બળાત્કાર.... એક અત્યંત ધૃણાસ્પદ શબ્દની સાથે સાથે જધન્ય અપરાધ પણ છે પરંતુ આદિકાળથી પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓ આ જધન્ય અપરાધનો ભોગ બનતી આવી છે. આજે વિશ્વે ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય પરંતુ આ સામાજિક દુષણને ડામવામાં કોઇ સભ્ય સમાજ સફળ રહ્યો નથી. પશ્ચિમના અત્યંત વિકસિત ગણાતા યુકે સહિતના દેશોમાં પણ બળાત્કારના આંકડા કમકમાટી ઉપજાવનારા છે.
ઇંગ્લેન્ડ અને વેલ્સની વાત કરીએ તો વર્ષ 2024માં બળાત્કારના 71,227 કેસ પોલીસમાં નોંધાયા હતા. પરંતુ તેમાંથી ફક્ત 2.7 ટકા કેસમાં જ પોલીસ દ્વારા આરોપ ઘડાયાં હતાં. બીજા શબ્દોમાં કહીએ તો વર્ષ 2024માં દર 100 કેસમાંથી ફક્ત 3 કેસમાં જ આરોપી સામે આરોપ ઘડાયાં હતાં. બ્રિટનમાં 16 વર્ષની ઉંમર સુધી પહોંચતા દર 4 મહિલામાંથી એક મહિલા બળાત્કાર અથવા તો સેક્સ્યુઅલ એસોલ્ટનો ભોગ બને છે. દર 6માંથી 1 બાળકનું શારીરિક શોષણ થાય છે. એવું નથી કે ફક્ત મહિલાઓ જ બળાત્કારનો શિકાર બને છે. 16 વર્ષની વય સુધી પહોંચતા સુધીમાં દર 18માંથી એક પુરુષ પણ સેક્સ્યુઅલ એસોલ્ટનો સામનો કરે છે.
આ તો પોલીસમાં નોંધાયેલા કેસોની વાત થઇ. પરંતુ મોટાભાગના પીડિત પોલીસમાં ફરિયાદ કરવાનું ટાળે છે. દર 6માંથી 5 મહિલા તેમના પર થયેલા શારીરિક હુમલા અંગે ફરિયાદ કરતાં ખચકાય છે. 40 ટકા પીડિતોનું કહેવું છે કે તેમને ખુલીને બહાર આવતાં સમાજમાં શરમજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. 38 ટકા પીડિતોને તો પોલીસ પર વિશ્વાસ જ નથી. તેમનું માનવું છે કે આ પ્રકારની સ્થિતિમાં પોલીસ કોઇ મદદ કરતી નથી. 34 ટકા પીડિતોને ભય લાગે છે કે સમાજ તેમને ધૃણાની નજરે જુએ છે. આ સ્થિતિ માટે જવાબદાર પોલીસની તપાસ અને ન્યાયતંત્રની ગોકળગાયની ઝડપે ચાલતી કાર્યવાહી પણ જવાબદાર છે. પોલીસમાં ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં કેસનો નિકાલ આવતાં સરેરાશ બે વર્ષ જેવો સમય નીકળી જાય છે. સંખ્યાબંધ કેસોમાં તો ચુકાદો આવતાં વર્ષો લાગે છે. ઘણા કિસ્સામાં કોર્ટમાં કેસ દાખલ થાય પછી પીડિતા ભય અથવા તો દબાણના કારણે હાજર પણ થતી નથી જેના કારણે અપરાધી છૂટી જતા હોય છે. આજની તારીખે પણ હજુ 11,918 કેસ કોર્ટમાં સુનાવણીની રાહ જોઇ રહ્યાં છે. તેમાં બાળકો પર બળાત્કારના 1,646 કેસ પણ સામેલ છે.
આ છે સુસંસ્કૃત અને સભ્ય ગણાતા બ્રિટિશ સમાજની વાસ્તવિકતા. ગ્રુમિંગ ગેંગો દ્વારા જે રીતે સગીરાઓનું શારીરિક શોષણ થયું તે કોણ જાણતું નથી. એક્ટિવિસ્ટોની કાગારોળ છતાં સરકારો અપરાધીઓને છાવરતી જ રહી જેના કારણે દાયકાઓ સુધી માસૂમ કિશોરીઓ નરાધમોનો ભોગ બનતી રહી. એવું નથી કે સમાજના નીચલા તબકાના, વ્યસનીઓ કે ક્રિમિનલ્સ જ આ જધન્ય અપરાધ આચરે છે. હેરોડ્સના મોહમ્મદ અલ ફાયેદે જે રીતે તેની મહિલા કર્મચારીઓનું જાતીય શોષણ કર્યું તેની પીડિતાઓએ હવે વર્ષો બાદ મોં ખોલ્યું છે. સમાજના પ્રભાવશાળી લોકો પણ આ જધન્ય અપરાધ કરતાં ખચકાતાં નથી.
પોલીસ દ્વારા તપાસમાં વિલંબ, અદાલતી કાર્યવાહીની ગોકળગાયની ગતિ, પીડિતાને જ શંકાની નજરે જોવાની સમાજની માનસિકતા જેવા પરિબળો આ પ્રકારના અપરાધને બહાર આવતા અટકાવે છે અને તેના કારણે અપરાધીઓ બેફામ રીતે વર્તતા આવ્યાં છે. આ દુષણ નાબૂદ કરવા માટે સૌથી પહેલાં તો પુરુષની માનસિકતામાં બદલાવની જરૂર છે.