મોદી-પુતિનની મુલાકાતઃ ટ્રમ્પ અને પશ્ચિમને સ્પષ્ટ સંદેશ

Wednesday 10th December 2025 05:41 EST
 

આજે સમગ્ર વિશ્વમાં ઠેર-ઠેર ઘર્ષણ જોવા મળી રહ્યું છે ત્યારે ગયા સપ્તાહમાં રશિયન પ્રમુખ પુતિને ભારતની મુલાકાત લીધી. એકતરફ અમેરિકા રશિયા સાથેની લાંબાગાળાની ભાગીદારી ઓછી કરવા ભારત પર ટેરિફ સહિતના હથકંડા દ્વારા દબાણ વધારી રહ્યો છે ત્યારે પુતિન અને નરેન્દ્ર મોદી વચ્ચેની આ મુલાકાતે અમેરિકા અને પશ્ચિમના દેશોને એક સંદેશો તો જરૂર પાઠવી દીધો છે. આ સંદેશો એ છે કે ભારત તેની વ્યૂહાત્મક સ્વાયત્તતા સાથે કોઇ સમાધાન કરવા કે અમેરિકાના દબાણ હેઠળ રશિયા સાથેની મિત્રતાનો ત્યાગ કરવા જરાપણ તૈયાર નથી.
આમ તો બંને નેતાઓ વચ્ચેની મુલાકાતમાં પશ્ચિમની નીતિઓ પર સીધો કોઇ પ્રહાર કરવાના બદલે પરસ્પરના હિતોને ધ્યાનમાં રાખી દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. તેમ છતાં આ મુલાકાત સામાન્ય કૂટનીતિ કરતાં પણ પ્રતિકાત્મક રીતે વિશ્વને અને ખાસ કરીને અમેરિકા તથા પશ્ચિમના દેશોને આડકતરી રીતે ઘણું કહી ગઇ. આ મુલાકાતે એક સ્પષ્ટ સંદેશો તો આપી જ દીધો છે કે વિશ્વ પર હવે પશ્ચિમની જોહુકમી ચાલશે નહીં. વિશ્વ હવે બહુધ્રુવીય વૈશ્વિક વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. ભારત અને રશિયા વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારોએ સંકેત આપી દીધો કે ભારત અને રશિયા બાહ્ય દબાણો છતાં ભાગીદારી ઘટાડવાના મૂડમાં જરાપણ નથી.
યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પર ચારેતરફથી દબાણ લાવી રહ્યાં છે. આ કડીમાં તેઓ ભારત પર પણ રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ન ખરીદવા દબાણ કરી રહ્યાં છે. ભારત નમતું જોખે તે માટે અમેરિકામાં થતી ભારતીય નિકાસો પર 50 ટકા ટેરિફ પણ ઝીંકી દીધો છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત તેની વિદેશ નીતિમાં બદલાવ કરે. પરંતુ મોદી અને પુતિનની મુલાકાતે ટ્રમ્પની ધમકીઓ અને દબાણને જાહેર જાકારો આપી દીધો છે. ભારતના વડાપ્રધાન મોદીએ વિશ્વને સ્પષ્ટ સંદેશો પાઠવ્યો છે કે અમે કોની સાથે મિત્રતા, ભાગીદારી કરીશું તે નક્કી કરવાનો અધિકાર કોઇને નથી. મિત્રોની પસંદગીમાં ભારત કોઇ દબાણને તાબે થશે નહીં.
મોદી અને પુતિન વચ્ચેની મુલાકાતનું વિશેષ પાસુ એ રહ્યું કે બંને નેતાઓ દ્વારા વ્યાપક વૈશ્વિક સંતુલન પર ભાર મૂકવામાં આવ્યો. બંને નેતાએ વિશ્વને બતાવી દીધું કે અમે મલ્ટીપોલર ઇન્ટરનેશનલ સિસ્ટમ ઇચ્છીએ છીએ. અમે વૈશ્વિક આર્થિક વિશ્વસનિયતામાં વૈકલ્પિક માળખાનું નિર્માણ કરવા માગીએ છીએ. મોદી અને પુતિનની મુલાકાત પહેલાં ભારત સ્થિત બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના રાજદૂતો દ્વારા એક અગ્રણી ભારતીય અખબારમાં લેખ પ્રસિદ્ધ કરાયો હતો. રાજદ્વારી નૈતિકતાના તેમના આ ઉલ્લંઘનને પણ મોદી અને પુતિનની મુલાકાતે જોરદાર તમાચો માર્યો છે. ભારતની વાત સ્પષ્ટ છે. અમે અમારા હિતોની જાળવણી માટે વિશ્વમાં અમારા મિત્રો જાતે પસંદ કરીશું. ભારતે પોતાના આર્થિક હિતોને ધ્યાનમાં રાખતાં તાજેતરમાં જ યુકે સાથે મુક્ત વેપાર કરાર કર્યો છે અને યુરોપિયન યુનિયન સાથે પણ વેપાર કરારની મંત્રણા ચાલી રહી છે. તેમ છતાં યુરોપ ભારતને તેમના હિતો માટે દબડાવે તે સાંખી લેવાશે નહીં તેવું આ મુલાકાતે તેમને જણાવી દીધું છે.
આમ પુતિન અને મોદી વચ્ચેની મુલાકાત ફક્ત દ્વિપક્ષીય મુલાકાત નહીં પરંતુ બદલાઇ રહેલી વૈશ્વિક વ્યવસ્થાનું પ્રતિક પણ બની રહી હતી. એક એવી વૈશ્વિક વ્યવસ્થા જેમાં ઉભરતા દેશોના મંતવ્યો અને અભિગમોનું પણ મહત્વ હોય.


comments powered by Disqus