બિહાર રાજ્યના પટણાથી થોડા કિલોમીટર દૂર આવેલ કુંદલગ્રામે માતા ત્રિશલાની કૂખે રાજા સિધ્ધાર્થના કૂળ દીપક જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરનો જન્મ ૫૯૯ બી.સી.માં ચૈત્ર સુદ તેરસના રોજ થયો હતો. રાજવી પરિવારમાં જન્મેલ બાળ મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન પાડવામાં આવ્યું. કારણ એમના જન્મ બાદ રાજ્યમાં ધન-ધાન્યની વૃધ્ધિ થઇ અને પ્રજાજનોમાં આનંદ આનંદ વરતાયો હતો. એ પુન્યવંતા દિનને લગભગ ૨૬૨૨ વર્ષના વ્હાણાં વાયા છતાં આજે ય એનું મહત્વ જરાય ઘટ્યું નથી બલ્કે વધ્યું છે.
દેશ-વિદેશમાં વસતા જૈનો ભગવાન મહાવીરના જન્મદિનની ઉજવણી કરે છે. ખાસ કરીને ભગવાનનો ઉપદેશ યાદ કરી, એનું ચિંતન-મનન અને અમલની મહત્તા છે.
તન-મન-ધનથી ભક્તિ કરવી એ જ ઉદ્દેશ છે. આ વર્ષે ૧૦ એપ્રિલના રોજ મહાવીર જન્મ કલ્યાણક છે. એ દિવસે ભારતભરના મોટા શહેરો અને ગામે ગામ જૈનો ભેગાં મળી વરઘોડો-રથયાત્રાનું આયોજન કરે છે. રથમાં ભગવાનની પ્રતિમા બિરાજમાન કરે છે. મોટી સંખ્યામાં ભાવિકો એમાં જોડાય છે અને પરમાત્માના ગુણગાન ગાઇ-નાચ ગાન હર્ષોલ્લાસ સહ જન્મ કલ્યાણક ઉજવવામાં ધન્યતા અનુભવે છે.
એ દિવસે ધાર્મિક વડા, વિદ્વાનોના વ્યાખ્યાનો યોજાય છે. એના દ્વારા જૈન ધર્મની ફિલોસોફી, ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશ સારા-સાચા માનવ બનવાની દિશામાં આગેકૂચ કરવા પ્રેરાય છે.
આ દિવસે જૈનો ચેરિટેબલ પ્રવૃત્તિઓમાં સક્રિય અનુદાન નોંધાવે છે. દીન-દુ:ખીયા, જરૂરતમંદોને રોટી-કપડાં-શિક્ષણ-આરોગ્યની સેવામાં આર્થિક સહયોગ આપી કરૂણા ભાવ વહાવડાવે છે. પાંજરાપોળોમાં દાન નોંધાવે છે. કતલખાને જતા પશુઓને જીવતદાન આપે છે. અહિંસા ધર્મનું પાલન કરી કૃતકૃત્યતા અનુભવે છે.
જૈન ધર્મના મુખ્ય પાંચ સિધ્ધાંતો: અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. જેનું પાલન સાધુ ભગવંતો દિક્ષા લઇ કરે છે. અહિંસામાં નાનામાં નાના જીવો, પશુ-પંખી-વનસ્પતિ સૌના હિતની રક્ષા અને એમને હાનિ ન પહોંચે એનો ખ્યાલ રખાય છે. આજે જ્યારે વિશ્વમાં ચારેકોર યુધ્ધના વાદળો છવાયેલા છે અને હજારો માનવી સહિત અનેક જીવોનો સંહાર થાય છે અને હજારોના જાન પર જોખમ તોળાઇ રહ્યું છે ત્યારે ભગવાન મહાવીરે ચીંધેલા અહિંસાના સિધ્ધાંતને સમજી એનો અમલ કરવો એ સમયનો તકાજો છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી પણ એ માટે સક્રિય બની સમાધાનના માર્ગે જવા વિશ્વના દેશોને અપીલ કરી રહ્યાં છે. આશા રાખીએ કે વિશ્વમાં શાંતિ સ્થપાય.
ભગવાન મહાવીરનો સંદેશો માત્ર ભારત માટે જ નહિ પરંતુ વૈશ્વિક છે.
આજે દુનિયાભરના દેશોને પર્યાવરણનો પ્રશ્ન મૂંઝવી રહ્યો છે ત્યારે પણ જૈન સિધ્ધાંતોના મૂળને સમજી એનો અમલ થાય તો એ સમસ્યા ઉકેલી શકાય એમ છે. ‘જીવો અને જીવા દો ‘ જેવા સરળ વાક્યમાં પ્રભુનો સંદેશ રોજબરોજના જીવનમાં ઉતારીએ તો વિશ્વ જીવવા લાયક સુંદર સ્થળ બની શકે એમ છે.
ભૌતિક જીવનના સુખો મેળવવા પાછળ આંધળી દોટ મૂકી વિવેકભાન ભૂલી જઇએ છીએ. આપણે ‘મારું..મારું..’માં રાચી રહ્યા છે અને એના કારણે હિંસક વિચારો, ગુસ્સો, તિરસ્કાર, લોભ, મોહ-માયામાં ફસાઇ કર્મો બાંધી રહ્યા છે ત્યારે ભગવાને ચીંધેલ માર્ગ સમજવા ને અમલ કરવા જેવો છે. ક્ષણિક સુખ આપતા ભૌતિક જીવનને બદલે આધ્યાત્મિક માર્ગે શાશ્વત શાંતિ-સુખ મળે છે એનું જ્ઞાન મેળવીએ તો આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્તિ મળે.
જીવનમાં હકારાત્મક અભિગમ, મેડીટેશન અને માનવતાના મૂલ્યો તાણમુક્ત જીવન બક્ષે છે. સમ્યક દર્શન-સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્રો આ ત્રણ રત્નોના સ્વામિ બનનારનું જીવન સાર્થક થાય છે.
જન્મે જૈન હોવું એ નસીબની વાત છે પરંતુ કર્મે જૈન બનવું એ વધુ આવકાર્ય છે.
જૈન ધર્મમાં નાત-જાત-જાતિ-રંગ-વર્ણના કોઇ ભેદ નથી. રાજા હો કે રંક, ગરીબ હો યા તવંગર, સ્ત્રી યા પુરુષ, પ્રિન્સ યા પ્રીસ્ટ્સ, સ્પર્શ્ય કે અસ્પૃશ્ય વગેરેથી પર છે. સારા કર્મો કરનાર કોઇપણ વ્યક્તિ ઉચ્ચ પદને પામી શકે છે.
જૈન ધર્મ ક્રાંતિકારી છે. અંધશ્રધ્ધા, વિધિ-વિધાનથી દૂર
સારા માનવી બનવાની શીખ આપે છે. આત્માની જાગૃતિ કેન્દ્ર સ્થાને છે.
ભગવાન મહાવીરનો સંદેશો
‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરો, શુભ થાઓ આ સકળ જગતનું એવી ભાવના નિત્ય રહો…’ગીતની પંક્તિઓના શબ્દે શબ્દે ટપકે છે.
સાચા અર્થમાં ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી ત્યારે કરી કહેવાય જ્યારે એમના સંદેશાનું જીવનમાં અમલીકરણ થાય. જય મહાવીર.