ગયા સપ્તાહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા આર્ચ રેલવે બ્રિજને રાષ્ટ્રને સમર્પિત કર્યો. 1965 અને 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ જમ્મુ-કાશ્મીરને રેલવેથી જોડવાની તાકિદની વ્યૂહાત્મક જરૂરીયાત ઊભી થઇ હતી. તેથી 1970ના દાયકામાં તત્કાલિન ભારત સરકાર દ્વારા જમ્મુને કાશ્મીર ખીણ સાથે રેલવે દ્વારા જોડવાની યોજના તૈયાર કરાઇ હતી. શિયાળામાં હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે સડક વ્યવહાર વારંવાર ઠપ થતો હોવાથી કાશ્મીર ખીણનો દેશ સાથેનો સંપર્ક કપાઇ જતો હોય છે. તેથી જમ્મુ-બારામુલ્લા રેલવે પ્રોજેક્ટ તૈયાર કરાયો. તેનો ફાઉન્ડેશન સ્ટોન તો 1983માં મૂકાઇ ગયો હતો પરંતુ ભંડોળના અભાવે તેનો પ્રારંભ છેક 1990ના દાયકામાં થયો હતો. એપ્રિલ 2005માં જમ્મુ-ઉધમપુર રેલવે લાઇન કાર્યરત થઇ અને જુલાઇ 2014માં ઉધમપુરથી કટરા સુધીની રેલવે લાઇન કાર્યરત થઇ ગઇ હતી. ચિનાબ બ્રિજ ઉધમપુર – શ્રીનગર – બારામુલ્લા રેલ લિન્ક પ્રોજેક્ટનો મહત્વનો હિસ્સો હતો અને તે ખુલ્લો મૂકાતાં કાશ્મીર ખીણ ઇન્ડિયન રેલવે નેટવર્કમાં સામેલ થઇ ગઇ છે.
કાશ્મીર ખીણ બાકીના ભારત સાથે રેલવે લિન્કથી જોડાતાં ઓલ વેધર કનેક્ટિવિટી પ્રાપ્ત થશે જેના પગલે કાશ્મીર ખીણના ઇન્ડસ્ટ્રિયલ અને એગ્રિકલ્ચરલ સેક્ટરોને મહત્વનો લાભ થતાં આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે. આ પહેલાં 300 કિમી લાંબા જમ્મુ-શ્રીનગર હાઇવેના માધ્યમથી જ ખીણ પ્રદેશ ભારત સાથે કનેક્ટિવિટી ધરાવતો હતો. હવે આ સમસ્યાનો અંત આવી ગયો છે. કાશ્મીર ખીણ હવે બારે માસ દેશ સાથે કનેક્ટિવિટી ધરાવતી હશે. જે જમ્મુ-કાશ્મીરના આર્થિક વિકાસ માટે ટ્રાન્સફોર્મેટિવ એન્જિન પુરવાર થવાની છે. આ રેલવે લિન્ક સક્રિય થતાં કાશ્મીરમાં પ્રવાસનને વધુ વેગ મળશે. ખેડૂતો અને વેપારીઓ તેમના ઉત્પાદનોનું ઝડપી પરિવહન કરી શકશે અને દેશના મોટા બજારોનો લાભ લઇ શકશે. આ લિન્કના કારણે રેલવેમાં પણ હજારો નોકરીઓનું સર્જન થશે જે કાશ્મીરી યુવાનોને રોજગાર આપશે. એજ્યુકેશન, હેલ્થ કેર અને જરૂરી પૂરવઠા માટે પણ આ રેલવે લિન્ક આશીર્વાદસમાન પૂરવાર થશે.
ભારતના સાર્વભૌમત્વના રક્ષણ માટે આ રેલવે લિન્ક અત્યંત મહત્વની પૂરવાર થશે. ચિનાબ બ્રિજ ખુલ્લો મૂકાતાં હવે સુરક્ષા દળોની હેરફેર સરળ બની રહેશે. ભારતીય દળો સરહદી વિસ્તારોમાં અત્યંત ઝડપથી પહોંચી શકશે. યુદ્ધની સ્થિતિમાં લશ્કરી સરંજામની હેરફેર પણ સરળ બનશે. આ પહેલાં વ્યૂહાત્મક વિસ્તારોમાં પહોંચવા માટે ભારતીય સુરક્ષા દળો કે સડક માર્ગ અથવા તો હવાઇ માર્ગ પર નિર્ભર રહેવું પડતું હતું. શિયાળામાં સડક માર્ગ બંધ થાય ત્યારે સુરક્ષા દળોની હેરફેર મુશ્કેલ બની રહેતી હતી. મોટા આતંકવાદી હુમલાની સ્થિતિમાં પણ હવે સુરક્ષા દળો ઝડપથી પહોંચી શકશે. પહલગામમાં આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદુરના ઘટનાક્રમ બાદ પાકિસ્તાન સાથેની તણાવભરી સ્થિતિને જોતાં ચિનાબ બ્રિજ અને આ રેલવે લિન્ક સુરક્ષાની દ્રષ્ટિએ પણ અત્યંત વ્યૂહાત્મક પૂરવાર થવાનાં છે.
ચિનાબ બ્રિજ કાશ્મીર ખીણને બાકીના ભારત સાથે જોડવાના પ્રતિકસમાન બની રહેશે. તેના કારણે કાશ્મીરના લોકોમાં રાષ્ટ્રીય એકતાની ભાવના પણ મજબૂત બનશે. આમ જમ્મુ-બારામુલ્લા રેલવે લિન્ક અને ચિનાબ બ્રિજ દાયકાઓની મહેનતનું પરિણામ અને ભવિષ્યની મજબૂત સુરક્ષાના પર્યાય બની રહેવાનાં છે.