મહાવીર ફાઉન્ડેશન દ્વારા કેન્ટન દેરાસરના પાંચ દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ અને ભક્તિ ભાવભેર ઉજવાયો. આ ઉત્સવમાળિકાએ લગભગ ૬૦૦૦ જેટલા મુલાકાતીઓને આકર્ષી અને પ્રત્યેકના હ્દય પર એક અમીટ છાપ છોડી.
સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સંસ્કૃતિ, સંગઠન અને સમર્પણના ભાવથી ભરપુર રહ્યો. જૈન પાઠશાળાના બાળકો, યુવા, યુથ વીંગ,લેડીઝ વીંગ,મહાવીર ફાઉન્ડેશન બેન્ડ અને મહાવીર મંડળના સંયુક્ત પ્રયાસોનું અદભૂત મંચ પ્રદર્શન સૌને સ્પર્શી ગયું.
આ કાર્યક્રમોએ જૈન ધર્મના મૂલ્યો, વારસો અને આધ્યાત્મિકતાને સુંદર રીતે પ્રસ્તુત કરી. ભારતથી પધારેલ સંગીતકારો હર્ષિલ-મોક્ષિતની જોડીએ ભાવસભર ભાવનાઓ, સંધ્યા ભક્તિ અને સરસ્વતિ પૂજનમાં રૂડો આધ્યાત્મિક સ્પર્શ આપ્યો. પ્રત્યેક કાર્યક્રમની વ્યવસ્થાઓ, જૈન ભોજન અને સગવડોએ આત્મિયતાનો અનુભવ કરાવ્યો. આ બધાના શિરમોર સમો હતો ૭મી જુનનો સાંસ્કૃતિક કાર્યક્રમ.
શનિવાર ૭ જુન’૨૫ની ઝરમર વરસતા વરસાદની વચ્ચે કિંગ્સબરીની જયુઇસ સ્કુલના પ્રાંગણમાં માનવમહેરામણ ઉમટ્યો હતો. મહાવીર ફાઉન્ડેશન સંચાલિત કેન્ટન રોડ પર આવેલ જૈન દેરાસરના ૧૩મા પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ઉત્સાહના રંગમાં રાચતા ધર્મપ્રેમીઓ રંગબેરંગી વેશભૂષામાં સજ્જ થઇ મ્હાલી રહ્યાં હતાં. લંડનના પ્રતિષ્ઠિત મહેમાનો અને જૈન અગ્રણીઓ, બ્રેન્ટ-હેરોના મેયર્સ, કાઉન્સિલરો, “ગુજરાત સમાચાર”ના પ્રતિનિધિઓ સહિત ૧૬૦૦ જેટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ કોઇ સજ્જન-સન્નારીઓ, ભૂલકાંઓના ચહેરા પુલકિત થઇ ઊઠ્યાં હતાં. આ પ્રસંગની સફળતામાં એના યુવા-ઉમંગી પ્રમુખ શ્રી નિરજ સુતરીયા, એમના જમણા હાથ સમા મુકેશભાઇ કપાશી સહિત સમગ્ર કમિટી સભ્યોની અથાક્ જહેમતની અનન્ય ભાગીદારીના દર્શન આપણી ઉજ્જવળ ભાવિ પેઢીના એંધાણ આપતા હતાં. આટલી મોટી સંખ્યામાં યુવાધનની હાજરી અને પગના થનગનાટે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધાં હતાં. કાર્યક્રમનું કોમ્પેરીંગ ફાઉન્ડેશનના શ્રી અંકિત શાહ અને હિરલ શાહે એમની આગવી શૈલીમાં કર્યું હતું.
કાર્યક્રમના સ્પોન્સરર એસ્પોરાના ચીફ ગ્રોથ ઓફિસર
શ્રી સિધ્ધાર્થ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહાવીર ફાઉન્ડેશન સંચાલિત પાઠશાળાના બે વર્ષથી માંડી ૮૦ વર્ષના વડિલો મળી ૨૭૫ કલાકારો તેમજ બેક સ્ટેજમાં મદદ કરનારા ૩૦-૪૦ જણના સમૂહે સ્ટેજ પ્રોગ્રામમાં હોંશે હોંશે ભાગ લીધો હતો. તેઓેએ કલા પીરસવા સાથે ધર્મના સંસ્કારો, ભારતીય કલા અને સંસ્કૃતિ ઉજાગર કર્યા હતા.
પ્રેક્ષકગણની દાદ અને તાળીઓના ગડગડાટથી હોલ ગૂંજી ઉઠયો હતો.
બ્રેન્ટના મેયર કાઉન્સિલર રાયન હેક અને હેરોના મેયરશ્રી અંજનાબહેન પટેલે શુભેચ્છા સંદેશ પાઠવતાં જણાવ્યું કે, “અહિંસા પરમો ધર્મ’’ના આગ્રહી જૈન સમાજનું અનુદાન નોંધપાત્ર છે.
હેરો વેસ્ટના એમ.પી. ગેરેથ થોમસે જણાવ્યું કે, કેન્ટનનું દેરાસર સંખ્યાના પ્રમાણમાં નાનું પડતું હોવાથી મોટી જગ્યા ફાળવવા હેરો કાઉન્સિલ કટિબધ્ધ છે. બ્રેન્ટ કાઉન્સિલના લીડર મોહમ્મદ બટ્ટ અને ડેપ્યુટી લીડર મીલી પટેલ, લંડન એસેમ્બલીના હેરો-બ્રેન્ટના પ્રતિનિધિ કાઉન્સિલર કૃપેશ હિરાણી, પૂર્વ એસેમ્બલી મેમ્બર શ્રી નવીનભાઇ શાહ અને રેખાબહેન શાહ, ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીના પ્રેસિડેન્ટ ડો.મેહુલ સંઘરાજકા MBE અને સ્થાપક નેમુભાઇ ચંદરિયા, OBE, જયસુખભાઇ મહેતા BEM, સંગતના શ્રી કાન્તીભાઇ નાગડા MBE, નવનાતના પ્રેસિડેન્ટ શ્રી જશવંતભાઇ દોશી, હેરો મેયરના સાથી અને હેરો વુમન્સ ક્લબના પ્રસિડેન્ટ વર્ષાબહેન બાવીશી, વણિક કાઉન્સિલના મનહર મહેતા, જૈન નેટવર્કના વિજય શેઠ વગેરે મહેમાનોની હાજરી ધ્યાનાકર્ષક રહી.
છેલ્લા ચાર વર્ષથી સંસ્થાના મ્રમુખપદનો હોદ્દો સંભાળતા ઉત્સાહી નિરજ સૂતરીયાએ સફળતાનો યશ પોતાની ટીમને અને સેવાભાવી સમર્પિત કાર્યકરોને આપતા જણાવ્યું હતું કે, મારે સમાજમાં વધુ લીડરો ઉભા કરવા છે જેથી સંસ્થાનું કામ પૂરજોશમાં ચાલતું રહે. આ પ્રસંગ મહાવીર ફાઉન્ડેશનના ઉદ્દેશ અને ભાવનાને સમર્પિત એકતા, સેવા અને ભક્તિનું જીવંત ઉદાહરણ બની રહ્યો.

