ભારતીયો એઆઇ કંપનીઓ માટે સોનાના ઇંડા આપતી મરઘી સમાન

Wednesday 08th October 2025 06:09 EDT
 

આગામી વર્ષો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના હશે તે વાતમાં કોઇ શંકા નથી. વિશ્વના અગ્રણી ટેકનોલોજી દેશો સાથે કદમ મિલાવતા ભારતીયો પણ નવી ટેકનોલોજી આત્મસાર કરી રહ્યાં છે. ઓપનએઆઇના સહસ્થાપક સેમ ઓલ્ટમેનના મતે વિશ્વના કોઇપણ દેશની સરખામણીમાં ભારત એઆઇ અપનાવવામાં સૌથી અગ્રેસર છે.
ભારતમાં શરૂ થયેલા એઆઇ બૂમનો લાભ લેવા ઘણી ટેક કંપનીઓ ઉત્સુક છે. ઓપનએઆઇ ભારતમાં 3 બિલિયન ડોલરનું રોકાણ કરવા તૈયારી કરી રહી છે તો ગૂગલ અને મેટા ભારતના મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે ભાગીદારીની જાહેરાત કરી ચૂકી છે. રિલાયન્સ અને ભારતી એરટેલ ભારતીય ગ્રાહકોને સૌથી સસ્તા દરે એઆઇ સર્વિસ આપવાની કવાયતમાં છે. કંપનીઓ વચ્ચેના આ એઆઇ પ્રાઇસ વોરનો લાભ સીધેસીધો ભારતીય ગ્રાહકોને થવાનો છે.
ભારતમાં એઆઇ સેક્ટરમાં વિપુલ પ્રમાણમાં તકો છે. ભારતમાં 900 મિલિયન ઇન્ટરનેટ યુઝર છે. વિશ્વમાં ભારત કરતાં વધુ યુઝર એકલા ચીન પાસે છે. તે ઉપરાંત ભારત ચીનની સરખામણીમાં અમેરિકી ટેક કંપનીઓને વધુ સ્વીકારી ચૂક્યાં છે. ભારતમાં પગદંડો જમાવી ચૂકેલી ટેક કંપનીઓ એઆઇ સેક્ટરમાં પણ અન્ય દેશોની સરખામણીમાં ખૂબ ઝડપથી વિકાસ સાધશે તેવી સંભાવના છે. વૈશ્વિક ટેક કંપનીઓ માટે ભારતીય ગ્રાહકો દુઝણી ગાય સમાન છે અને તેથી જ અન્ય કોઇ દેશ કરતાં સૌથી સસ્તી સેવાઓ ભારતમાં આપી રહી છે. ભારતમાં નિયંત્રણો ઓછા હોવાના કારણે એઆઇ ટેક કંપનીઓએ મહાકાય પબ્લિક ડેટા તૈયાર કરી લીધો છે જેના દ્વારા તેઓ તેમના એઆઇ મોડેલને સુધારી શકે છે. તેના કારણે ભારતીય યુઝર્સ એઆઇ ટેક કંપનીઓ માટે અત્યંત મૂલ્યવાન છે.
સૌથી મહત્વની વાત એ છે કે ભારત એક મજબૂત ડિજિટલ સમાજનું સર્જન કરી ચૂક્યો છે. આધાર કાર્ડ જેવી બાયોમેટ્રિક આઇડી સિસ્ટમ અને યુપીઆઇ સહિતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમો આ ડિજિટલ સમાજની કરોડરજ્જૂ સમાન છે. આ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે કરોડો લોકો ઇન્ટરનેટ સાથે જોડાઇ ચૂક્યાં છે. કરોડો ભારતીયો દ્વારા પૂછાતા સવાલો એઆઇ ટેક કંપનીઓ માટે ડેટાનો ખજાનો પૂરવાર થઇ રહ્યાં છે. આ ખજાનો ભવિષ્યમાં સંખ્યાબંધ એઆઇ મોડેલ તૈયાર કરવામાં મદદરૂપ બનશે તે વાતમાં કોઇ શંકા નથી. ભારતીયોના ડેટાને કોઇ એઆઇ કંપની અવગણી શકે તેમ નથી.
જોકે સૌથી મોટું ભયસ્થાન વિદેશી ટેક કંપનીઓ પરનો આધાર છે. અમેરિકાની બદલાતી નીતિઓને કારણે ભારત લાંબાસમય સુધી તેમની સેવાઓ પર આધારિત રહી શકે નહીં. તે ઉપરાંત તગડી કમાણી અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી વિદેશી કંપનીઓ એઆઇ સેક્ટરમાં ભારતની આશાઓને ધૂંધળી બનાવી શકે છે. આ માટે ભારતીય સંશોધકોએ એડી ચોટીનું જોર લગાવીને વિદેશી કંપનીઓને ટક્કર આપવી પડશે. તેમ છતાં હાલ તો વિદેશી એઆઇ કંપનીઓ માટે કરોડો ભારતીય ગ્રાહકો સોનાના ઇંડા આપતી મરઘી પૂરવાર થવાના છે એ વાતમાં કોઇ શંકા નથી.


comments powered by Disqus