‘ઇન્દોરનાં હેલન કેલર’ઃ મુક-બધિર અને પ્રજ્ઞાચક્ષુ યુવતીએ સરકારી નોકરી મેળવી

Tuesday 08th July 2025 08:59 EDT
 
 

ઇન્દોરઃ શહેરના હેલન કેલર તરીકે જાણીતાં અને બોલી, સાંભળી કે જોઈ ના શકતાં 34 વર્ષીય ગુરદીપ કૌર વાસુએ સરકારી નોકરી મેળવાની ઇતિહાસ રચ્યો છે. તેમને રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. શારીરિક વિકલાંગતાઓએ તેમને સરકારી સેવામાં જોડાવાનું સ્વપ્ન જોવાથી રોકી ન શક્યા. સામાજિક, શૈક્ષણિક અને સરકારી ક્ષેત્રે લાંબા સંઘર્ષ બાદ ગુરદીપનું સ્વપ્ન આખરે સાકાર થયું છે.
ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનાર ગુરદીપને ઇન્દોરમાં કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટની એક ઓફિસમાં બહુવિધ વિકલાંગતાની શ્રેણીમાં વર્ગ-ચાર કર્મચારી તરીકે પોસ્ટિંગ મળી છે. સામાજિક ન્યાય કાર્યકરોનો દાવો છે કે દેશમાં આ પહેલો કિસ્સો છે જ્યાં બોલી, સાંભળી કે જોઈ ન શકતી મહિલા સરકારી સેવામાં જોડાઈ છે.
વિભાગના એડિશનલ કમિશનર સપના પંકજ સોલંકીએ જણાવ્યું હતું કે ગુરદીપની પસંદગી દિવ્યાંગો માટે ખાસ ભરતી અભિયાન હેઠળ યોગ્યતાના આધારે કરાઈ હતી. તે સમયસર ઓફિસ આવે છે અને જાય છે. આનાથી સ્પષ્ટ છે કે સરકારી સેવામાં જોડાવાની તેમની સફર સરળ નહોતી. ગુરદીપનાં માતા મનજીત કૌર વાસુ પોતાની પુત્રીની સિદ્ધિ પર ભાવુક થઈને કહ્યું કે, ‘ગુરદીપ મારા પરિવારની પહેલી સભ્ય છે જેને સરકારી નોકરી મળી છે. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તે ક્યારેય આ પદ પર પહોંચશે. આજકાલ લોકો મને મારા નામથી ઓછું અને ગુરદીપની માતાના નામથી વધુ ઓળખે છે.’
પ્રિમેચ્યોર ડિલિવરીથી ગુરદીપનો જન્મ થયો હતો. તે પાંચ મહિનાની થઈ ત્યાં સુધી કોઈ પ્રતિક્રિયા આપતી નહોતી. ત્યારબાદ તેના પરિવારને ખ્યાલ આવ્યો કે તે બોલી, સાંભળી અને જોઈ શકતી નથી.
ગુરદીપ સરકારી સેવામાં જોડાયા બાદ દિવ્યાંગોના અધિકારો માટે કામ કરતા લોકોમાં ખુશીનો માહોલ છે. સામાજિક ન્યાય કાર્યકર્તા જ્ઞાનેન્દ્ર પુરોહિતે જણાવ્યું હતું કે દિવ્યાંગ અધિકાર અધિનિયમ 2016માં, અન્ય દિવ્યાંગ ઉમેદવારોની જેમ પ્રજ્ઞાચક્ષુ, મૂંગા અને બહેરા લોકોને પણ સરકારી નોકરીઓમાં અનામત આપવાની જોગવાઈ છે, પરંતુ સરકારી તંત્રને તેનો અમલ કરવા માટે મનાવવું ખૂબ મુશ્કેલ છે.


comments powered by Disqus