જુલાઇ 2024માં 10 ડાઉનિંગ સ્ટ્રીટના સિંહાસન પર બિરાજમાન થયેલા વડાપ્રધાન સર કેર સ્ટાર્મર માટે કાર્યકાળના પ્રથમ 14 મહિના કાંટાળા તાજ સમાન પૂરવાર થયાં છે. કન્ઝર્વેટિવ સરકારોની નિષ્ફળતાઓથી કંટાળેલી જનતાએ લેબર પાર્ટીને પ્રચંડ બહુમતી સાથે સત્તાના સૂત્રો સોંપ્યા અને ફળદાયી પરિણામોની આશા રાખી હતી પરંતુ સ્ટાર્મર સરકાર મતદારોની અપેક્ષા પ્રમાણે ડિલિવરી મોડમાં આવી શકી નથી. અત્યાર સુધીના કાર્યકાળમાં સ્ટાર્મર સરકાર સમસ્યા નિવારણ માટેની વ્યૂહરચનાઓમાં જ વ્યસ્ત રહી પરંતુ તેમાં પણ તેની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી રહી હતી. છેલ્લા 14 મહિનામાં વિવાદોમાં સપડાયેલા ટીમ સ્ટાર્મરના 11 સભ્યોએ વિદાય લેવાની ફરજ પડી. તેમાં પણ તાજેતરમાં ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેયનર પર મૂકાયેલા આરોપ અને તેમના રાજીનામાએ સ્ટાર્મરને રિસેટ મોડમાં લાવી દીધાં.
એવું નથી કે સ્ટાર્મરની નિયતમાં ખોટ છે અથવા તો તેઓ પ્રયાસ કરી રહ્યાં નથી. ટોની બ્લેરની વિદાય બાદ લેબર પાર્ટી જનસમર્થન સાવ ગુમાવી બેઠી હતી ત્યારે સ્ટાર્મરે વર્ષોની મહેનત બાદ પાર્ટીને ફરી બેઠી કરી. કન્ઝર્વેટિવની નિષ્ફળતાઓ અને વિપક્ષમાં સ્ટાર્મરની દમદાર કામગીરીને પગલે બ્રિટિશ મતદારોએ સ્ટાર્મરને સત્તાના સૂત્રો સોંપ્યા. વિપક્ષના નેતા તરીકે સ્ટાર્મરે લેબરની ડાબેરી છાપને દૂર કરી સેન્ટર રાઇટ અભિગમ ધરાવતી પાર્ટી તરીકે પ્રસ્થાપિત કરવામાં સફળતા હાંસલ કરી હતી. સત્તામાં આવ્યા બાદ પણ સ્ટાર્મર સરકારે સેન્ટર રાઇટ નીતિઓ જ પ્રસ્તાવિત કરી પરંતુ તેનો સંપુર્ણ અમલ કરી શકી નથી. એવું પ્રતીત થઇ રહ્યું હતું કે, સ્ટાર્મર સરકાર કામ કરવા તો ઇચ્છે છે પરંતુ તેની ગાડીના ટાયરોમાં એક પછી એક પંક્ચર અવરોધો સર્જી રહ્યાં હતાં. આવી સ્થિતિમાં સ્ટાર્મરને એક એવી ટીમની જરૂર હતી જે તેમની સરકારની ગાડીને પુનઃ પાટા પર લાવી દે. એન્જેલા રેયનરની વિદાય સાથે વડાપ્રધાનને આ તક મળી ગઇ.
હવે એ જોવાનું રહ્યું કે, કથિત રિસેટ મોડમાં સ્ટાર્મર સરકાર કેવા પરિણામ હાંસલ કરી શકે છે. દેશના ખસ્તાહાલ બનેલા અર્થતંત્રને પ્રાણવાયુ આપવાનો મામલો હોય કે સૌથી સળગતો ઇમિગ્રેશન અને ગેરકાયદેસર માઇગ્રેશનનો પ્રશ્ન. સ્ટાર્મર સરકારે નક્કર પગલાં ભરવા જ પડશે. વડાપ્રધાને ટ્રેઝરી મિનિસ્ટર ડેરેન જોન્સને વડાપ્રધાનના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરીને સંકેત આપી દીધો છે કે આર્થિક મામલાઓમાં તેઓ ફક્ત ચાન્સેલર રેચલ રીવ્ઝની સલાહ અને ભલામણો પર આધારિત નહીં રહે. સાથે સાથે તેમણે તેમની કેબિનેટમાં સ્પષ્ટ નિર્ણયો માટે જાણીતા શબાના માહમૂદને હોમ સેક્રેટરીપદનો હવાલો સોંપીને ગેરકાયદેસર માઇગ્રેશન અટકાવવાની દિશામાં નક્કર પગલાં લેવાશે તેવો આશાવાદ પ્રગટાવ્યો છે. સ્ટાર્મરે રેચલ રીવ્ઝને યથાવત રાખ્યાં છે પરંતુ ડેરેન જોન્સના 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં આગમને સ્પષ્ટ કરી દીધું છે કે આગામી બજેટ રીવ્ઝની ઇચ્છા પ્રમાણે નહીં પરંતુ સ્ટાર્મરના સીધા દિશા નિર્દેશ સાથે તૈયાર થશે.
ડેવિડ લેમીની ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે વરણી કરીને સ્ટાર્મરે પાર્ટીના લગભગ 80 જેટલા વંશીય સમુદાયોના સાંસદોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. વિદેશ મંત્રી તરીકેની લેમીની કામગીરી અત્યાર સુધી પ્રશંસનીય રહી છે. તેઓ સ્ટાર્મર સરકારને ડિલિવરી મોડમાં લાવવામાં મદદરૂપ બની શકશે તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે વડાપ્રધાન સ્ટાર્મરે તેમની કેબિનેટમાં એકપણ બ્રિટિશ ભારતીય સાંસદને સ્થાન આપ્યું નથી. સીમા મલ્હોત્રા જેવા સીનિયર લેબર સાંસદની ધરાર અવગણના કરાઇ છે. શબાના માહમૂદનું પ્રમોશન આવકાર્ય છે પરંતુ લેબર સાંસદોમાં ઘણા કાબેલ ભારતીય મૂળના સાંસદો છે જેમનો ઉપયોગ સ્ટાર્મર કરી શક્યા હોત. હવે જોવું રહ્યું છે સ્ટાર્મર સરકારનો આ ફેઝ 2 કેટલો સફળ રહે છે.
