ગરબા

Wednesday 10th September 2025 08:22 EDT
 
 

સોનલ ગરબો શીરે અંબેમા ચાલો ધીરે ધીરે
સોનલ ગરબો શીરે અંબેમા ચાલો ધીરે ધીરે
રૂપલ ગરબો શીરે અંબેમાં ચાલો ધીરે ધીરે
લટકે ને મટકે રાસ રમે છે,
પાંચાળીના તીરે અંબેમા ચાલો ધીરે ધીરે... સોનલ ગરબો...
સખીઓ સંગાથે રાસ રમે છે,
ચોસઠ જોગણી ભેગી ભળે છે,
ફરરર ફૂદડી ફરે અંબેમા ચાલો ધીરે ધીરે... સોનલ ગરબો...
બંસરીને વીણા સૂર પૂરે છે,
વાગે મૃદંગ ધીરે ધીરે અંબેમા ચાલો ધીરે ધીરે... સોનલ ગરબો...
સાથિયા પુરાવો દ્વારે
સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી,
જય અંબે અંબે અંબેજ, જય જય અંબે...
વાંઝિયાનું મહેણું ટાળી, રમવા રાજકુમાર દે,
ખોળાનો ખૂંદનાર દે... આજ૦
કુંવારી કન્યાને માડી, મનગમતો ભરથાર દે,
મા પ્રીતમજીનો પ્યાર દે... આજ૦
નિર્ધનને ધન ધાન્ય આપે, રાખે માડી સૌની લાજ,
આજ મારે આંગણે પધારશે...
કુમકુમ પગલાં ભરશે માડી, સાતે પેઢી તરશે મારી,
સાતે પેઢી તરશે... આજ મારે૦
આદ્યશક્તિ મા પાવાવાળી, જનમ જનમની પીડા હરશે,
દઈ દઈ તાળી ગાવો આજ, વાજિંત્રો વગડાવો આજ.
આજ મારે આંગણે પધારશે...

રૂડે ગરબે રમે

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
પાયે વાગે છે ધૂઘરીના ઘમકા રે
આકાશમાંથી સૂર્ય જોવા આવિયા રે
સાથે સાથે રન્ના દે ને લાવિયા રે... રૂડે
પાતાળમાંથી શેષનાગ આવિયા રે
સાથે નાગ-નાગણિયુંને લાવિયા રે... રૂડે
ગોકુળમાંથી કૃષ્ણ જોવા આવિવા રે
સાથે રાધા-ગોપિયુંને લાવિયા રે... રૂડે
બ્રહ્મ લોકમાંથી બ્રહ્મા જોવા આવિયા રે
સાથે બ્રહ્મણીજીને લાવિયા રે... રૂડે
કૈલાસમાંથી શંકર જોવા આવિયા રે
સાથે પાર્વતીજીને લાવિયા રે... રૂડે

ચોખળિયાળી ચુંદડી મા

ચોખળિયાળી ચુંદડી મા ગરબે રમવા આવોને... (૨)
રસ રઢિયાળી રાતડી મા ગરબા ઘુમવા આવોને... (૨)
ચોખળિયાળી ચુંદડી મા...
સોળે શણગાર સોહે માડીમા મારું મન મોહ્યું... (૨)
અનંતની ઓઢણીયો ઓઢી....
ગરબે રમવા આવોને... (૨) ચોખળિયાળી ચુંદડીમાં
સંગે શોભે નાથ સુધાકર પૂનમ કેરી રાત રે... (૨)
ગગન ગોખમાં ગરબે ઘૂમે તારલિયું રઢિયાત રે.... (૨)
ચોખળિયાળી ચુંદડીમાં
ચોરે ને ચૌટે મા તારા કંકુ વેરાયા.... (૨)
ગોખે ગોખે જ્યોતિ ઝબકે છાંટણા છંટાણા.... (૨)
તાલી કેરા તાલમાં મારું.... (૨)
મનડું રે મોહ વ્યુરે.... ચોખળિયાળી ચુંદડીમાં....
રસ રઢિયાળી રાતડીમાં... ચોખળિયાળી....

સામા ડુંગરેથી ઉતર્યો વાઘ

સામા ડુંગરેથી ઉતર્યો વાઘ રે, ઓ માત અંબાજીમા
તારા વાઘને પાછો વાળ રે, ઓ માત અંબાજીમા
માના માથે તે મુગુટ શોભતો... (૨)
એવા મુગટે રત્ન જડાવું રે,
ઓ માત અંબાજીમા... સામા ડુંગરેથી.. .
માને માથે તે ગરબો શોભતો...(૨),
એવા ગરબે દિવડાં પ્રગટાવું રે,
ઓ માત અંબાજીમા... સામા ડુંગરેથી...
માને નાકે તે નથણી શોભતી...(૨),
એવી નથણીએ મોતીડા જડાવું રે,
ઓ માત અંબાજીમા... સામા ડુંગરેથી...
માના હાથમાં તે ત્રિશુળ શોભતો...(૨)
એવા ત્રિશુળે સિંદુર લગાવું રે,
ઓ માત અંબાજીમા... સામા ડુંગરેથી...

મા પાવા તે ગઢથી

 મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે
મા ચાંપા તે નેરના ચાર ચૌટા મા કાળી રે
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે
મારી મા અંબેમાને કાજ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા માળી તે આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા કુંભારી આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા સુથારી આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે બાજઠની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
મા ગાય શીખે ને જે સાંભળે, મા કાળી રે

પંખીડા તું ઊડી જાજે

પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે
મહાકાળીને જઇને કહેજે ગરબે ઘૂમે રે
પંખીડા ....... ઓ પંખીડા ...... પંખીડા ....... ઓ પંખીડા
ઓલ્યા ગામના સુથારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે
બાજઠ લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા ....... ઓ પંખીડા .........
પંખીડા ....... ઓ પંખીડા
ઓલ્યા ગામના કુંભારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કહેજો રૂડા ગરબા લાવો રે
ગરબો લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને ...........
પંખીડા .......... ઓ પંખીડા ........
ઓલ્યા ગામના સોનીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડી નથની લાવો રે
નથની લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા ........ ઓ પંખીડા ........
ઓલ્યા ગામના ગાંધીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી ચુંદડી લાવો રે
લાલ લાવો, લીલી લાવો, પીળી લાવો રે
મારી મહાકાળી જઇને ............
પંખીડા ....... ઓ પંખીડા ..........
ઓલ્ય ગામના માળીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી માળા લાવો રે
માળા લાવો, ગજરા લાવો, સુંદર લાવો રે
મારી મહાકાળીને .......


comments powered by Disqus