દર બે વર્ષે અમરિકામાં “જૈના કન્વેશન’’ (જૈન ફેડરેશન ઓફ નોર્થ અમેરિકા)ભરાય છે. આ વર્ષે શિકાગોમાં ૩ થી ૭ જુલાઇ દરમિયાન જૈના કન્વેશન ૨૦૨૫ ભરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકાના ૭૨ જૈન સેન્ટર (જેના ૨૦૦,૦૦૦ સભ્યો છે)ઉપરાંત કેનેડા, બ્રિટન, ભારત સહિત વિવિધ દેશોના અગ્રણીઓ ૫૦૦૦થી વધુ સંખ્યામાં હાજર રહ્યાં હતાં. જૈનોનો આ મહાકુંભ હતો, જેનું થીમ હતું:‘’ અનેકતામાં એકતા - શાંતિનો માર્ગ ”.
જૈન ધર્મના સમૃધ્ધિ સભર વારસાનું જતન અને આદ્યાત્મિક વિકાસ, વિદ્વાનોના વકત્વ્યો, સંસ્કૃતિની આપ-લે, વિચારોનું આદાન-પ્રદાન, જ્ઞાનવર્ધક સભાઓ, સાહિત્ય અને કલાનું પ્રદર્શન, પ્રચાર-પ્રસાર-નેટવર્કીંગ, વર્કશોપ્સ, શાકાહારની મહત્તા, યોગા, સખાવત, માનવતાલક્ષી પ્રવૃત્તિઓ જેવા વિવિધ વિષયોને આવરી લેતા આ કન્વેશનમાં બધી જ વયના માટેની પ્રવૃત્તિઓની ભરમાર હતી. વ્યક્તિગત અને સામાજિક વિકાસની દિશામાં આગેકૂચ કરાવતું જૈન જીવનશૈલીને ઉજાગર કરતું આ કન્વેશન અદભૂત હતું. શિકાગોના મનીષભાઇ અને શૈલજા ગાંધી પરિવાર એના મહા સંઘપતિ હતા. એ ઉપરાંત અનેક ઉદારમના દાતાઓના સૌજન્યથી આ કન્વેશનને ચાર ચાંદ લાગી ગયા હતા.
ભવ્ય પ્રોસેશન સહ હર્ષોલ્લાસભેર એનું વાજતે ગાજતે ઉદ્ઘાટન થયું સ્ટેજ પર કોશા નૃત્ય નાટિકા સહિત અન્ય સુવિખ્યાત શ્રાવકોને સહેવા પડેલ ઉપસર્ગોની કથા તેમજ ભગવાન મહાવીરના જીવન આધારિત નાટકો, સ્ટેન્ડ અપ કોમેડી, જૈન ગોટ ટેલન્ટ, સારેગમના સુગંધ મિશ્રાએ (ઇન્ડીયન આઇડોલના કલાકારો) બોલીવુડ નાઇટ આદી વિવિધ મનોરંજક અને જ્ઞાન વર્ધક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું. આ કન્વેનશનમાં હાજર રહેલાઓના અભિપ્રાયે એ અનોખું હતું. એક વિસ્મરણીય અનુભવ હતો.
અહિંસા વિશ્વ ભારતીના તેમજ શાંતિ કેન્દ્રના સંસ્થાપક આચાર્ય લોકેશજી, સ્વામિનારાયણ પરંપરાના ડો.જ્ઞાન વત્સલ સ્વામિ, વિરાયતનના સાધ્વીજી શિલાપીજી, જૈન વિશ્વ ભારતીના સમણ શ્રુતપ્રજ્ઞજી, ડો.સમણી પ્રતિભાપ્રજ્ઞાજી, ડો.દેવેન્દ્ર ભટ્ટારક મહાસ્વામિજી આદીની પાવન ઉપસ્થિતિમાં આ કન્વેશનનો શુભારંભ થયો.
આચાર્ય લોકેશજીએ કન્વેશનના ઉદઘાટન સત્રને સંબોધન કરતા જણાવ્યું કે, “હાલના વિશ્વમાં અનેક ભાગોમાં યુધ્ધ અને હિંસાનું વાતાવરણ ભયાવહ છે. દુનિયા ત્રીજા વિશ્વ યુધ્ધના આરે આવીને ઉભી છે; આવા સમયે ભગવાન મહાવીરની અહિંસા અને અનેકાન્તવાદ દર્શન જ દુનિયાને નવો રાહ બતાવી શકે એમ છે.
તેમણે જણાવ્યું કે, પર્યાવરણ પ્રદૂષણથી પણ વૈચારિક પ્રદૂષણ વધુ ખતરનાક છે, વૈચારિક પ્રદૂષણના કારણે જ વિશ્વના અનેક ભાગોમાં તનાવજનક સંધર્ષની સ્થિતિ ઉદભવી છે. સાંપ્રદાયિક કટ્ટરતા અને ધાર્મિક અસહિષ્ણુતાનો માહોલ બન્યો છે. આવા સમયમાં અનેકતામાં એકતાની રાહ બતાવનાર ભગવાન મહાવીરનો શાંતિનો સંદેશ વિશ્વને ત્રીજા વિશ્વ યુધ્ધમાંથી બચાવી શકે. તેમણે ઉપસ્થિત ૫૦૦૦ પ્રતિનિધીઓને સલાહ આપી કે,પોતપોતાના દેશમાં જઇ ભગવાન મહાવીરનો અહિંસા અને અનેકાન્તવાદનો સંદેશો જન-જન સુધી પહોંચાડો.
આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખર મોટીવેશનલ સ્પીકર ડો.જ્ઞાન વત્સલ સ્વામિ, સાધ્વી શિલાપીજી, સમણ શ્રુતપ્રજ્ઞજી, ડો.સમણી પ્રતિભાપ્રજ્ઞાજી, ડો.દેવેન્દ્ર ભટ્ટારક મહાસ્વામિજી, આયુર્વેદના પ્રખ્યાત આચાર્ય મનીષજી, શ્રી અજય શેઠ, ડો.વિપિન દોશી, શ્રી હિતેશ દોશી, શ્રી મનુ શાહ, શ્રી વિમલ શાહ, કુ.જેસિકા કોક્સ, શ્રી સ્પર્શ શાહ, શ્રી ભાવિન શાહ, શ્રી સાગર શેઠ, શ્રી દિપકભાઇ બારડોલી, શાસ્ત્રી વિપિન શાહ, શ્રી પારિતોષ શાહ, શાસ્ત્રી સ્વાનુભૂતિ જૈન, ડો.તેજ સાહેબ, શ્રી સંજય કુમાર જૈન, શ્રી રિકિન શાહ, શ્રી જીનેય શાહ વગેરેએ પોત-પોતાના વિચારો પ્રસ્તુત કરતાં જૈન ધર્મના સિધ્ધાંતો, મૂલ્યો અને પરંપરાને ઉજાગર કરતા વૈજ્ઞાનિક સત્યો રજુ કર્યા.
આ કન્વેશનમાં લંડનથી નવનાતના પ્રેસિડેન્ટ શ્રી જશવંતરાય દોશી સહિત અન્ય જૈન આગેવાનોએ હાજરી આપી હતી.