ટ્રમ્પ અને પશ્ચિમના દેશોનો ભારતને બલિનો બકરો બનાવવાનો પ્રયાસ

Wednesday 10th September 2025 06:17 EDT
 

શું વિશ્વ યુક્રેન યુદ્ધના અંત માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આશાની મીટ માંડી રહ્યું છે? કે પછી યુક્રેન યુદ્ધ અટકાવવામાં નિષ્ફળ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પશ્ચિમના સાથી દેશો નરેન્દ્ર મોદી અને ભારતને બલિનો બકરો બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે? 2024ના અંત ભાગમાં અમેરિકી પ્રમુખપદની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઇ ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ ઢોલ પીટી રહ્યા હતા કે હું સત્તામાં આવીશ તેના બીજા જ દિવસે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત આવી જશે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખની ખુરશી પર બિરાજમાન થયાં તેના 8 મહિના વીતી ગયાં છે અને યુક્રેનમાં યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે. એવું નથી કે ટ્રમ્પે આ યુદ્ધને અટકાવવાના પ્રયાસ કર્યાં નથી. તેમણે રશિયાના પ્રમુખ પુતિનને મનાવવા કે ઝૂકાવવા સામ, દામ, દંડ, ભેદ સહિતના તમામ હથકંડા અપનાવી જોયાં પરંતુ પુતિન હૈ કે માનતા નહીં....
ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર હાંસલ કરવાના કેટલા અભરખા છે તે વિશ્વ સારી પેઠે જાણે છે. ઇરાન-ઇઝરાયેલ, આર્મેનિયા-અઝરબૈજાન, થાઇલેન્ડ-કમ્બોડિયા વચ્ચેના યુદ્ધ અટકાવવાનો શ્રેય ટ્રમ્પે જાતે જ લઇ લીધો છે પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાના મામલામાં શ્રેય લેવામાં અમેરિકી પ્રમુખ થાપ ખાઇ ગયાં. પાકિસ્તાને તો તેનો શ્રેય ટ્રમ્પને આપીને નોબેલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરી દીધાં પરંતુ ભારતે ઘાસ ન નાખતાં ટ્રમ્પ ભુંરાટા થયાં છે. એકતરફ પુતિન ગાંઠી રહ્યાં નથી. યુક્રેન યુદ્ધનો અંત ક્ષિતિજ પર દેખાઇ રહ્યો નથી તેથી ટ્રમ્પે ઓળિયો ઘોળિયો ભારત પર નાખવાનું શરૂ કરી દીધું. રશિયા પાસેથી ભારત દ્વારા ખરીદ કરાતું ક્રુડ ઓઇલ રશિયાના વોરમશીનને મદદ કરી રહ્યું હોવાના આરોપ મૂકીને ટ્રમ્પે ભારતીય આયાતો પર 50 ટકા ટેરિફ લાદી દીધો હતો. ટ્રમ્પના સલાહકારો અને મંત્રીઓ દુનિયા સમક્ષ એવો દેખાડો કરી રહ્યાં છે કે ભારત રશિયા પાસેથી ક્રુડ ખરીદી રહ્યો છે તેના કારણે યુક્રેન યુદ્ધ અટકી રહ્યું નથી. આમ ટ્રમ્પની નિષ્ફળતા માટે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બલિનો બકરો બનાવવાનું શરૂ કરી દેવાયું છે.
એક તો પુતિન રશિયાના વ્યૂહાત્મક લક્ષ્યાંકો હાંસલ ન થાય ત્યાં સુધી ઝૂકવા તૈયાર દેખાતા નથી તો બીજીતરફ ચીનના શિ જિનપિંગે અમેરિકા સામે બરાબરના શિંગડા ભેરવ્યાં છે અને અધુરામાં પુરું નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને હાંસિયામાં ધકેલી દીધાં તેના કારણે ટ્રમ્પ હાસ્યાસ્પદ સ્થિતિમાં આવી ગયાં છે. તેમની સાથે યુરોપિયન યુનિયન પણ દોષનો ટોપલો ભારત પર મઢી દેવાના પ્રયાસો કરી રહ્યો છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી એકતરફ યુદ્ધ અટકાવવા માટે વડાપ્રધાન મોદીને મધ્યસ્થતાની અપીલ કરી રહ્યા છે તો બીજીતરફ એમ પણ કહી રહ્યાં છે કે રશિયા પાસેથી ક્રુડની ખરીદી માટે ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદવાનો લીધેલો નિર્ણય યોગ્ય છે. એ વાતમાં કોઇ શંકા નથી કે અમેરિકાના સાથી દેશો આગામી દિવસોમાં તેમાં સૂર પૂરાવશે. નાટો અને રશિયા વચ્ચેની લડાઇ સાથે ભારતને કોઇ લેવાદેવા નથી પરંતુ ટ્રમ્પ અને પશ્ચિમના દેશોને પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા એક બલિના બકરાની જરૂર છે. એ માટે તેઓ ભારતને નિશાન પર લઇ રહ્યાં છે.


comments powered by Disqus