કેનબેરાઃ ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના 42 વર્ષીય ગૌરવ કુંદી પોલીસ બર્બરતાનો ભોગ બન્યા છે. પોલીસે ઘરેલુ હિંસાની શંકાના આધારે તેમની ધરપકડ કરી હતી. આ દરમિયાન પોલીસકર્મીએ કથિત રીતે તેમના ગળા પર ઘૂંટણ રાખ્યા હતા જેના કારણે તેને ‘બ્રેઇન ડેમેજ’ થયું હતું. પરિણામે ગૌરવ કોમામાં સરી પડ્યો છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગૌરવ ‘મેં કંઈ ખોટું કર્યું નથી’ની બૂમો પાડતો હતો. જે બાદ તે બેભાન થઈ ગયો હતો. તેની પત્ની પોલીસ કાર્યવાહીનો વિરોધ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર પેટ્રોલિંગ ટીમે ગૌરવ અને તેની પત્ની વચ્ચે ઝઘડો જોયો અને તેને ઘરેલુ હિંસાનો મામલો ગણાવ્યો. આ પછી તેઓએ ગૌરવની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય સમુદાયમાં રોષ ફેલાયો છે.