પિતૃ તર્પણ કરતા સોળ શ્રાધ્ધ ૨૧ સપ્ટેમ્બરે પૂરાં થશે અને ૨૨ સપ્ટેમ્બર સોમવારથી શારદીય નવરાત્રિ શરૂ થશે. આસો સુદ એકમના દિવસે શરૂ થતા નવરાત્રિના પાવન પર્વમાં ભક્તજનો નવદુર્ગાના ગુણગાન ગાય છે. શ્રી દુર્ગા-સપ્તશતીના અગિયારમા અધ્યાયમાં દેવીના નવ અવતારોની કથાના દર્શન થાય છે. "યદા યદા દાનવોત્થા ભવિષ્યતિ તદા તદાવતીર્યાહં કરિષ્યાંભ્યરિસંયમ" જેનો અર્થ થાય છે જયારે જ્યારે દાનવોનું જોર (અત્યાચાર) વધશે, ત્યારે ત્યારે હું અવતાર લઇને શત્રુઓ (દાનવો)નો સંહાર કરીશ. અહીં મા જગદંબાના (નવદુર્ગા)ના નવ અલગ અલગ અવતારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં મહાકાળી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી, યોગમાયા, રક્ત-દન્તિકા, શાકમ્ભરી, દુર્ગા, ભ્રામરી, ચંડિકા ને ચામુંડાના સ્વરૂપની આરાધના અર્ચના થાય છે. આસો સુદ એકમના શુભ મૂહુર્તે મા જગદંબાના કોઇપણ સ્વરૂપની મંગલકારી મૂર્તિનું પૂજન ,અર્ચન કરીને ભાવિક ભક્તો નવ દિવસ માના મહિમાના મંગળ ગીતો-ગરબા ગાઇને નવરાતો ઉજવે છે.
નવરાત્રિની નવરાતોમાં મા જગદંબાની ઉપાસના સમસ્ત દેશવિદેશમાં સવિશેષ રીતે ઉજવાય છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં નિરાકાર અને સાકાર રૂપે મા જગદંબાના મહિમાનું ગાન અને સ્તુતિ થાય છે. એની ચિન્મય અને પરમશક્તિ રૂપે આરાધના થઇ છે. એની પરામ્બા વેદમાતા,વેદગર્ભા અને બ્રહ્મવિદ્યા છે. એ પ્રચંડ પ્રકોપ ધારણ કરનારી કૃષ્ણવર્ણ મહાકાલી છે, એ સુંદર, લલિતસૌમ્ય, ઝડપથી પ્રસન્ન થાય છે તો બીજી બાજુ રૌદ્ર દુર્ગા અને એની ભક્તિ દુર્ગમ છે. એ ભક્તિ અને મુક્તિ છે. એ મહારુદ્ર પત્ની દુર્ગામ્બા હોવા છતાં વિષ્ણુ પ્રિયા, નારાયણી, બ્રાહ્મી,મહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, માહેન્દ્રી, ચામુંડા અને મહાલક્ષ્મી પણ છે. મા જગદંબામાં કઠોર અને કોમળ બંને ભાવો ભારોભાર ભરેલો છે. મા જગદંબાએ અસૂરોને સંહારતા રૌદ્રભાવ પ્રકટ કર્યો છે ત્યારે એ જ જગદંબા અતિ કોમળ બનીને સમગ્ર સૃષ્ટિ માટે હિતકર્તા અને શક્તિદાતા પણ બની રહે છે. જળમાં શિતળતા, અગ્નિમાં ઉષ્ણતા અને સૂર્યમાં તેજ અને ચંદ્રમામાં ચાંદની સ્વરૂપે મા બિરાજમાન છે.
દેવોની આરાધનાથી અને સંકલ્પબળથી પ્રગટેલાં માની આરાધનાનાં ત્રણ સ્વરૂપો છે: મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. તે ઉપરાંત જગતમાં અન્ય માતૃકાઓનો પણ ઉદભવ થયો તેના મહાત્મ્યના સાર રૂપ ચંડીપાઠ જે 'સપ્તીશતી' નામે આલેખાય છે તે સાતસો શ્લોકોનો સમૂહ છે. તેનું રસપાન માના સાંનિધ્યની ઝાંખી કરાવી જાય છે. મહર્ષિ ભૃગુએ સપ્તશતી ચંડીપાઠનું સ્થાન પર વિધાન કર્યું છે.
હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો, ચૈત્ર, અષાઢ અને મહા એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. તેમાં આશ્વિન (આસો) નવરાત્રનું મહત્વ અધિક ફળદાયી મનાયું છે.
ભારતની જેમ બ્રિટનના પાટનગર લંડન સહિત મીડલેન્ડ, વેલ્સ, નોર્થ ઇંગ્લેન્ડ, લેન્કેશાયર સહિત અનેક શહેરો-નગરોમાં મા જગદંબાની આરાધના કરતા નવરાત્રિ મહોત્સવની રંગેચંગે ઉજવણી થાય છે.

