બીજી એપ્રિલને લિબરેશન ડે ઘોષિત કરવાની સાથે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટ્રેડ વોરનો પણ પ્રારંભ કરી દીધો. ટ્રમ્પે વિશ્વના લગભગ તમામ દેશો પર 10થી 50 ટકા ટેરિફ લાદી દેતાં સમગ્ર વિશ્વના વેપાર જગતમાં હાહાકાર મચી ગયો અને તેની સીધી અસર સોમવારે વિશ્વભરના શેરબજારો પર જોવા મળી. ટ્રેડમાં આકરી નીતિ અપનાવીને શું ટ્રમ્પે અમેરિકન ઇતિહાસનું સૌથી મોટું બ્લન્ડર તો નથી કર્યું ને?
ટ્રમ્પે આ ટ્રેડ વોરમાં કોઇને બક્ષ્યાં નથી. પાડોશી કેનેડા અને મેક્સિકોથી માંડીને યુરોપિયન સહયોગીઓ પણ ટ્રમ્પના નિશાના પર આવી ગયાં છે. અમેરિકી અર્થતંત્ર માટે મહત્વના ગણાતા સાથીદેશોને પણ ટ્રમ્પે છોડ્યાં નથી. ટ્રમ્પે આ નિર્ણય માટે કોંગ્રેસની સહમતિની પણ પરવા કરી નથી. તેમના આ નિર્ણયને કારણે વિદેશો જ નહીં પરંતુ અમેરિકી જનતાને પણ મોટું નુકસાન ભરપાઇ કરવું પડશે. સ્ટોક માર્કેટમાં બોલાયેલા કડાકાના કારણે અમેરિકી નોકરીયાતોની બચતોમાં મોટું ધોવાણ થઇ ચૂક્યું છે. ટ્રમ્પના ટેરિફ છેલ્લા 60 વર્ષમાં કરાયેલો સૌથી મોટો કર વધારો છે. ટેરિફના કારણે અમેરિકામાં ચીજવસ્તુઓની કિંમતોમાં 2.3 ટકાનો વધારો નક્કી છે જેના કારણે પ્રતિ પરિવાર પ્રતિ વર્ષ 3800 ડોલરનો ખર્ચ વધી જવાનો છે. નિષ્ણાતોએ ફુગાવાના ઊઁચા દર, નીચા આર્થિક વિકાસ દર અને મંદીની આગાહી કરી દીધી છે.
ટેરિફમાં સરેરાશ 22 ટકાનો વધારો કરવાનો ટ્રમ્પ સરકારનો નિર્ણય વધુ પડતો છે. 1909 પછી ક્યારેય અમેરિકન ટેરિફ આ સપાટી પર જોવા મળ્યાં નથી. તે સમયે અમેરિકન સરકારની મુખ્ય આવક ટેરિફમાંથી જ થતી હતી પરંતુ 1913માં અમેરિકામાં આવકવેરો લાગુ કરાયા બાદ સ્થિતિમાં બદલાવ આવી ગયો હતો. એકતરફ ટ્રમ્પ અમેરિકી જનતાને ટેક્સ ઘટાડવાના આશ્વાસનો આપી રહ્યાં છે પરંતુ અત્યારે તો ટેરિફના કારણે અમેરિકામાં કોસ્ટ ઓફ લિવિંગ આસમાને પહોંચે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ગયું છે.
અમેરિકાના ઘરઆંગણે સ્થિતિ બદતર થવાની છે એ નિશ્ચિત છે. અન્ય દેશો દ્વારા અમેરિકા પર વળતો ટેરિફ લદાતા અમેરિકી કંપનીઓને પણ વેઠવાનો વારો આવવાનો છે. તેઓ આ બોજો અમેરિકન ગ્રાહકો નાખી અને કામદારોના વેતનમાં કાપ મૂકી હળવો કરવાનો પ્રયાસ કરશે. કામદારોને અપાતા બેનિફિટ્સમાં કાપ મૂકાય તો પણ નવાઇ નહીં.
બીજીતરફ ચીન, કેનેડા અને મેક્સકો સહિતના દેશોએ વળતા ટેરિફ પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. કેનેડામાં તો અમેરિકી ઉત્પાદનોનો બહિષ્કાર પણ શરૂ થઇ ગયો છે. યુરોપિયન યુનિયને વળતા ટેરિફ લાદવાની કવાયત શરૂ કરી દીધી છે. યુરોપમાં અમેરિકન બેન્કોને યુરોપના બજારોથી મર્યાદિત રાખવા અને અમેરિકી ટેક કંપનીઓને ટાર્ગેટ કરવાના પગલાં પણ લેવાઇ રહ્યાં છે. ચીને તો તમામ અમેરિકી ઉત્પાનો પર 34 ટકા ટેરિફ લાદીને જેવા સાથે તેવાનું વલણ અખત્યાર કરી દીધું છે.
ટ્રમ્પ અમેરિકા પર લદાયેલા વળતા ટેરિફની ટીકા કરી રહ્યાં છે. ટ્રમ્પની ટેરિફ માનસિકતા પાછળ એક ઊંડી ચાલની ગંધ પણ આવી રહી છે. ટ્રમ્પે દરેક દેશ માટે અલગ અલગ ટેરિફ લાદી તો દીધાં પરંતુ તેના અમલમાં થોડા દિવસનું અંતર પણ રાખ્યું છે. ટ્રમ્પે આ અંતર જાણીજોઇને રાખ્યું હોય તેમ લાગી રહ્યું છે. તેઓ ઇચ્છે છે કે જે તે દેશ અમેરિકા સાથે ટેરિફના મામલે સોદાબાજી કરે. ટ્રમ્પ એવું પણ ઇચ્છી રહ્યાં હોય એમ લાગે છે કે અમેરિકી ટેરિફ સામે ઝૂકી જઇને અન્ય દેશો અમેરિકી ઉત્પાદનો પરનો ટેરિફ ઘટાડે જેથી અમેરિકી કંપનીઓને ભાવતું બજાર મળી રહે. વિશ્વના અન્ય દેશોમાં અમેરિકી ઉત્પાદનો સસ્તાં બને. આ માટે ટ્રમ્પ સામ, દામ, દંડ અને ભેદની નીતિ સાથે આગળ વધી રહ્યાં છે. બીજી એપ્રિલના રોજ ટેરિફની જાહેરાત બાદ 50 કરતાં વધુ દેશોએ વાટાઘાટો માટે સંપર્ક કર્યો હોવાનો દાવો ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
હવે જોવું રહ્યું કે ખંધા ટ્રમ્પના આ હથકંડા કેટલા સફળ પૂરવાર થાય છે. ટ્રમ્પ ક્યાં તો અમેરિકી જહાજને ડૂબાડીને જંપશે અથવા તો સમગ્ર વૈશ્વિક અર્થતંત્રને લઇને ડૂબશે.