રિફોર્મ યુકેના નવા ચૂંટાઇ આવેલા સાંસદ સારા પોચિને બ્રિટનમાં બુરખા પર પ્રતિબંધ મૂકવાની માગ કરતાં મોટો વિવાદ સર્જાયો છે. આ વિવાદમાં તેમની પોતાની જ પાર્ટી રિફોર્મ યુકેની સાથે કન્ઝર્વેટિવ પણ સામેલ થઇ ગયાં છે. દરેક રાજકીય પાર્ટીમાં બુરખા પર પ્રતિબંધના મુદ્દે મત-મતાંતર પ્રવર્તી રહ્યાં છે. સારા પોચિને કરેલી માગને પગલે રિફોર્મ યુકેના અધ્યક્ષ ઝિયા યુસુફે હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું, તેમની જ પાર્ટીના ડેપ્યુટી લીડર રિચર્ડ ટાઇસે પણ સમગ્ર યુકેમાં બુરખા પર પ્રતિબંધની માગ કરી છે. તો બીજીતરફ કન્ઝર્વેટિવ પાર્ટીના વડા કેમી બેડનોકે કામના સ્થળે બુરખા અથવા નિકાબ પર પ્રતિબંધ મૂકવાની સત્તા અધિકારીઓને આપવાની હિમાયત કરી છે. પરંતુ તેમના જ શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલિપે આ મુદ્દે ગંભીર વિચારણા કરવા જણાવ્યું છે.
વિશ્વમાં બુરખા પર પ્રતિબંધ મુદ્દે સર્જાતા વિવાદો નવા નથી. હાલ વિશ્વના 18 દેશમાં બુરખા પર સંપુર્ણ અથવા તો આંશિક પ્રતિબંધ છે. જેમાં કેટલાક મુસ્લિમ દેશોનો પણ સમાવેશ થાય છે. યુરોપમાં ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ડેન્માર્ક, ફ્રાન્સ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ્સ અને સ્વિત્ઝર્લેન્ડમાં બુરખા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત કિર્ગિઝસ્તાન, ટ્યુનિશિયા, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા ઇસ્લામિક દેશોમાં પણ બુરખા પર પ્રતિબંધ છે.
હવે બ્રિટનમાં પણ બુરખા પર પ્રતિબંધની માગ ઉઠવા લાગી છે. યુકેમાં ઇસ્લામ બીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે. 2021ની વસતી ગણતરી પ્રમાણે યુકેમાં અંદાજિત 4 મિલિયન મુસ્લિમ વસવાટ કરે છે જે કુલ વસતીના 6 ટકા છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 38,68,133, નોર્ધન આયર્લેન્ડમાં 10,870 અને સ્કોટલેન્ડમાં 1,19,872 મુસ્લિમ વસવાટ કરે છે. યુકેમાં મુસ્લિમોની સૌથી વધુ સંખ્યા લંડનમાં 15 ટકા છે. આ જોતાં શું બ્રિટનમાં બુરખા પર પ્રતિબંધ શક્ય છે ખરો...??
અત્યાર સુધી ઇમિગ્રન્ટ્સ અને ગેરકાયદેસર માઇગ્રન્ટ્સના મુદ્દે રાજનીતિ કરી રહેલી રિફોર્મ યુકે દ્વારા વધુ એક રાજકીય ઉંબાડિયું કરવામાં આવ્યું છે. તેના સૂરમાં કન્ઝર્વેટિવ નેતા બેડનોકે પણ સૂર પૂરાવ્યો છે કારણ કે રિફોર્મ યુકેના ઉદયથી સૌથી વધુ નુકસાન કન્ઝર્વેટિવ પાર્ટીને જ થયું છે. જુલાઇ 2024ની સંસદીય ચૂંટણી અને મે 2025માં યોજાયેલી લોકલ કાઉન્સિલની ચૂંટણીમાં નાઇજલ ફરાજની પાર્ટીએ ટોરીઝને જે હદે નુકસાન પહોંચાડ્યું છે તે જોતાં સ્વાભાવિક રીતે જ બેડનોક ફાર રાઇટ એજન્ડાને અનુસરે તેમાં કોઇ નવાઇ નથી. બીજીતરફ લેબર પાર્ટી ઇસ્લામ વિરોધી વલણ અપનાવે તેવી કોઇ સંભાવના નથી. આજે યુકેમાં મુસ્લિમ મતદારોનું સૌથી વધુ સમર્થન લેબર પાર્ટીને જ છે. લેબર પાર્ટીમાં મુસ્લિમોનો પ્રભાવ પણ ઘણો છે. પાછલી ચૂંટણીઓમાં ઇઝરાયેલ સમર્થિત વલણના કારણે લેબર પાર્ટીને ઘણું નુકસાન થયું હતું તેથી તે આ દિશામાં આગળ વધે તેવી કોઇ સંભાવના નથી.
21મી સદીમાં રાજનીતિમાં નફરત અને ધિક્કારના મુદ્દાઓ હાવી થઇ રહ્યાં છે. મોટાભાગના લોકતાંત્રિક દેશોમાં રાજકીય નેતાઓ દ્વારા ધાર્મિક નફરત, માઇગ્રન્ટ્સ પ્રત્યેની નફરતનો ઉપયોગ સત્તાના સિંહાસન પર પહોંચવા માટે થઇ રહ્યો છે. આવા રાજનૈતિક તોફાનોથી ધાર્મિક ભાઇચારા, સહિષ્ણુતા અને દેશની સંપ્રભુતાને જ નુકસાન થતું હોય છે. ડાબેરી અને જમણેરી વિચારધારા વચ્ચેના યુદ્ધમાં હવે ધર્મ એક મુખ્ય હથિયાર પણ બની રહ્યો છે. અંતે નુકસાન તો દેશના સામાજિક તાણાવાણાને જ થતું હોય છે પરંતુ આ પ્રકારના સત્તાભૂખ્યા વરૂઓને આ બાબત કોણ સમજાવે...?