બીજા વિશ્વયુદ્ધ બાદ સંયુક્ત રાષ્ટ્ર અને વિવિધ મિલિટરી સંગઠનોની રચના દ્વારા ગોઠવાયેલી વિશ્વ વ્યવસ્થાનો જાણે કે હવે અંત આવી રહ્યો છે. એ વાતમાં કોઇ શંકા નથી કે આપણે ઝડપથી નવી વૈશ્વિક વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યાં છીએ. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બેધડક રીતે આંતરરાષ્ટ્રીય કાયદાઓનો છેદ ઉડાડી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થા, ક્લાઇમેટ સમિટ વગેરે સાથે છેડો ફાડ્યા બાદ હવે તેઓ યુરોપને તત્કાલિન સોવિયેટ યુનિયન સામે રક્ષણ આપવા રચાયેલા નાટો સામે પણ આકરું વલણ અપનાવી રહ્યાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પ એક બિઝનેસ ટાયકૂન છે અને દરેક મામલાને વેપારના ચશ્માથી જોઇ મૂલવી રહ્યાં છે તેથી તેમને યુરોપિયન યુનિયન હવે એક દુશ્મન લાગી રહ્યું છે. તેઓ એમ માની રહ્યાં છે કે રશિયા સાથેના વેપાર સંબંધોથી અમેરિકાને વધુ લાભ થશે. તેમની અત્યાર સુધીની નીતિઓ યુરોપને એક જ સંકેત આપી રહી છે કે હવે આપણી વચ્ચેના ગઠબંધનનો અંત આવી રહ્યો છે. અમેરિકાના વલણમાં બદલાવ આવશે, ટ્રમ્પને તેમની ભૂલ સમજાશે તેવું માની લેવું અર્થવિહિન છે. ઓછામાં ઓછું આ સ્થિતિ આગામી 4 વર્ષ સુધી ટ્રમ્પ સત્તા પર રહેશે ત્યાં સુધી તો યથાવત જ રહેવાની છે. ચાર વર્ષ બાદ ટ્રમ્પ વિદાય લે તે પછી નવા શાસક કેવું વલણ અપનાવે છે તેની ધારણાઓ અત્યારથી કરવી વ્યર્થ છે કારણ કે ટ્રમ્પની નીતિઓ ત્યાં સુધીમાં સમગ્ર વૈશ્વિક વ્યવસ્થા બદલી નાખશે.
ટ્રમ્પની વિદાય બાદ જો જે ડી વાન્સ તેમના સ્થાને પ્રમુખપદે ચૂંટાઇ આવે તો તો યુરોપ અને નાટો માટે સ્થિતિમાં સુધારો થવાની કોઇ સંભાવના નથી. તેથી યુરોપ માટે જરૂરી બની જાય છે કે તે નવી વૈશ્વિક વ્યવસ્થા માટે તૈયારી કરવા લાગે. એ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નહીં ગણાય કે જૂની વૈશ્વિક વ્યવસ્થા અદ્રશ્ય થઇ રહી છે.
અલબત્ત અમેરિકાની આ જોહુકમીનો પ્રારંભ ડોનાલ્ડ ટ્રમ્પથી થયો નથી. ઇરાક યુદ્ધથી માંડીને અત્યાર સુધી અમેરિકાએ હરીફ અને સાથીઓ પર પોતાની ઇચ્છાઓ લાદવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. પરંતુ ટ્રમ્પ આ જોહુકમીને હવે ચરમ પર લઇ જઇ રહ્યાં છે. હકીકતમાં તો ટ્રમ્પ યુરોપિયનોને સજાગ કરી રહ્યાં છે. ટ્રમ્પની આ ક્રુરતા લાંબાસમયથી વ્યૂહાત્મક અંધત્વમાં સપડાયેલા યુરોપને મુક્ત કરાવી શકે તો સારું છે.
એ હકીકત છે કે તમામ પ્રકારની વૈશ્વિક સંસ્થાઓ અને નાટો જેવા મિલિટરી જૂથોમાં અમેરિકાનો સિંહફાળો રહ્યો છે. જેના કારણે અમેરિકાનું દેવું વિકરાળ બની ગયું છે. બિઝનેસ માઇન્ડેડ ટ્રમ્પ સીધો દાખલો ગણાવી રહ્યાં છે કે દરેક દેશે પોતાનું યથાશક્તિ યોગદાન આપવું જ પડશે. અમેરિકા તેનો ભાર ઉંચકવા હવે તૈયાર નથી. ટ્રમ્પની આકરી નીતિઓ દરેક ક્ષેત્રમાં નવી વૈશ્વિક વ્યવસ્થાનું સર્જન કરવા જઇ રહી છે. હવે જોવું એ રહ્યું કે યુરોપ અને બાકીનું વિશ્વ નવી વ્યવસ્થામાં કેટલી હદે ગોઠવાઇ શકે છે. આગામી સમયમાં નવી વ્યૂહરચનાઓ, નવી ભાગીદારીઓ, નવા સંબંધોના પરિમાણ વિશ્વ પર હાવી થવા જઇ રહ્યાં છે.
