બાળકો માટે સોશિયલ મીડિયાનો સંતુલિત ઉપયોગ અત્યંત જરૂરી

Wednesday 09th July 2025 08:07 EDT
 

18 અને 19મી સદીમાં શરૂ થયેલી ઔદ્યોગિક ક્રાંતિએ માનવ જીવનનો અભિગમ જડમૂળથી બદલી નાખ્યો અને 21મી સદી આવતાં સુધીમાં તો ટેકનોલોજીએ એવી હરણફાળ ભરી કે સમગ્ર વિશ્વ જાણે કે આંગળીના ટેરવા પર આવી ગયું છે. જોકે દરેક ટેકનોલોજીના સારા અને નરસા એમ બંને પ્રકારના પરિણામ ભોગવવાં પડે છે. ટેકનોલોજીએ આજે માનવીને બળદગાડાના યુગમાંથી જેટ યુગમાં લાવી દીધો છે તો તેના બેફામ ઉપયોગે પૃથ્વીના વાતાવરણનું ધનોત પનોત પણ કાઢી નાખ્યું છે.
આધુનિક જમાનાની સૌથી ક્રાંતિકારી શોધ મોબાઇલ ફોન, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ગણી શકાય. 21મી સદીએ તો આપણને ડિજિટલ યુગમાં લાવી દીધાં છે. આજે મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ વિના લોકો પોતે પાંગળા થઇ ગયાં હોય તેમ અનુભવે છે. આ ટેકનોલોજીના પ્રભાવથી બાળકો પણ અળગાં રહી શક્યાં નથી. તેમાં પણ સોશિયલ મીડિયાનું વળગણ બાળકો પર ગંભીર અસરો પાડી રહ્યું છે. આ વળગણને કારણે તેમની વાંચનની આદતો ઘટી રહી છે. એવું નથી કે સોશિયલ મીડિયા વિપરિત અસર જ કરે છે. સોશિયલ મીડિયા અને પુસ્તક વાંચન બાળકના વિકાસ પર ઘેરી અસર કરે છે.
એકતરફ સોશિયલ મીડિયા બાળકની રચનાત્મકતા, પરસ્પર સંપર્ક, વૈશ્વિક પ્રવાહોની જાણકારી મજબૂત બનાવે છે તો તેનો વધુ પડતો ઉપયોગ બાળકની માનસિક અને શારીરિક તંદુરસ્તી પર વિપરિત અસરો કરે છે. સોશિયલ મીડિયાનો જ્યાં સુધી જ્ઞાન વધારવા કે શૈક્ષણિક હેતૂઓ માટે ઉપયોગ કરવામાં આવે ત્યાં સુધી તેના નુકસાન કરતાં લાભ વધુ છે. તેનાથી બાળકનો સર્વાંગી વિકાસ થઇ શકે છે. પરંતુ સાથે સાથે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના કારણે તેની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને તર્કશક્તિમાં મોટો ઘટાડો થાય છે. બાળક ડિપ્રેશન, એન્ઝાઇટીનો ભોગ બનવાની સાથે તેના આત્મવિશ્વાસમાં ભયંકર ઘટાડો થાય છે.
સોશિયલ મીડિયાના કારણે આજે બાળકોમાં વાંચન પ્રવૃત્તિ નહીંવત બની રહી છે. પુસ્તકોના વાંચન દ્વારા બાળકના વિદ્વતાપૂર્ણ, સંવેદનશીલ અને માનસિક વિકાસમાં ઘણી મદદ મળે છે. બાળકની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પ્રબળ બને છે અને બાળપણ માટે મહત્વના જ્ઞાનવર્ધક કાર્યોનું નિરૂપણ થાય છે. પુસ્તક વાંચનથી બાળકની વિચારશક્તિ અને સમસ્યાઓના ઉકેલની ક્ષમતામાં વધારો થાય છે. પુસ્તકો બાળકને સંવેદનશીલ બનાવે છે, સાંસ્કૃતિક વૈવિધ્યતાથી માહિતગાર કરે છે અને જટિલ માનવ અનુભવો કરાવે છે. જે બાળકોમાં વાંચનની આદત હોય છે તેઓ તેમની શૈક્ષણિક કારકિર્દીમાં વધુ પ્રગતિ કરી લાંબાગાળે સફળતાના શિખરો સર કરે છે.
જોકે આજે વાલીઓ પોતે જ પોતાના મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયામાં એટલા રચ્યા પચ્યા રહે છે કે બાળકો પણ તેમના જ માર્ગે આગળ વધી રહ્યાં છે. એક એવો પણ સમય હતો કે જ્યારે આખો પરિવાર સાથે બેસીને ડીનર કરતો અને આખા દિવસની કામગીરી અને અનુભવોની ચર્ચા કરતો જેના કારણે બાળકો તેમના માતાપિતાના અનુભવો પરથી જીવનના પાઠ ભણી શક્તાં હતાં. આજે ડાઇનિંગ ટેબલ પર કોઇને એકબીજા સાથે વાત કરવાનો પણ સમય મળતો નથી. ચાર વ્યક્તિ એક જ રૂમમાં બેઠી હોય તો પણ પોતાના ફોનમાં જ વ્યસ્ત રહેતી હોય છે.
ડિજિટલ યુગમાં નવી ટેકનોલોજીથી દૂર રહેવું શક્ય નથી પરંતુ તેનો સંતુલિત ઉપયોગ ઘણી સમસ્યાઓથી બચાવી શકે છે. માતાપિતાએ પોતે સોશિયલ મીડિયાનું વળગણ છોડીને પુસ્તક વાંચન દ્વારા બાળકોને પ્રેરણા આપવી જોઇએ. નહીંતર આજે મોટાભાગના પરિવારોમાં જોવા મળે છે તેમ દરેક સભ્ય એકલવાયો બની રહ્યો છે. પરિવારોમાં ભંગાણ સર્જાઇ રહ્યાં છે અને સંવેદનશીલતા ઘટી રહી છે. દરેક માતાપિતાએ આ દિશામાં ગંભીરતાથી વિચારવાની તાતી જરૂર છે.


comments powered by Disqus