અલપુઝા (કેરળ)ઃ આશરે 67 વર્ષના જોસેફ અને અને તેમના 65 વર્ષના પત્ની મેરી બે માળના મકાનમાં એકલા રહે છે. બાળકો અમેરિકામાં વસી ગયા છે. બંને સારા પદ પર હતા, પરંતુ બંનેના વધુ મિત્રો નથી. પડોશીઓ સાથે ગાઢ સંબંધ રહ્યા નથી, એટલે વાતચીત થતી નથી. ઘરની નિરવ શાંતિમાં જીવન વિતાવતા આ બંને વૃદ્ધોને હવે ટોકિંગ પાર્લર દ્વારા રાહત મળી છે.
અહીં તેઓ લોકો સાથે ચર્ચા, ગીત-સંગીત, જોક્સ સાંભળવા, કેરમ કે પત્તા રમવા જેવી ગતિવિધિઓ કરે છે. ટોકિંગ પાર્લર લોકોનાં ઘર કે કોઈ બગીચા કે વૃક્ષના નીચે ખુલ્લા સ્થળો કાર્યરત છે. જ્યાં એકલવાયાપણાનો સામનો કરી રહેલાં લોકો વાતો કરવા આવે છે. આ તદ્દન વિનામૂલ્યે છે અને કોઈ પણ તેને પોતાના ઘરમાં શરૂ કરી શકે છે.
મહેસુલ વિભાગમાંથી નિવૃત્ત ચન્દ્રદાસ કેશવપિલ્લઈએ ગત 13 ડિસેમ્બરના રોજ અલપુઝાના પોતાના ઘરમાંથી ‘ટોકિંગ પાર્લર’ની શરૂઆત કરી હતી. કેરળમાં હેલ્ધી એજિંગ આંદોલન શરૂ કરનારા ડોક્ટર બી. પદ્મકુમારે આ અભિનવ પહેલમાં સહયોગ આપ્યો. અને એક મહિનામાં જ કેરળમાં 93 ટોકિંગ પાર્લર ખુલી ગયા છે, અને દરરોજ નવા ખુલી રહ્યા છે.
ચન્દ્રદાસ કહે છે કે જે લોકો પાસે વધુ પૈસા છે તે વધુ એકલા છે. અહીં આવનારાની મોટી સંખ્યા તેમની જ છે. અહીં આવ્યા પછી જીવન પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલાયો છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી.