નવી દિલ્હીઃ વૈશ્વિક મતભેદનો ઉકેલ લાવવા મહાત્મા ગાંધીએ બતાવેલા માર્ગને અનુસરવાની વૈશ્વિક સમુદાયને હાકલ કરતાં યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું કે, વિશ્વમાં વધતા તણાવ વચ્ચે ગાંધીજીનો શાંતિનો સંદેશ ફરી પ્રાસંગિક બન્યો છે.
ગાંધીજયંતી 2 ઓક્ટોબરે ઊજવાતા આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશન દ્વારા ગુરુવારે આયોજિત કાર્યક્રમમાં યુએનના વડાએ આ સંદેશ આપ્યો હતો. ગુટરેસે જણાવ્યું કે, આ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર આપણે મહાત્મા ગાંધીના જીવન અને વારસા તથા તમામ માટે શાંતિ, સત્ય અને ગૌરવ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાનું સન્માન કરીએ છીએ. ગાંધીજીએ ફક્ત આ આદર્શો દર્શાવ્યાં નહોતા, પરંતુ તેનું અનુસરણ કર્યું હતું. વિશ્વમાં વધતા તણાવ અને વિભાજનના સમયમાં તેમનો સંદેશ નવેસરથી પ્રાસંગિક બન્યો છે.
હિંસા સંવાદનું સ્થાન લઈ રહી છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. માનવીય અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગાંધીજી માનતા કે અહિંસા નબળાઓનું શસ્ત્ર નહીં, પણ સાહસિક લોકોની તાકાત છે.

