એનપીસીસીના કથિત રિપોર્ટમાં હિન્દુ સમુદાયના કેટલાક કટ્ટરવાદી તત્વો ફાર રાઇટ્સ સાથે હાથ મિલાવી રહ્યાં હોવાનો આરોપ મૂકાયો છે. જેની સામે બ્રિટિશ હિન્દુ સમુદાયમાં ભારે આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. બ્રિટનનો જ નહીં સમગ્ર વિશ્વમાં વસતો હિન્દુ સમુદાય વસુધૈવ કુટુમ્બકમની લાગણી સાથે જીવતો આવ્યો છે ત્યારે પાયાવિહોણા આરોપ મૂકી સમગ્ર સમુદાયને જવાબદાર કેવી રીતે
ઠેરવી શકાય.
બ્રિટનના સર્વાંગી વિકાસમાં લઘુમતી એવા હિન્દુ સમુદાયનું યોગદાન ઊડીને આંખે વળગે તેવું છે. આફ્રિકામાંથી નિરાશ્રીત બનીને બ્રિટન પહોંચેલા હિન્દુઓએ પોતાની કોઠાસૂઝ અને આવડત વડે દરેક સેક્ટરમાં અગ્રીમ સ્થાન હાંસલ કર્યાં છે. બ્રિટનમાં રિશી સુનાકે પહેલા હિન્દુ વડાપ્રધાન બન્યાં અને પોતાના શાસનથી પૂરવાર કર્યું કે બ્રિટિશ હિન્દુ બ્રિટિશ સમાજનું અભિન્ન અંગ બની ગયો છે. બ્રિટિશ સંસદના બંને હાઉસમાં બ્રિટિશ હિન્દુઓની સંખ્યા ઊડીને આંખે વળગે છે. બ્રિટિશ રાજનીતિમાં હિન્દુ અવાજ એક મહત્વનું સ્થાન ધરાવે છે.
બિઝનેસની વાત કરીએ તો બ્રિટનનો સૌથી અમીર પરિવાર હિન્દુજા પરિવાર છે જે હિન્દુ છે. સુનિલ મિત્તલ સહિતના ઉદ્યોગપતિઓ હિન્દુ છે અને બ્રિટિશ ઉદ્યોગજગતની શાન બની રહ્યાં છે. હાઇ સ્ટ્રીટ પરની શોપ્સ હોય કે નાનાથી માંડીને મોટા બિઝનેસ હિન્દુ પ્રતિનિધિત્વ સ્પષ્ટ જોઇ શકાય છે. એકાઉન્ટન્સી, ન્યાયતંત્ર, એનએચએસની આરોગ્ય સેવાઓ કે શિક્ષણ જગત દરેક સેક્ટરમાં આજે બ્રિટિશ હિન્દુઓએ કાઠુ કાઢ્યું છે. તો શું આ બધા હિન્દુ કટ્ટરવાદી છે? ગામ હોય ત્યાં ઉકરડો હોય જ છે તેમ દરેક સમુદાયમાં ક્રિમિનલ અને કટ્ટરવાદી તત્વોની હાજરી પણ જોવા મળે છે. ધર્મ કોઇને નફરત કરવાનું શીખવતો નથી. ખ્રિસ્તી, હિન્દુ, મુસ્લિમ કે અન્ય દરેક ધર્મ માનવતા અને પ્રેમના જ સંદેશ આપે છે પરંતુ રાજકીય, આર્થિક અને પ્રભુત્વની લાહ્યમાં કેટલાંક તત્વો ધર્મના નામે નફરત ફેલાવવાનું કામ કરે છે. આવા તત્વો દરેક ધર્મમાં જોવા મળે છે પરંતુ તેમની ટકાવારી કેટલી? આવા જૂજ સમાજ વિરોધી અને ક્રિમિનલ તત્વોના કારણે એક શાંતિપ્રિય સમુદાયને જવાબદાર ઠેરવવો કેટલા અંશે ઉચિત ગણી શકાય? ટીમ રોબિનસન જેવા નફરત ફેલાવે તો તેમને ફાર રાઇટ્સ ગણાવવામાં આવે છે પરંતુ તેના માટે સમગ્ર બ્રિટિશ ખ્રિસ્તી સમુદાયને બદનામ કરાતો નથી.
હકીકત તો એ છે કે સમાજમાં નફરત ફેલાવનારા તત્વોની ઓળખ તેના ધર્મના આધારે કરી શકાય જ નહીં. કોઇ અસહિષ્ણુએ હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી પરિવારમાં જન્મ લીધો તેનો અર્થ એ નથી કે તેનામાં ધર્મએ અસહિષ્ણુતા ભરી દીધી છે. અસહિષ્ણુતા માટેના કારણે અને પરિબળો અલગ અલગ હોઇ શકે છે. તેથી આવા તત્વો માટે સમગ્ર સમુદાયને જવાબદાર ગણવો અને બદનામ કરવો જરાપણ યોગ્ય નથી.