28 ઓગસ્ટે ગુજરાત સમાચારનો ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ યોજાયો, જે જૈન ધર્મના પર્વોના રાજા પર્યુષણ અને એના પ્રાણસમા સંવત્સરી દિનની ક્ષમાપનાને સમર્પિત રહ્યો.
કાર્યક્રમ સંચાલક જ્યોત્સનાબહેન શાહે મુખ્ય વક્તા જયેશભાઈ શાહની ઓળખ આપતાં કહ્યું, જયેશભાઈ જૈન ધર્મના પ્રખર અભ્યાસુ તો છે જ, સાથોસાથ છેલ્લાં 24 વર્ષથી યુકેના ધર્મજ્ઞાનની પ્રભાવના કરી રહ્યા છે. યુકે આવ્યા તે પહેલાં નડિયાદની જૈન પાઠશાળામાં ધાર્મિક શિક્ષક તરીકે તેમણે સેવા સાદર કરી હતી. જયેશભાઈ બાદ જ્યોત્સનાબહેને તેમનાં પત્ની ઇનાબહેનને ક્ષમાપના સ્તવન સંભળાવવા વિનંતી કરી, જેને અનુલક્ષી ઇનાબહેને ‘મિચ્છામી દુક્કડમ’ ગાઈ વાતાવરણ મહાવીરવાણીમય બનાવી દીધું હતું.
• જ્યોત્સનાબહેનઃ જયેશભાઈ પર્યુષણનો અર્થ અને મર્મ અમને સમજાવો.
જયેશભાઈઃ પર્યુષણ જૈન ધર્મનો મહાન પર્વ છે. શ્વેતાંબર અને સ્થાનકવાસી સહિતના સપ્રદાયોમાં તીર્થંકરો તો એકસરખા છે, પરંતુ ગુરુઓએ આપેલી જે પરંપરા અને રીતભાતો જ અલગ છે. જો કે મુખ્ય ભાવ તમામ સંપ્રદાયોમાં એક જ છે, ‘મનુષ્ય જન્મને સફળ કરી આપણો આત્મા પણ પરમાત્મા સ્વરૂપ બનાવીએ.’
દિગંબર જૈન સંપ્રદાય પર્યુષણ પર્વ 10 દિવસ સુધી ઊજવે છે, જ્યારે શ્વેતાંબર અને સ્થાનકવાસી 8 દિવસ સુધી મનાવે છે. કહેવાય છે કે, વર્ષના 360 દિવસ પૈકી અગત્યના આરાધના કરવા અને આત્મશુદ્ધિ કરવાના દિવસો જ્ઞાની ભગવંતોએ 8 દિવસ અથવા 10 દિવસના બતાવ્યા છે. એટલે જ એક જ્ઞાનીએ કહ્યું છે, ‘વર્ષ દિવસમાં અષાઢ ચોમાસું, તેમાં વળી ભાદરવો માસ; આઠ દિવસ અતિ ખાસ, પર્વ-પર્યુષણ કરો ઉલ્લાસ; અઠ્ઠાઈ ઘરનો કરવો ઉપવાસ.’ આ રીતે પર્યુષણનું મહત્ત્વ ગાતાં કવિઓએ કહ્યું છે કે, ‘આઠ દિવસ ખૂબ મહત્ત્વના છે, વર્ષના 360 દિવસ સિવાયના જે દિવસો છે તેમાં આઠથી દસ દિવસમાં આપણે આપણી જાત અને વ્યવહારને વધુ મહત્ત્વ આપીએ છીએ. સંજોગવશાત્ થોડે ઘણે અંશે ધર્મધ્યાન કરતા હોઈશું, પણ ક્યારેક ક્યારેક રાગથી મોહથી સંસારનાં કાર્યોમાં એટલા ગૂંચવાઈ જઈએ છીએ, જેના કારણે આપણે આપણી આરાધના ચૂકી જઈએ છીએ.’ આમ આત્મશુદ્ધિ કરવા આઠ દિવસના પર્યુષણનો પર્વ છે, આઠ દિવસ ધર્મધ્યાન કરવાનું. જ્ઞાનીએ એમાં સમયપત્રક આપ્યું છે કે પરમાત્માનાં દર્શન કરો-પૂજા કરો-ભક્તિ કરો.
આ દરમિયાન આપણા ગૃહસ્થનો ધર્મ શું છે તેનાં કર્તવ્યોનું સ્વાધ્યાય આવે. જૈન ધર્મના મહાન ગ્રંથ કલ્પવૃક્ષનું વાંચન ગુરુમુખે સાંભળવાનું છે. આમ આ આઠ દિવસનું સ્વાધ્યાય કે પ્રવચન આપણને જીવન જીવવાની શક્તિ આપે છે.
આ ઉપરાંત સવાર-સાંજના પ્રતિક્રમણ દ્વારા આત્મા પર કયા-કયા દોષો લાગ્યા છે તેની આત્મ ચકાસણી કરવાની હોય છે. આ ક્રિયામાં મૌન સાથે મન-વચન-કાયા જોડીને બહારની તમામ ક્રિયાથી મુક્ત થઈ એકસ્થાને બેસી આ દોષોને સાફ કરવા માટે પરમાત્મા, ગુરુની વંદના કરવાની હોય છે. આ સાથે હું કેવો છું, મારામાં કેવાકેવા દોષોનું સેવન થયું છે તે ચકાસણી કરી ક્ષમાયાચના આપવી તે આઠેઆઠ દિવસ ભાવિકો પ્રતિક્રમણ દ્વારા કરતા હોય છે.
• આઠ દિવસ દરમિયાન કઈ-કઈ પ્રવૃત્તિ થતી હોય છે? તપનું મહત્ત્વ શું છે?
જયેશભાઈઃ વર્ષ દરમિયાનના દિવસોમાં જે ભાઈ-બહેનો દેરાસર નથી આવતાં, તેઓ આ આઠ દિવસ દરમિયાન ચોક્કસપણે દેરાસર જવા, દર્શન કરવા અને પૂજા કરવાનો સંકલ્પ કરે છે. સવારે પ્રતિક્રમણ, પૂજાભક્તિ પછી પ્રવચન હોય છે. રાત્રે સૂતા પહેલાં એક ભાવ હોય છે કે આજની આરાધના સુંદર થઈ અને આવતીકાલની આરાધના આજથી પણ સારી હોય. આની સાથે આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે, હું કેવો છું?, મેં કેવાં કાર્યો કરેલાં છે?, મારામાં કેવા દોષો ફરેલા છે?
• આપણી આસપાસનાં દુર્ગુણોને કેવી રીતે નાથવાં?
જયેશભાઈઃ સંસારમાં રહેતાં ક્રોધ, મોહ, માયા અને લોભ તો રહે જ. જો કે આ સ્થિતિમાં વિચારવાનું છે કે આ દુર્ગુણોને અપનાવવાથી મને શું મળવાનું છે? આ દુર્ગુણો આપણાં કર્મને પણ વધારે છે, મનને પણ ભારે બનાવે છે ને આપણા જીવનને અશાંત બનાવે છે. આ શત્રુઓને આપણે બને તેટલાં દૂર કરવાં અને એનાથી પીછેહઠ કરવી અને ભાવને શુદ્ધ રાખવો.
• ક્ષમાપના અંગે અમને જણાવશો?
જયેશભાઈઃ પરમાત્મા મહાવીર સર્વજીવોને પોતાના જેવા જ માનતા હતા, એટલે જ કોઈની સાથે તેમને વેરઝેર નહોતાં થયાં. જીવનમાં ઘણી તકલીફો છતાં પ્રભુએ સમતા અને શાંતિ રાખી અને કોઈને દુશ્મન ન બનાવી મિત્ર બનાવ્યા. આમ ક્ષમાપના પ્રભુ મહાવીરની પ્રસાદી છે. ભગવાન મહાવીરની સાચી પૂજા અને તપશ્ચર્યા જ એ છે કે અંતરના ભાવથી સાચી ક્ષમા આપવાની છે. આમ પર્યુષણના આ પર્વનું ફળ ક્ષમાપના જ છે. આઠેઆઠ દિવસની તપશ્ચર્યાનો સાર ક્ષમાપના છે.
• વાગેલા ઘા રુઝાઈ જાય પણ બોલેલા ઘા રુઝાતા નથી, તેને ભૂલવું કેવી રીતે?
જયેશભાઈઃ તેને ભૂલવા માટે આપણે વધુને વધુ સત્સંગ કરવો જોઈએ, સમતા લાવવી જોઈએ. સમતા આવે તો કંઈપણ થાય તેમાં આપણું મગજ તમામ પ્રત્યે સમભાવ રહે. આમ સત્સંગ અને સમતા ખૂબ મહત્ત્વનાં છે. સૌ પ્રત્યે મૈત્રીભાવ રહે તેવી વાણી રાખવી જોઈએ. સૌને આપણાં બોલેલાં વચન ગમે તેવો પ્રયાસ કરવો. સમસ્ત જીવસૃષ્ટિમાં આપણે મનુષ્યોને જ વાણી મળી છે, તો તેનો સદ્ઉપયોગ કેમ ન કરવો! આપણી અસૂરી વાણી બંદૂકની ગોળી જેવી છે, જે અન્ય કોઈને વેધી નાખે. પરંતુ પિપરમિન્ટની ગોળી જેવા શબ્દો આપનાર અને ખાનાર બંનેને સુખ અને આનંદ ઉપજાવે છે.
• મનને શાંત અને પ્રસન્ન રાખવા શું કરવું?
જયેશભાઈઃ મનને શાંત અને પ્રસન્ન રાખવા સંતોષનો ગુણ ધારણ કરવાની જરૂર છે. આપણી ઇચ્છા ઓછી થશે તો જ મનમાં શાંતિનો અનુભવ થશે. ઇચ્છા વધારે છે તે વધારે દુઃખી થાય છે. આ સાથે સંત્સંગ પણ એટલો જ જરૂરી છે.
• સર્વ જીવોના કલ્યાણમિત્ર કેવી રીતે બનવું?
જયેશભાઈઃ સર્વ જીવોના કલ્યાણ મિત્ર બનવા આપણે સ્વાર્થ વૃત્તિ છોડવાની છે. સર્વ જીવોનું ભલું કેવી રીતે થાય તે જોવું, મારા કારણે અન્યને તકલીફ નથી થતી ને તે વિચારવું. બીજા આપણને કેવી રીતે મદદરૂપ થાય તેમ નહીં, પરંતુ આપણે બીજાને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ તે જોવાનું. આમ જો થાય તો સર્વ જીવોના કલ્યાણમિત્ર બની શકીએ છીએ.
• મનુષ્ય માટે ધર્મ છે કે ધર્મ માટે મનુષ્ય?
જયેશભાઈઃ મનુષ્ય માટે ધર્મ મને યોગ્ય લાગે છે, કારણ કે મનુષ્ય અને ધર્મ એક સિક્કાની બે બાજુ છે. કાયદાઓ પશુઓને નહીં, મનુષ્ય માટે જ છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે, ‘હે માનવ તું મહાન છે.’ કારણ કે તારી અંદર જ મારા જેવા બનવાની શક્તિ છે. મનુષ્યએ પોતાનો ધર્મ, આત્માના ગુણો આપણામાં પ્રવેશે. મનુષ્ય અને ધર્મ એકમેક છે અને એકમેક જ રહેવો જોઈએ, કર્તવ્ય શુદ્ધ હોવું જોઈએ.
• પર્યુષણ બાદ સ્વામી વાત્સલ્ય યોજવાનું કારણ શું?
જયેશભાઈઃ સમગ્ર સમાજ ભેગો થાય અને જમણવાર કરે તેને સ્વામી વાત્સલ્ય કહેવાય છે. સમાજની જે વ્યક્તિઓ ધર્મ, ધ્યાન અને ભક્તિ કરે છે તે પણ સ્વામીતુલ્ય છે. કારણ કે આઠ દિવસ બધાએ ભેગા મળીને જે આરાધના કરી છે તેની ઉજવણીરૂપે આખો સમાજ અને સંઘ ભેગો થાય, બાળકો-વડીલો ભેગા થાય, મળે, મિચ્છામી દુક્કડમ કરે અને સાથે મળી મીઠું ભોજન કરે. આમ કરવાથી એકબીજા પ્રત્યે પ્રેમ જાગે, સારાં કાર્યો કરવાની ભાગના જાગે. આ ઉપરાંત સમાજ, ધર્મ અને સંસ્કૃતિ સાથે સૌ જોડાયેલા રહે તે માટે સ્વામી વાત્સલ્યનું આયોજન થાય છે.
જયેશભાઈની માહિતીપ્રદ વાતો બાદ જ્યોત્સનાબહેને વિનોદભાઈ કપાસીને આમંત્રણ આપતાં કહ્યું, પર્યુષણના આ પર્વે તમે શું કહેવા માગો છો?
વિનોદભાઈ કપાસીઃ પ્રભુ મહાવીર સ્વામીએ જે વાત કરી તે સર્વ ઉદ્ધારક તો છે જ, સાથોસાથ આપણો ઉદ્ધાર પણ એમાં સમાયેલો છે. આપણા આત્માની ઉન્નતિ પણ એમાં સમાવિષ્ટ છે. મારા પિતા કહેતા કે ‘કમ ખાના ઔર ગમ ખાના’. જૈન ધર્મમાં ઉપવાસની જેમ ઉણોદરી વ્રત છે, જે પણ ખૂબ અઘરું છે. ઉપવાસ તો કરી લેવાય પણ ઓછું ખાવું એ થોડું વધારે અઘરું છે. ગમ ખાના પણ ખૂબ અગત્યનું છે. આપણે સામાન્ય રીતે બહુ ઝડપથી રિએક્ટ કરીએ છીએ.
માની લઈએ કે આપણને કોઈ ઈ-મેઇલ કરે. આ સમયે ઉતાવળમાં એવા શબ્દો લખી જવાય કે વાત બગડે અને દુશ્મનાવટ ઊભી થાય. તમને કોઈપણ અજુગતો સંદેશ મળે કે કંઈપણ થાય તો તાત્કાલિક રિએક્ટ ન કરશો. જો આ સ્થિતિમાં તમે જવાબ લખો છો તો તે જવાબને રાખી મૂકો, મોકલો નહીં. બીજા દિવસે તેને ફરી વાંચો, મને ખાતરી છે કે ત્યારે તમે ઘણા શબ્દો અથવા આખેઆખાં વાક્યો બદલશો, વાત કરવાની શૈલી બદલશો. આ સ્થિતિમાં નુકસાન થતું અટકી જશે. જૈનોના સામયિક દ્વારા સમતા ભાવની ઉત્પત્તિ થાય છે.
વિનોદભાઈ કપાસી બાદ જ્યોત્સનાબહેને લેસ્ટરના ડો. શશિબહેન મહેતાને આમંત્રણ આપતાં તેમના અનુભવો જણાવવા કહ્યું.
શશિબહેનઃ જૈન ધર્મ પામ્યા બાદ જીવનમાં આવેલા પરિવર્તન મોટાં હતાં. પર્યુષણમાં આઠ દિવસમાં ક્ષમાયાચના કરતાં તમારું હૃદય હલકું થઈ જાય છે. આપણે કોઈને માફ કરીએ અથવા માફી માગીએ તેમાં આપણને ખૂબ ફાયદો થાય છે. કોઈને માફ કરતાં તમને ઊંઘ તો સારી આવે જ છે, જમવાનું પણ મીઠું લાગવા લાગે છે અને તમારો દિવસ પણ ખૂબ ઉલ્લાસભર્યો રહેશે. કોઈને માફ કરવું અને માફી માગવી ખૂબ મોટો ગુણ છે અને આપણા માટે ફાયદાકારક પણ છે.
સમાપન પ્રસંગે ગુજરાત સમાચારના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે કહ્યું કે, જૈન ધર્મ અતિપ્રાચીન છે. તેમાં અહિંસા, પ્રેમ, શાંતિ, જ્ઞાન, ધનપ્રાપ્તિ અને સખાવત પણ છે. અમારો પરિવાર છેલ્લાં 150 વર્ષથી જૈન ધર્મના પ્રભાવમાં છે, કારણ કે શ્રીમદ રાજચંદ્ર અમારા ગામમાં આવતા હતા. આ જ કારણે અમારા ચરોતરના અનેક પટેલો પણ જૈન ધર્મના પ્રભાવમાં રહ્યા છે. જય જિનેન્દ્ર... મિચ્છામી દુક્કડમ...