વિશ્વમાં આતંકવાદથી સૌથી વધુ પીડિત દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. આઝાદ થયો ત્યારથી ભારત નકસલવાદ, ઉત્તરપૂર્વના રાજ્યોમાં અલગતાવાદ, કાશ્મીરમાં આતંકવાદ અને છેલ્લે પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદ સામે ઝઝૂમતો આવ્યો છે. આતંકવાદના કારણે ભારતમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યાં છે. આતંકવાદના મામલે ભારત હંમેશા વિશ્વના અનેક મંચ પર રજૂઆતો કરતો રહ્યો છે પરંતુ સંયુક્ત રાષ્ટ્રથી માંડીને પશ્ચિમના દેશો તરફથી આ મુદ્દે ભારતને હંમેશા નિરાશા જ પ્રાપ્ત થતી હતી.
ભારતે જ્યારે પણ સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે અમેરિકા અને ચીન પાકિસ્તાનની મદદે પહોંચ્યા હતા. તેવી જ રીતે અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની અલગતાવાદીઓ સામે પગલાં લેવાની વાત આવે ત્યારે આ દેશોએ હંમેશા ભારતની રજૂઆતો પર આંખ આડા કાન જ કર્યાં છે.
જોકે ભારતે ક્યારેય હાર માની નથી. 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર નવી દિલ્હીમાં સત્તા પર આવી ત્યારબાદ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. મોદી સરકારની આક્રમક રજૂઆતો અને નીતિઓના કારણે હવે એમ લાગી રહ્યું છે કે પશ્ચિમના દેશોના બહેરા કાન પર ભારતનો અવાજ પડઘાવા લાગ્યો છે.
ગયા સપ્તાહમાં બ્રિટનની સરકારે શીખ કટ્ટરવાદી સંગઠન બબ્બર ખાલસાને મદદ કરવા અને ભારતમાં કથિત આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપસર બ્રિટિશ નાગરિક અને બિઝનેસમેન તથા બબ્બર અકાલી લેહર નામના સંગઠન પર યુકેના આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત પ્રતિબંધ લાદ્યા છે. આવું પહેલીવાર બન્યું છે.
ઓક્ટોબર 2025માં બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ભારતના મુંબઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તે સમયે મોદીએ ખાલિસ્તાની આતંકવાદ મુદ્દે સ્ટાર્મર સમક્ષ ધારદાર રજૂઆત કરી હતી. મોદીએ સ્ટાર્મરને ભારપુર્વક જણાવ્યું હતું કે, લોકતાંત્રિક સમાજમાં કટ્ટરવાદ અને હિંસક ઉગ્રવાદને કોઇ સ્થાન ન હોવું જોઇએ.
આ પહેલાં બ્રિટિશ સત્તાવાળાઓ દ્વારા વાણી સ્વાતંત્ર્યના હવાલા આપીને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અને સંગઠનો પ્રત્યે હંમેશા કુણું વણલ અપનાવવામાં આવતું હતું. ભારતીય હાઇ કમિશન સામેના ખાલિસ્તાનીઓના દેખાવો અત્રે યાદ કરી શકાય. ખાલિસ્તાન સમર્થકોએ લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતે હિંસક હુડદંગ મચાવ્યું હતું. તેમ છતાં બ્રિટિશ સરકાર દ્વારા તેમની સામે કોઇ નક્કર પગલાં લેવાયાં નહોતાં.
મુંબઇમાં સ્ટાર્મર અને મોદીની મુલાકાત પહેલાં પણ બ્રિટિશ પાર્લામેન્ટરી કમિટીએ એક રિપોર્ટમાં આરોપ મૂક્યો હતો કે નવી દિલ્હી યુકેમાં રાજ્યાશ્રય લઇ રહેલા રાજકીય વિરોધીઓ સામે કાવતરા કરી રહી છે. બ્રિટિશ રિપોર્ટમાં ભારતમાં ખાલિસ્તાનની રચનાના સમર્થક અને અમેરિકામાં કાર્યરત સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ દ્વારા કરાતા દાવાઓને પણ સામેલ કરાયાં હતાં. ભારતે આ સંગઠનને પ્રતિબંધિત જાહેર કરેલું છે. ભારત સરકારે બ્રિટિશ કમિટીના આ રિપોર્ટને પાયાવિહોણો ગણાવી ફગાવી દીધો હતો.
જોકે હવે સ્ટાર્મર સરકારના વલણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. લીડ્સના ગુરપ્રીતસિંહ રેહલ અને બબ્બર અકાલી લેહર સંસ્થા પર લદાયેલા પ્રતિબંધ તેનો પુરાવો છે. બ્રિટનનું આ બદલાયેલું વલણ આવકારદાયક છે. ભારતને કનડી રહેલા ખાલિસ્તાની અલગતાવાદીઓ સામેના પગલાંની શરૂઆત બંને દેશના દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપશે.
