારણે પેદા થતી શંકા અને નફરત આખરે હિંસામાં પરિવર્તિત થાય છે.
રાજકીય વિવાદમાં ધર્મના આધારે થતું ધ્રુવીકરણ જે તે પ્રદેશના સીમાડા વટાવીને અન્ય દેશોમાં પણ વિસ્તરે છે. બ્રિટનમાં જોવા મળતી યહૂદી વિરોધી નફરત અને પેલેસ્ટાઇન તરફી ઝોક આનું વરવું ઉદાહરણ છે.
આ કાતિલ ઝેરનો ઉપયોગ રાજકીય એજન્ડામાં થતો જોવા મળે છે. રાજકીય નેતાઓ જનતાનું સમર્થન હાંસલ કરવા ધાર્મિક લાગણીઓનો વારંવાર દુરુપયોગ કરતા જોવા મળે છે. રાજકીય અને પ્રાદેશિક વિરોધીઓને પછડાટ આપવા તેમના દ્વારા આ પ્રકારના ધાર્મિક ઉન્માદનો શસ્ત્ર તરીકે ઉપયોગ થાય છે. જેહાદ, ક્રુઝેડ આજ પ્રકારના ધાર્મિક ઉન્માદ હતા જેનો ઉપયોગ રાજકીય નેતાઓ દ્વારા પોતાના પ્રભુત્વ માટે કરાયો હતો.
મીડલ ઇસ્ટમાં યહૂદી અને આરબ વચ્ચેનો ગજગ્રાહ આજ પ્રકારના ધાર્મિક કટ્ટરવાદ અને લોકપ્રિય રાજનીતિનો પરિપાક છે જેણે અસ્થિરતાના ઘાતકી સ્વરૂપને જન્મ આપ્યો છે. દુનિયાના નક્શા પર ગાઝા પટ્ટી અને ઇઝરાયેલને નિહાળવા હોય તો મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ કરવો પડે તેટલો નાનો વિસ્તાર છે પરંતુ ધર્મ અને રાજનીતિના મિશ્રણ સમાન કાતિલ ઝેર આ વિસ્તારને વૈશ્વિક કૂટનીતિમાં હંમેશા કેન્દ્રસ્થાને રાખે છે. વર્ષોથી ઇઝરાયેલ મીડલ ઇસ્ટની કૂટનીતિમાં કેન્દ્ર સ્થાને રહ્યો છે અને વિશ્વની મહાસત્તાઓ પણ જમીનના આ નાનકડા ટુકડાને ધ્યાનમાં રાખીને જ પોતાની નીતિઓને આગળ ધપાવતી રહી છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન એકબીજાના અસ્તિત્વનો નિખાલસપણે સ્વીકાર કરે તો આ સમસ્યાનો જડમાંથી ઉકેલ આવી શકે તેમ છે. આ બંને વિસ્તારની જનતા પણ સહઅસ્તિત્વમાં માને છે પરંતુ કટ્ટરવાદી માનસિકતા, એકબીજાને નેસ્તોનાબૂદ કરવાની માનસિકતા તેને શાંતિથી જીવવા દેતી નથી. જ્યાં સુધી રાજકીય હિતો દોરીસંચાર કરતા રહેશે ત્યાં સુધી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વિવાદનો કોઇ ઉકેલ આવવાનો નથી અને ભવિષ્યમાં પણ નિર્દોષ જનતાનું લોહી વહેતું જ રહેશે.......
