પદ્મશ્રી પૂ. આચાર્યશ્રી ચંદનાજી (પૂ.તાઇ મા)ના વીઝનથી વિરાયતન-સેવા-શિક્ષણ-સાધનાના ત્રણ આધારસ્તંભો પર માનવલક્ષી પ્રવૃત્તિઓના શુભારંભના બીજ ૫૦ વર્ષ અગાઉ રોપાયા હતા. આજે એ વટવૃક્ષ બની વિશ્વના વીસેક દેશોમાં એની પ્રવૃત્તિઓ વિસ્તરી છે, ફુલી-ફાલી છે. વિરાયતનની આ ૫૦ વર્ષની સિમા ચિહ્ન સમી સફરની ઉજવણી લંડનમાં તાજેતરમાં થઇ. લંડનમાં ચંદના વિધાપીઠની સ્થાપના વિરાયતનના વિદ્વાન સાધ્વી શ્રી શિલાપિજીની નિશ્રામાં થઇ હતી. તેઓશ્રી પ્રથમ જૈન સાધ્વીજી છે જેમણે લંડન યુનિવર્સિટીમાંથી એમ.ફીલની ડીગ્રી ‘કમ્પેરેટીવ રીલીજીયન”માં મેળવી હતી. જેમના નેતૃત્વ હેઠળ આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
૨૯ માર્ચ શનિવાર’૨૫ના રોજ કિંગ્સબરીની જ્યુઇસ સ્કુલમાં આ શાનદાર કાર્યક્રમ વિરાયતનના સ્થાપક અને વીઝનરી પદ્મશ્રી આચાર્ય પ.પૂ. ચંદનાશ્રીજીની પ્રેરણા અને આશીષથી યોજવામાં આવ્યો હતો. જેમાં લંડનની અગ્રગણ્ય જૈન સંસ્થાઓના નેતાઓ, વિરાયતનના સમર્પિત સપોર્ટર્સની વિશાળ હાજરીથી હોલ ભરાઇ ગયો હતો. આ પ્રસંગે “ગુજરાત સમાચાર - એશિયન વોઇસ”ના પ્રતિનિધિને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ચંદના વિદ્યાપીઠના ૭ થી ૧૩ વર્ષના વિદ્યાર્થીઓએ “ધ વાઇલ્ડ માઇન્ડ” -પ્રાર્થનાના બળે માનસ પરિવર્તનની પ્રક્રિયાનું પ્રતિબિંબ પાડતું નાટક ભજવી પ્રેક્ષકોના મન જીતી લાીધાં હતાં. અનેક ભાષાઓના જાણકાર વિદ્વાન સાધ્વીજી પૂ. શિલાપીજીની હાજરી અને પ્રભાવશાળી વક્તવ્ય (ઇંગ્લીશ-ગુજરાતી-હિન્દી) અસરકારક રહ્યું. તેઓશ્રીએ વિરાયતનની - સેવા-શિક્ષણ-સાધનાના ત્રણ મુખ્ય ધ્યેયો અને વિશાળ પ્રવૃત્તિઓનું નિદર્શન પ્રોજેક્ટર સહિત કર્યું હતું. ૨૪મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામિના સનાતન સિધ્ધાંતોની આધારશીલા પર રચાયેલ વિરાયતને કોમ્યુનિટીના વિકાસમાં કરેલ પ્રવૃત્તિઓની હ્દય સ્પર્શી રજુઆતે ઉપસ્થિતોના આંખના ખૂણા ભીના કરી દીધાં હતાં.
હેલ્થકેર, એજ્યુકેશન, કુદરતી આફતોમાં રીલીફ કાર્યો કરી માનવતાનું ગૌરવ વધાર્યું હતું. એનું ઉજળું ઉદાહરણ છે કચ્છમાં આવેલ ભયાનક ભૂકંપ બાદ કરેલ રાહત કાર્યો અને નવસર્જનમાં મહત્વનું પ્રદાન. કચ્છમાં વિરાયતન વિદ્યાપીઠ ખોલી ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય બાળકોના જીવનમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવી માનવતા ઉજાગર કરી. જેમાં સાધ્વીજી શીલાપીજીની મુખ્ય ભૂમિકા રહી છે. એ જ્ઞાનવર્ધક સાંજનું સમાપન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ આ સ્કુલમાં આધ્યાત્મિકના પાયા પર કઇ રીતે તેમના વ્યક્તિગત જીવનનો વિકાસ કર્યો એના સ્વાનુભવોની સુંદર રજુઆત કરી હતી.