પ્રેસ્ટનમાં ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા આયોજિત તાજેતરમાં પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ભાગવત કથાની પૂર્ણાહુતિ થઇ. આપ સૌ વાંચકોમાં કેટલાક કોચ દ્વારા પ્રેસ્ટન મંદિરમાં દર્શને તો ગયા જ હશો. લેન્કેશાયરના આ નાનકડા નગર જેમાં માંડ ૬૦૦ ગુજરાતી હિન્દુ પરિવાર વસે છે એ પ્રેસ્ટનવાસીઓની ધર્મપરાયણતા અને વતનપરસ્તીને સો સો સલામ કરવાનું મન થાય એવું સદકાર્ય એક સપ્તાહની ભાગવતકથામાં કરી દેખાડ્યું છે.
દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારની આદિવાસી દિકરીઓના શિક્ષણ અને રહેવા ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કરવા પૂ.ભાઇશ્રીએ બીડું ઉપાડ્યું છે. એ માટે ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટને તૈયારી બતાવી તા.૨૩ થી ૨૯ ઓગષ્ટ દરમિયાન પૂ.ભાઇશ્રીની શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન મંદિરના જ હોલમાં કર્યું હતું. ૧૦૦૦ હરિભક્તો બેસી શકે એવા હોલમાં યોજાયેલ આ ભાગવત સપ્તાહ સાથે શિક્ષણનું સદકાર્ય જોડાયેલું હતું. આ કથા દરમિયાન હરિભક્તોએ મનમૂકીને દાનગંગા વહાવી હતી. ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના પ્રેસિડેન્ટ દશરથભાઇ નાયી અને વાઇસ પ્રેસિડેન્ટ ઇશ્વરભાઇ ટેલરે જણાવ્યા મુજબ પૂ.ભાઇશ્રીની ભાગવત કથા આયોજનનો તમામ ખર્ચ કાઢતાં બે લાખ પાઉન્ડથી વધારે ડોનેશન ભેગું થયું છે. એ તમામ રકમ અમે પૂ.ભાઇશ્રીએ હાથ ધરેલ સાપુતારાના પ્રોજેક્ટમાં અર્પણ કરી દેવાના છીએ. કથા દરમિયાન હરિભકતોએ ખુલ્લા દિલે દાન આપ્યું છે. એનો સંપૂર્ણ હિસાબ એકાદ સ્તાહમાં અમે ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ કરીશું.
ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના ૫૦ વર્ષની સ્થાપનાની સુવર્ણ જયંતિ નિમિત્તે પ્રસિધ્ધ રંગીન વિશેષાંકમાં 'ગુજરાત સમાચાર' ૧૯૭૫થી પ્રેસ્ટનમાં મંદિર બન્યું ત્યારથી ઘનિષ્ટ સંબંધ ધરાવતું રહ્યું છે એનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૧૯૭૫માં શ્રી રાધા-કૃષ્ણની પહેલી મૂર્તિ પ્રતિષ્ઠા થઇ ત્યારે કુસુમબહેન શાહ અને એમના સહયોગી પધાર્યા હતા અને મંદિરે નાનું સુવેનિયર પ્રસિધ્ધ કર્યું એનું પ્રિન્ટીંગ ગુજરાત સમાચારે કરી આપ્યું હતું.
'ગુજરાત સમાચાર' સી.બી. પટેલે ખરીદ્યું પછી ૧૯૭૬માં તેઓ પહેલીવાર પ્રેસ્ટન મંદિરે આવ્યા. તેઓએ ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધિ આપીને લખ્યું કે, “બ્લેકપુલથી નજીક વૃંદાવનધામમાં પધારો" એ લેખ પછી પ્રેસ્ટન મંદિર ખૂબ પ્રસિધ્ધ બન્યું. ૧૯૭૭-૭૮માં અઠવાડિયે ૧૫-૨૦ કોચ હરિભક્તોને લઇને દર્શને આવતા. સી.બી.પટેલ એમના ભારતના વતન ભાદરણ પછી બ્રિટનમાં પ્રેસ્ટનને પોતાના વતન તરીકે સ્વીકાર્યું છે.
૧૯૭૮માં મા જગદંબા અને શિવપરિવારની મૂર્તિપ્રતિષ્ઠા થઇ ત્યારે પણ સી.બી. પટેલ આવ્યા હતા. એ જ રીતે ૧૯૮૦-૮૧માં એ સમયના પ્રિન્સ ચાર્લ્સ મંદિરે પધાર્યા ત્યારે પણ સી.બી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
૧૯૮૫માં ૧૫ વર્ષનો પાટોત્સવ ઉજવ્યો એમાં પણ સી.બી.ની હાજરી હતી. 'ગુજરાત સમાચાર'માં પ્રસિધ્ધ મળતાં મંદિરની પ્રતિષ્ઠા વધવા લાગી અને દિવસના ૨૦ કોચ આવતા એ બધા હરિભક્તોને અમે પ્રસાદી જમાડતા.
૧૯૯૦-૯૨માં ગુજરાત ટ્રેનિંગ રિસોર્સ સેન્ટર ખોલ્યું એમાં નવ યુવાનોને કામ શોધવામાં મદદ કરી. ૧૯૯૫માં ગુજરાત હિન્દુ સોસાયટીએ નવું સેન્ટર બનાવવા માટે સંશોધન કર્યું અને ૧૯૯૬માં મિલેનિયમ કમિશનની સ્થાપના થઇ. એ વખતે ઇશ્વરભાઇ ટેલર રીજનરેશન કંપનીમાં કામ કરતા. તેમને જાણકારી મળી અને તેઓએ મિલેનિયમ કમિશનમાં પ્રોજેક્ટ મૂકવા માટે કારોબારી સમિતિમાં રજૂઆત કરી. એ માટે કારોબારી સમિતિએ ગ્રાન્ટની અરજી માટે કન્સલ્ટંટની નિમણુક કરી અને બીઝનેસ પ્લાન સબમીટ કર્યા એ પછી તમામ અહેવાલ રજૂ કર્યા એમાં 'ગુજરાત સમાચાર'નો મોટો ફાળો રહ્યો.
લંડનથી અગ્રગણ્ય મહાનુભાવો મનુભાઇ માધવાણી, હિન્દુજા, લક્ષ્મી મિત્તલ, છોટુભાઇ પટ્ટણી, સી.બી.પટેલ ઉપસ્થિત હતા. ૧૯૯૭માં સ્કીમ પાસ થઇ અને ઓગષ્ટમાં મનુભાઇ માધવાણી, શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ.દાદાજી), સ્વામી સચ્ચિદાનંદ, સ્વામી વિષ્ણુપુરીના વરદહસ્તે ભૂમિપૂજન થયું. એ પછી ૧૯૯૮માં જ્હોન ટર્નર્સને કોન્ટ્રાક્ટ સોંપ્યો. ૧૯૯૮ના એપ્રિલમાં મંદિર પ્રોજેકટનું કામ શરૂ થયું. ૧૯૯૯માં મંદિર પ્રોજેકટ પૂરો થયો અને ૪ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ વાસ્તુપૂજન થયું એમાં દશરથભાઇ નાયી બેઠા હતા. ૧લી જાન્યુઆરી, ૨૦૦૦માં ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના નવા સેન્ટરનો વિધિવત લોકાર્પણ થયો હતો. એ વખતે પણ ગુજરાત સમાચારના સી.બી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.