કાઠમંડુઃ નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહેલા Gen-Z યુવાનો ગુસ્સે ભરાયા હતા. સોમવારે હજારો Gen-Z યુવા વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ ભવન, પ્રધાનમંત્રી આવાસ, રાષ્ટ્રપતિ આવાસ અને કેન્દ્રીય વહીવટી કાર્યાલયોને બાનમાં લઈ લેવાયાં હતાં. આ સ્થિતિના પગલે કાઠમંડુ સહિતનાં અનેક શહેરોની કમાન સેનાને સોંપી દેવાઈ હતી.
આ સ્થિતિમાં આંદોલનના પ્રથમ દિવસે 8 સપ્ટેમ્બરે જ નેપાળના કેન્દ્રીય ગૃહમંત્રી રમેશ લેખક અને બાદમાં પ્રધાનમંત્રી ઓલી સહિત અન્ય કેટલાક કેન્દ્રીય નેતાઓ અને વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ રાજીનામું મૂક્યું.
કેમ ઉશ્કેરાયા Gen-Z આંદોલનકારીઓ?
28 ઓગસ્ટે નેપાળમાં ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ સહિત 26 સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ બાદ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહેલા Gen-Z યુવાનો ગુસ્સે ભરાયા હતા અને રસ્તા પર ઉતરી આવ્યા હતા.
પોલીસે સંસદ તરફ કૂચ કરી રહેલા યુવાનોને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓ હિંસક બન્યા. આ હિંસક વિરોધમાં સેના દ્વારા ફાયરિંગ કરાયું, જેમાં 22 યુવાનનાં મોત નીપજ્યાં, જ્યારે 400થી વધુ યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા.
પૂર્વ વડાપ્રધાનો નિશાના પર
પ્રદર્શનકારીઓએ સંસદ ભવનને આગ ચાંપી અને વડાપ્રધાન કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ, ગૃહમંત્રીના નિવાસસ્થાન, પૂર્વ પીએમ પુષ્પ કમલ પ્રચંડ, શેરબહાદુર દોઉબા, નાણામંત્રી બિષ્ણુ પૌડેલના નિવાસ પર હુમલો કર્યો. પ્રદર્શનકારીઓએ પૂર્વ વડાપ્રધાન ઝાલાનાથ ખનાલના ઘરને આગ ચાંપી દીધી, જેમાં તેમનાં પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકરનું મોત નીપજ્યું હતું.
આંદોલનનો ચહેરો સુદાન ગુરુંગ
નેપાળ વિદ્યાર્થી આંદોલન પાછળ એનજીઓ હમી નેપાળની મહત્ત્વની ભૂમિકા છે, જેના વડા સુદાન ગુરુંગ છે. તેમના દ્વારા જ વિદ્યાર્થીઓને યુનિફોર્મ પહેરીને અને 4 પુસ્તકો લઈને વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરાઈ હતી. ગુરુંગે દાવો કર્યો હતો કે, આ વિરોધ સરકારી પગલાં અને ભ્રષ્ટાચાર સામે હતો.
સ્થિતિ આવી પણ !
નેપાળની વિકટ સ્થિતિને જોતાં નેપાળની બોર્ડર પરના બિહાર, ઉત્તરપ્રદેશમાં હાઇએલર્ટ આપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, નેપાળમાં પ્રદર્શનકારીઓ દ્વારા પશુપતિનાથ મંદિરનો દરવાજો તોડવાનો પણ પ્રયાસ કરાયો. આ સિવાય પ્રદર્શનકારીઓ દ્વારા નેપાળની કાસ્કી જેલમાં હુમલો કરાયો અને 900 કેદીઓને ભગાડી દીધા હતા. આ સિવાય મંગળવારે સવારે નાખુ જેલમાંથી પણ 1500 કેદીઓને ભગાડી દેવાયા હતા. પ્રદર્શનકારીઓ દ્વારા બાલેન્દ્ર શાહને પ્રધાનમંત્રી બનાવવા માગ કરાઈ છે.