ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો કહેવાય છે. દર વર્ષે વિશ્વભરમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે, સ્વજનો પ્રત્યે અંતરના ઉમળકાથી લાગણી વ્યક્ત કરાય છે. સવિશેષ તો પ્રેમી યુગલો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે યુગલો પ્રેમનો એકરાર કરે છે. વેલેન્ટાઈન ડે એ વેલેન્ટાઈન વીકનો છેલ્લો દિવસ છે. દર વર્ષે 14 ફેબ્રુઆરીએ યુગલો આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.
વેલેન્ટાઈન ડેની ઉજવણીની વાર્તા રોમના સંત વેલેન્ટાઈન સાથે જોડાયેલી છે. કહેવાય છે કે, રોમન રાજા ક્લાઉડિયસને પ્રેમ નામના પરમ તત્વ સામે સખત નારાજગી હતી. કારણ કે તેમનું માનવું હતું કે પ્રેમ અને લગ્ન પુરુષોની બુદ્ધિ અને શક્તિને વિપરિત અસર કરે છે. તેથી જ તેણે સૈનિકોને લગ્ન કરવાની મંજૂરી આપવાની પણ ના પાડી દીધી હતી. બીજી તરફ, સંત વેલેન્ટાઇને પ્રેમને પ્રોત્સાહન આપ્યું. તેના માટે પ્રેમ જ જીવન હતું, તે રાજાની વિરુદ્ધ ગયો અને ઘણા લોકોના લગ્ન કરાવ્યાં. તેથી રોષે ભરાયેલા રોમના રાજાએ સંતને મોતની સજા સંભળાવી. 14 ફેબ્રુઆરીએ સંત વેલેન્ટાઈનને મૃત્યુદંડ અપાયો અને તે દિવસથી ‘પ્રેમના સંત’ની સ્મૃતિમાં વેલેન્ટાઈન ડે મનાવવાનું શરૂ થયું.
વેલેન્ટાઈન ડે સૌપ્રથમ ઇસ્વીસન 496માં સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ, પાંચમી સદીમાં, રોમના પોપ ગેલેસિયસે જાહેર કર્યું કે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવશે. અને આમ એક સમયે માત્ર રોમમાં ઉજવાતો આ દિવસ આજે સમગ્ર વિશ્વમાં રંગેચંગે - ઉમંગઉલ્લાસભેર ઉજવવામાં આવે છે.
કયા દેશમાં કેવી રીતે ઉજવાય છે વેલેન્ટાઇન ડે?
જાપાનઃ જાપાનમાં વેલેન્ટાઇન ડે ખાસ કરીને મહિલાઓ માટે વિશેષ હોય છે, કારણ કે આ દિવસે મહિલાઓ પુરુષોને ચોકલેટ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. અહીં બે પ્રકારની ચોકલેટો અપાય છે. ગિરી-ચોકો જે મિત્રો, સહકર્મીઓ અને પરિવાર માટે હોય છે, જ્યારે હોનમેઇ-ચોકો પ્રેમી અથવા પતિને આપવામાં આવે છે. જાપાનમાં આ પરંપરા 1950થી શરૂ થઈ છે. જ્યારે એક મહિના પછી, 14 માર્ચે, વ્હાઇટ ડે ઉજવાય છે, જ્યારે પુરુષો સ્ત્રીઓને ભેટો પરત કરે છે.
સાઉથ કોરિયાઃ આ દેશમાં વેલેન્ટાઇન ડે ઉજવવાની વિવિધ પરંપરા છે અને આ ઉજવણી ત્રણ મહિના ચાલે છે. જયાં 14 ફેબ્રુઆરીએ મહિલાઓ પુરુષોને ચોકલેટ આપે છે, જ્યારે 14 માર્ચે વ્હાઇટ ડે ઉજવાય છે, જેમાં પુરુષો સ્ત્રીઓને ભેટ આપે છે. અહીં 14 એપ્રિલ બ્લેક ડે ઉજવવામાં આવે છે, જે પણ ખાસ છે. આ દિવસે સિંગલ લોકો ‘જજાંગમ્યાં’ (કાળા રંગના નૂડલ્સ) ખાઈને એકલાપણાની ઉજવણી કરે છે. દક્ષિણ કોરિયામાં પ્રેમીઓ માટે ‘લવ લોક બ્રિજ’ લોકપ્રિય છે, જ્યાં પ્રેમીઓ તાળું (લોક) લગાવી પોતાના પ્રેમને ચિરંજીવી બનાવે છે.
ડેન્માર્કઃ ડેન્માર્કમાં વેલેન્ટાઇન ડે પર પુરુષો અનામી પ્રેમ પત્રો ‘ગાયકેબ્રેવ’ (Gaekkebrev) રૂપે મોકલે છે, જેમાં કવિતા લખેલી હોય છે. જો મહિલા અંદાજ લગાવી શકે કે કોણે પત્ર મોકલ્યો છે, તો એને ઈનામ સ્વરૂપે ઈસ્ટરના તહેવારે ચોકલેટ મળે. અહીં ગુલાબ અથવા ટ્યૂલિપ્સની જગ્યાએ સફેદ ફૂલો (Snowdrops) આપવાની પરંપરા છે.
ફ્રાન્સઃ પ્રેમનો દેશ ગણાતા ફ્રાન્સમાં વેલેન્ટાઇન ડે ખૂબ જ રોમેન્ટિક રીતે ઉજવાય છે. આ દિવસે લોકો ડેટ પર જાય છે, પ્રેમ પત્રો આપે છે, સાથે ભેટ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. પહેલા અહીં ઉને લોટરીએ દ’અમોઉર (Une Loterie d’Amour) નામની પરંપરા હતી, જેમાં અવિવાહિત પુરુષો અને સ્ત્રીઓ લોટરી દ્વારા એકબીજાને પસંદ કરતા હતા. જે નામ લોટરીમાં આવે, એ યુગલ એકબીજાને સાથી તરીકે સ્વીકારે. જોકે, આ પરંપરા ઘણી વાર વિવાદાસ્પદ પણ બનતી હતી. કહેવાય છે કે, જો કોઈ મહિલાને પાર્ટનર પસંદ ન આવે, તો એ એને આગમાં ફેંકી દેતી! જેથી આ પ્રથા ફ્રાન્સ સરકારે પ્રતિબંધિત કરી દીધી.
ફિલિપાઇન્સઃ ફિલિપાઇન્સમાં વેલેન્ટાઇન ડે એક વિશેષ દિવસ છે, કારણ કે હજારો યુગલો આ દિવસે સામૂહિક લગ્ન કરે છે. સરકાર દ્વારા વિશાળ સમૂહ લગ્ન યોજવામાં આવે છે, જેમાં યુગલો નાવડીઓમાં સવાર થઇને કે બગીચાઓમાં લગ્ન કરે છે. આ દિવસે ઘણા કપલની મેરેજ એનિવર્સરી પણ હોય છે.
ફિનલેન્ડ અને એસ્ટોનિયાઃ ફિનલેન્ડ અને એસ્ટોનિયામાં વેલેન્ટાઇન ડેને ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવાય છે. અહીં, પ્રેમીઓ ઉપરાંત, મિત્રો પણ એકબીજાને શુભેચ્છાઓ મોકલે છે. લોકો એકબીજાને કાર્ડ અને ભેટ મોકલે છે. આ દિવસનો હેતુ ફક્ત પ્રેમીઓના સંબંધો જ નહીં પરંતુ તમામ પ્રકારના સંબંધોને મજબૂત બનાવવાનો છે. આ દિવસે ખાસ કરીને સિંગલ લોકો માટે ‘લવ બસ’ ટૂર્સનું આયોજન કરાય છે, જેમાં તેઓ નવા સંબંધો બનાવવાનો પ્રયાસ કરે છે.
અમેરિકા અને યુકેઃ આ દેશોમાં વેલેન્ટાઇન ડે પ્રણય અને રોમાંસ માટે મહત્વનો તહેવાર છે. લોકો પ્રેમીઓને ગુલાબ, ચોકલેટ, કાર્ડ અને ભેટ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. કેટલાક યુગલો આ દિવસે લગ્ન માટે પ્રપોઝ પણ કરે છે, અને કેટલાક આ દિવસને વિશેષ બનાવવા રોમેન્ટિક ટ્રીપ પર જાય છે. ખાસ કરીને વેલેન્ટાઇન ડે પર, અમેરિકનો કેન્ડી હાર્ટ આપીને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. આ નાના હૃદય આકારની કેન્ડી છે. આના પર, યુગલો પ્રેમાળ સંદેશાઓ લખે છે.
ઇટાલીઃ ઇટાલીમાં, વેલેન્ટાઇન ડેને લા ફેસ્ટા ડેગલી ઇન્નામોરાટી તરીકે ઓળખાય છે. આ એક રોમેન્ટિક રજા છે અને એ યુનાઇટેડ સ્ટેટ્સની જેમ જ ઉજવવામાં આવે છે. યુગલો ભેટોની આપ-લે કરે છે અને રોમેન્ટિક ડેટ પર જાય છે. પરંતુ, ઇટાલીમાં, વાસી પેરુગીના અથવા પેરુગીના ચોકલેટ આપવાની પરંપરા પણ છે, જેના રેપર પર રોમેન્ટિક લખાણ લખેલુ હોય છે.
ભારતઃ છેલ્લા કેટલાક વર્ષોમાં વેલેન્ટાઇન ડે ભારતમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે, ખાસ કરીને યુવા પેઢીમાં. અન્ય દેશોની જેમ ઘણા લોકો ભેટની આપ-લે કરે છે અને રોમેન્ટિક ડેટ પર જાય છે, પરંતુ આ દિવસને પરંપરાગત મૂલ્યો ધરાવતા કેટલાક ધાર્મિક જૂથો તરફથી પણ તીવ્ર પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો છે. જોકે, ઘણા ભારતીયો આ દિવસની ઉજવણી પ્રેમના પ્રતિકરૂપે કરે છે. એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે.