3 વૈજ્ઞાનિકને મેડિસિનનું નોબેલ

Wednesday 08th October 2025 06:49 EDT
 
 

સ્ટોકહોમના કારોલિ-સ્કા ઇન્સ્ટિટ્યુટે સોમવારે વર્ષ 2025 માટેના ફિઝિયોલોજી અથવા મેડિસિન (ચિકિત્સા) માટેના નોબેલ પ્રાઈઝની જાહેરાત કરી હતી. આ પુરસ્કાર અમેરિકાના મેરી ઇ. બંકો, અમેરિકાના ફેડ રામ્સડેલ અને જાપાનના શિમોન સકાગુચીને આપવામાં આવ્યો છે.

• ઇટાલીમાં માર્ગ અકસ્માતમાં બે ભારતીયોનાં મોતઃ ઇટાલીમાં શુક્રવારે માર્ગ અકસ્માતમાં 2 નાગપુરના યુવાનો સહિત 3 જણનાં મોત થયાં. યુવાનોની કારને મિની બસ સાથે અકસ્માતમાં બાળકો સહિત 5 વ્યક્તિ ઘાયલ થઈ હતી.ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

• શ્રીલંકન ચાંચિયાઓનો 11 ભારતીય માછીમારો પર હુમલોઃ શ્રીલંકાના સમુદ્રી લુટારાઓએ તામિલનાડુના નાગપહીનમના નામ્બિયારનગર ગામના 11 માછીમારો પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલા 10 માછીમારોને સારવાર માટે ખસેડાયા છે.

• પાકિસ્તાને USને દુર્લભ ખનિજોની ખેપ મોકલીઃ પાકિસ્તાને પહેલીવાર દુર્લભ (રેર અર્થ) અને મહત્ત્વનાં ખનિજોની ખેપ અમેરિકા મોકલી છે. એક અમેરિકન કંપની સાથે પાકિસ્તાનના ખનિજ સંસાધનોની શોધ-વિકાસ માટે સમજૂતી થઈ હતી, જેના હેઠળ આ ખેપ મોકલાઈ છે. આ સમજૂતી બાબતે પાકિસ્તાનમાં વિરોધ શરૂ થયો છે.

• પુતિનની યુરોપને ચેતવણીઃ રશિયાએ યુરોપિયન યુનિયન (ઈયુ)ની સંભવિત યોજનાઓનો મુકાબલો કરવા વિદેશી માલિકીની કંપનીઓની સંપત્તિને રાષ્ટ્રીયકૃત કરીને તેમને વેચવાનો રસ્તો ખોલી નાખ્યો છે. આ પગલું પશ્ચિમી દેશો દ્વારા રશિયાની વિદેશોમાં ફ્રિઝ સંપત્તિ જપ્ત થવાની આશંકાના જવાબમાં ભરાયું છે. સૂત્રો મુજબ જો યુરોપ રશિયાની સંપત્તિ જપ્ત કરશે તો રશિયા પણ સમાન કાર્યવાહી કરશે.

• મોદી ભારતીયોના અપમાનને સાંખી લેનારા નહીં: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેલ ખરીદી પર અમેરિકાના ભારત પર દબાણની ટીકા કરી. તેમણે કહ્યું કે, ભારત હાર માનશે નહીં. PM મોદી ક્યારેય એવો નિર્ણય નહીં લે, જે ભારતના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે. પ્રધાનમંત્રી મોદી ભારતીયોના અપમાનને સાંખી નહીં લે.

• અમેરિકાના વલણમાં અચાનક પલટોઃ હમણાં સુધી અમેરિકા રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાનો દાવો કરતું હતું. જો કે હવે લાગે છે કે તે તેના તે વલણમાંથી પાછું ફરી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં નવો જ વળાંક આવી રહ્યો છે. તેણે યુક્રેનને દરેક પ્રકારની સહાયતા કરવા નિર્ણય કર્યો છે.

• ફિલિપાઈન્સમાં 6.9નો ભૂકંપઃ ફિલિપાઈન્સમાં ભૂકંપને કારણે તારાજી સર્જાઈ છે. 6.9ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. ભૂકંપના આંચકા એટલા ભયાવહ હતા કે ઘરો અને ઈમારતોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી જેમાં 69 લોકોનાં મોત થયાં, જ્યારે 150 લોકો ઘાયલ થયા.


comments powered by Disqus