ગલાના ન્યુમ્બા ફાઉન્ડેશન-કેન્યા દ્વારા 1 લાખ એકર બંજર ભૂમિ પર અન્નસુરક્ષાનો દિવ્ય કૃષિ યજ્ઞ

Wednesday 10th September 2025 10:02 EDT
 
 

મોમ્બાસાઃ શહેરમાં ગલાના ન્યુમ્બા ફાઉન્ડેશનની ધરતી પર તાજેતરમાં અમદાવાદ સ્થિત SGVPના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય સદ્ગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી સંતમંડળ સાથે પધાર્યા હતા. આ પ્રસંગે લગભગ 500 હરિભક્તોએ ઉપસ્થિત રહી આ વિશાળ કૃષિ પ્રોજેક્ટનું અવલોકન કર્યું. તેમજ સંતો ભક્તોએ સાથે મળીને સેંકડો વૃક્ષોનું વાવેતર પણ કર્યું હતું.
ભુડિયા પરિવારનો પ્રેરણાત્મક પ્રયોગ
સ્વ. કેશવજી પ્રેમજી ભુડીયા તથા સ્વ. કાનજી પ્રેમજી ભુડીયા તથા સ્વ. અરવિંદભાઈ કાનજી તથા સ્વ. હસમુખભાઈ કાનજી ભુડિયાના દીકરાઓ – સૂરજ, ધ્રુવ, કિર્તન અને દર્શક વગેરેએ આ મહાકાય પ્રોજેક્ટનો આરંભ કર્યો છે. મૂળ તો આ સમગ્ર સેવા પ્રોજેક્ટ સ્વ. હસમુખભાઈ કાનજીનું સ્વપ્ન હતું, જે આજે એમના સુપુત્રો સાકાર કરી રહ્યા છે.
આશરે એક લાખ એકર જેટલી સૂકી અને બંજર ધરતીને જીવંત હરિયાળીમાં ફેરવવાનું આ સાહસ માત્ર કૃષિપ્રયોગ નથી, પરંતુ રાષ્ટ્રના અન્નસુરક્ષાનો દિવ્ય સંકલ્પ છે.
બંજર ભૂમિ પર આધુનિક ટેક્નોલોજી વડે હરિયાળી
અહીં ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલર સસ્ટમ, નહેરો દ્વારા વોટર મેનેજમેન્ટ તથા મિકેનાઈઝ્ડ ફાર્મિંગ અમલમાં મૂકાયું છે. વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વડે અહીં ઘઉં, મકાઈ, કસાવા, શીસલ તથા
અનેક ફળ-શાકભાજીની સફળતાપૂર્વક ખેતી થઇ રહી છે. કૃષિ ઉપજના પગલે પશુપાલન તથા સંબંધિત ઉદ્યોગો માટે નવા માર્ગો ખુલ્યા છે.
સેંકડો લોકોને રોજગારીની તક
આ પ્રોજેક્ટ હજારો લોકોને રોજગાર પ્રદાન કરી રહ્યો છે. આસપાસના ગામોના યુવાનોને આધુનિક કૃષિનું શિક્ષણ મળે છે. શાળાઓ અને યુનિવર્સિટીઓ સાથે તાલીમ કાર્યક્રમો યોજીને નવી પેઢીને ખેતી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
આ પ્રોજેક્ટના મુખ્ય હેતુઓ જોઇએ તો, દેશ માટે અન્નસુરક્ષા સ્થાપિત કરવી, પાણી અને પર્યાવરણનું સંરક્ષણ કરવું, જરૂરિયાતમંદ લોકોને પોષણ આપવું અને સમગ્ર આફ્રિકા ખંડને ઉત્તમ ખેતી તરફ પ્રેરિત કરવાનો છે.
સંતમંડળના આશીર્વાદ
આ પ્રસંગે પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ કહ્યું કે ‘આ કાર્ય માનવજાત માટે અન્નસુરક્ષા તરફનો પવિત્ર યજ્ઞ છે. આ ભૂમિ હંમેશા અન્ન, સમૃદ્ધિ અને સુખથી પરિપૂર્ણ રહે તેવી પ્રાર્થના.
ભુડીયા પરિવારનો સેવાયજ્ઞ
ભુડીયા પરિવાર રોજ હજારો લોકોને ભોજન કરાવે છે. તેમજ વન્ય વિસ્તારમાં રહેતા હજારો લોકોને રાશન પહોંચાડે છે. તો ભુડીયા પરિવાર દ્વારા કુદરતે દિવ્યાંગ સર્જેલા સેંકડો બાળકો માટે સહજાનંદ સ્પેશિયલ સ્કૂલ બનાવી છે. ઉપરાંત અન્ય સ્કૂલોના નિર્માણ કર્યા છે જેમાં કેન્યાના સેંકડો બાળકો અભ્યાસ કરે છે. ઉપરાંત કચ્છમાં તેમજ ગુજરાતમાં અનેક શાળાઓ અને હોસ્પિટલોના નિર્માણ કર્યા છે. ખરેખર આ પરિવાર માત્ર કચ્છનું જ નહીં, પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે.
દુનિયાને નવી દિશા
ગલાના ન્યુમ્બા ફાઉન્ડેશનના પ્રયાસોએ દર્શાવ્યું છે કે ભગવાનની કૃપા, સંતોના આશીર્વાદ અને હિંમત સાહસ અને સૂઝ બૂઝભરી મહેનતથી બંજર ભૂમિને પણ હરિયાળી બનાવી શકાય છે. આ પ્રોજેક્ટ કેન્યા જ નહીં, પણ સમગ્ર આફ્રિકા ખંડ માટે આશા, સમૃદ્ધિ અને પ્રેરણાનું કેન્દ્ર બની રહ્યો છે.


comments powered by Disqus