ટ્રમ્પ ટાઢા પડ્યા?! ભારત પરના ટેરિફ ઘટાડવાના સંકેત આપ્યા

Wednesday 09th April 2025 06:01 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ નાંખ્યા પછી કેનેડા અને ચીને પણ તેના પર વળતો ઘા કરતા અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ નાંખ્યા છે. જેથી દુનિયામાં ટ્રેડ વોરનો ભય ફેલાયો છે. આવા સમયે ટ્રમ્પે ભારતને નવી ટેરિફ નીતિમાં રાહત આપવાના સંકેત આપ્યા છે. એટલું જ નહીં ટ્રમ્પે ટ્રેડ ડીલ માટે ઈઝરાયેલ અને વિયેતનામ સાથે પણ વાટાઘાટો શરૂ કરી છે.
પ્રમુખ ટ્રમ્પના ટેરિફના કારણે દુનિયાના બજારોમાં ઉથલપાથલ સાથે મંદીનું વાતાવરણ સર્જાયું છે, જેને પગલે અમેરિકન કોર્પોરેટ જગતમાં ટ્રમ્પ પ્રત્યે નારાજગી વધી રહી છે. અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં મંદી આવી શકે છે. ટેરિફની અમેરિકન બજારો પર નકારાત્મક અસરના પગલે હવે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સુર બદલ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ઈઝરાયેલ અને વિયેતનામના પ્રતિનિધિઓ સાથે વેપાર સમજૂતી પર વાતચીત વધુ ઝડપી બનાવી છે. આમ તો આ વાતચીત ટેરિફ લગાવવાની બે એપ્રિલની ડેડલાઈન પહેલાંથી ચાલતી હતી. ટ્રમ્પ આ દેશો સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર વાતચીત કરી રહ્યા છે. જોકે, ચીન અને કેનેડા અગાઉથી જ અમેરિકાના ઉત્પાદનો પર ટેરિફની જાહેરાત કરી હતી.
ભાગીદારો સાથે સંવાદ માટે મન ખુલ્લુંઃ ટ્રમ્પ
ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે વિયેતનામની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ લામે એક પ્રસ્તાવ રાખ્યો છે કે પરસ્પર સમજૂતી થઈ જાય તો તેઓ પોતાના ટેરિફ શૂન્ય સુધી ઘટાડી દેવા તૈયાર છે. આ સિવાય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પુષ્ટી કરી છે કે તે વ્યાપારિક ભાગીદારો સાથે સંવાદ માટે ખુલ્લુ મન ધરાવે છે.
એરફોર્સ વનમાં ટ્રમ્પે કહ્યું, દરેક દેશે અમને કોલ કર્યો છે. આ અમારી રણનીતિની સુંદરતા છે. અમે પોતાને ડ્રાઈવિંગ સીટ પર રાખીએ છીએ જ્યાં સુધી અમે કંઈક સારું આપી રહ્યા છીએ. ડોનાલ્ડ ટ્રમ્પે બે એપ્રિલે રેસિપ્રોકલ ટેરિફ લાગુ થવાની જાહેરાત કરી હતી.


    comments powered by Disqus