અમેરિકામાં સત્તા પર આરૂઢ થયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર સપાટો બોલાવવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં ટ્રમ્પ સરકારે 120 જેટલાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને લશ્કરી વિમાનમાં હાથકડીઓ પહેરાવીને ગુનેગારની જેમ દેશનિકાલ કર્યાં. જેના પગલે ડન્કી રૂટથી અમેરિકન ડ્રીમ સાકાર કરવા પહોંચેલા 33 ગુજરાતી સહિતના ભારતીયોને પરત ધકેલી દેવાયાં હતાં.
ગુજરાતી એક બાહોશ અને વેપારી પ્રજા છે. પૌરાણિક કાળથી ગુજરાતીઓ વિદેશની ધરતી પર પહોંચતા રહ્યાં છે. તેમની પેઢીઓની પેઢીઓ વિશ્વના અનેક દેશોમાં સ્થાયી પણ થઇ છે. આધુનિક યુગમાં પણ ગુજરાતીઓ વિદેશઘેલાં રહ્યાં છે. મોટી સંખ્યામાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પહોંચીને કારકિર્દીનું નિર્માણ કરી રહ્યાં છે પરંતુ લાયકાત નહીં ધરાવતા ગુજરાતીઓ પણ વિદેશનું સ્વપ્ન સાકાર કરવા અધીરા જોવા મળી રહ્યાં છે. તેઓ કરોડો રૂપિયા ખર્ચીને ગેરકાયદેસર રીતે વિદેશ પહોંચવાનું જોખમ ખેડવામાં જરાપણ પાછી પાની કરતાં નથી. ગુજરાતમાંથી આવા તો હજારો લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા છે.
અમેરિકામાં અંદાજિત સાડા સાત લાખ ભારતીયો ગેરકાયદેસર રીતે રહે છે. તેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ સામેલ છે. જોકે હવે પશ્ચિમના દેશો ઇમિગ્રન્ટ્સ સામે લાલ આંખ કરી રહ્યાં છે. ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ અમેરિકામાં પણ વીણી વીણીને ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને શોધવામાં આવી રહ્યાં છે. તેમાં કશું ખોટું પણ નથી. કોઇપણ સરકાર પોતાના દેશમાં ગેરકાયદેસર રીતે આવતા વિદેશી નાગરિકો સામે પગલાં લઇ શકે છે. ભારતમાં દાયકાઓથી બાંગ્લાદેશી અને હવે રોહિંગ્યા માઇગ્રન્ટ માથાનો દુઃખાવો બની રહ્યાં છે. તેવી જ રીતે અમેરિકામાં પણ મેક્સિકન, કોલમ્બિયન, ભારતીય, હૈતીયન સહિતના ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની મોટી વસતી બોજારૂપ બની રહી છે.
વિદેશની ઘેલછામાં આંધળુકિયા કરી રહેલા ગુજરાતીઓ માટે ટ્રમ્પ દ્વારા લેવાઇ રહેલાં પગલાં લાલ બત્તી સમાન છે. ગુજરાતમાં મહામૂલી જમીનો અને સંપત્તિ વેચીને તેઓ એજન્ટોને લાખો, કરોડો રૂપિયા આપીને અમેરિકન ડ્રીમ સાકાર કરવા ધમપછાડા કરી રહ્યાં છે પરંતુ એક ગેરકાયદેસર માઇગ્રન્ટ તરીકે અમેરિકામાં જાહોજલાલીથી જીવવું સરળ નથી એ વાત તેઓ સમજી શક્તાં નથી. બસ તેમને તો ડોલરમાં કમાણી કરવી છે. હા, અમેરિકા એક સુવ્યવસ્થિત દેશ છે. ત્યાંની જીવનશૈલી ભારત કરતાં ઘણી ગુણવત્તાસભર છે પરંતુ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા વિદેશીઓ ભાગ્યે જ એ જીવનશૈલી પ્રાપ્ત કરી શકે છે. તેમના હિસ્સામાં તો ફક્ત દિવસ રાત ઓછા પગારમાં મજૂરી જ આવે છે.
ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવાથી ગુજરાતીઓ વતન સાથેનો સંપર્ક હંમેશ માટે ગુમાવી દે છે. ન તો તેઓ સ્વજનોની મુલાકાતે આવી શકે કે ન તો પોતાના સ્વજનોને અમેરિકા બોલાવી શકે. તેમની જિંદગી એક કુંડાળામાં કેદ થઇ જાય છે. મોટેલ, ગેસ સ્ટેશન કે કોઇ અંતરિયાળ સ્ટોરમાં દિવસના 12થી 14 કલાક મજૂરી કરીને બે છેડા ભેગા કરવા પડે છે. ડન્કી રૂટથી અમેરિકા પહોંચેલા ગુજરાતીઓ ક્યારેય વતનમાં પોતાની હાડમારીની માહિતી આપતાં નથી. ઉલટાનું અમેરિકન જિંદગીના એવા ગુણગાન ગાય છે કે અન્યો પણ તેમની જેમ ડન્કી રૂટ અપનાવવા ઉતાવળા બને છે. જો તેઓ સાચી માહિતી આપે તો ગુજરાતમાંથી દુઃસાહસ કરનારા ઓછા થઇ શકે છે.