દરેક જિંદગીને જો સમજાઈ જાય જાપાની જીવનકળા ‘કિત્સુગી’!

વિષ્ણુ પંડ્યા Wednesday 12th March 2025 08:26 EDT
 
 

આ શબ્દની તો ખબર હતી પણ તેના જીવંત પ્રમાણનો અંદાજ તો હમણાં મળ્યો! ઝરણા નામે એક એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલી યુવતી બે પુસ્તકો આપી જાય છે ને તેને થોડાક દિવસ પછી હાથમાં લઉં છું. ‘કિત્સુગી ટેલ્સ’ અને ‘એક લાઈફ સ્ટોરી’. ના, હું જાણું છું કે આ કોલમ એક ય બીજા કારણોસર પસંદ પડેલા પુસ્તકો વિષે લખવાનું સ્થાન નથી. મોટીવેશનલ ગુરુઓ ઘણું બધુ બોલતા શીખવતા રહે તેવા મંચની કોઈ ખોટ નથી. પ્રકાશકો પણ એવાં ઢગલાબંધ પુસ્તકો છાપે છે. બે નાના પુસ્તકોમાં એવું કશું નથી, પણ જિંદગીના અરણ્યમાં કેન્સર નામની ખતરનાક વ્યાધિ બાથ ભરે ત્યારે માણસ કેવો આકળવિકળ થઈ જાય, દુનિયામાં પોતાને સાવ એકલો અને હતાશ અનુભવે ત્યારે પણ તેને કઈ આશા અને સાહસ સાંપડતા હશે?
બસ, આ જ જિંદગીનું, કોસ્મોસનું, અંતરતમનું અદ્દભુત રહસ્ય છે. તે પૂરેપૂરું જાણી શકતું નથી. તે ઘણું દૂર હોય એવું લાગે અને કોઈક પળે સાવ નજદીક અનુભવાય ત્યારે શું થતું હશે? કોઈ વાર્તા, કોઈ સંભાષણ, કોઈ લેખ, કોઈ ઉપદેશ વિનાની તદ્દન વાસ્તવિક પણ ભીતરમાં સળગતો વિચાર મૂકી જતી ઘટનાઓની આ બે પુસ્તકોમાં પ્રસ્તુતિ છે.
કેન્સરની વ્યાધિમાં અનુભવી ચૂકેલા, શૂન્યમનસ્ક થનાર. એકલા થઈ જવાની ઈચ્છા રાખનાર. ડોકટરો અને હોસ્પિટલોમાં દરેક વખતે વિક્ષેપિત બનેલા, રાતભર એકલા એકલા રુદન કરનારા, પોતાના જ દેહને આયનામાં જોઈને કુંઠા અનુભવનારા અને દરેક ક્ષણે ઈશ્વરને પ્રશ્નાર્થ કરતા -‘મને જ આવું જીવલેણ દુખ શા માટે?’
...પણ વાત અહી અટકી જાય તો મનુષ્ય-કથા અધૂરી રહી જાય. મનુષ્યની જ શ માટે સમુદ્રની, નદીની, પર્વતની, ધરતીની, વાદળની, રાત અને પ્રભાતની, વિદાયથી મિલનની, અપરાધથી પશ્ચાતાપની, શૂન્યતાથી વિચારની કહાણીનો એક જ સાર છે, અર્નેસ્ટ હેમિંગ્વની નવલકથાનો નાયક કહે છે તેમ આપણે પરાજિત થઈએ છીએ પણ નષ્ટ નથી થતાં.
વાત સાચી છે. દરેક સ્થિતિનું રૂપાંતર જ નવો અનુભવ છે, કહો કે નવો જન્મ છે. તેવા કેટલાંક કેન્સર-ગ્રસ્ત સાચુકલા પાત્રો (અહીં માત્ર નામો કાલ્પનિક રાખ્યા છે) અહીં પોતાને અભિવ્યક્ત કરે છે: મહિલા દિવસે જન્મેલી રેખા ઠક્કર, મધ્યમ વર્ગના ઘરની પુષ્પા પટેલ, અકસ્માત અને કેન્સર બંનેનો અનુભવ કરનારી ફરહા, પતિની સાથે મળીને આ રોગનો મુકાબલો કરનારી કમલા ઠેસિયા, છવીસની યુવા વયે રોગનું નિદાન થતાં અડગ રહેતી ઊર્મિલા. સ્પીડ બ્રેકરનો અનુભવ કરેલી મેનકા, અલકામાંથી રૂપાંતરિત અલાસ્કા, રોગમાં કોમન લિન્ક અનુભવતી જિજ્ઞાસા, ચાર ગાંઠ અને ફેફસાની પીડા વચ્ચે જિંદગી શબ્દને પસંદ કરનારી મૃગા ત્રિવેદી, સરળ સૌમ્ય સ્વભાવની ભાવિની કક્કડ, જૂની જિંદગીથી અલગ થનારી હસ્તી, એક સ્ત્રી તરીકેનું ગૌરવ સર્જતી ઉર્વશી, નોર્મલ-એબનોર્મલનો અનુભવ વ્યક્ત કરતી વર્ષા કોટેચા, પોતાનો અવાજ શોધી ચૂકેલી ભક્તિ કોટક, આઘાતના અનુભવનું મૂલ્યાંકન કરનારી મિસરી ચાવડા, પીડાને આનંદ તરફ લઈ જનારી કરિશ્મા, ટીનેજમાં કેન્સરની અનુભવી માહી.. હજુ બીજા નામો અને તેમની મનોસૃષ્ટિ ઉમેરાયા છે, તે ભાવના, ખ્વાહિશ, નેહા માંડવિયા, અનુપમા ચાવડા, જયશ્રી ગઢવી, જલ્પા જોશી, જઇની પરીખ, અંકિતા, અવની, પારૂલ સોજિત્રા, આનંદી પંજવાણી... કોઇની કહાણી સામાન્ય નથી, દરેકે અસ્ત થવાની આશંકા અનુભવી છે, બેહદ ખતરનાક સારવારના એકઠી વધુ તબક્કા અનુભવ્યા છે, ક્યાંક પોતાના અને પારકાનો તિરસ્કાર, ઉપેક્ષા, સહયોગ અનુભવ્યા છે. દિલીપ રાણપુરાએ
‘મીરાની રહી ગઈ મહેક’માં લેખિકા પત્ની મીરાના આવા જ ભયાવહ અનુભવ અને વિદાયની નવલકથા લખી હતી. અહીં બાકી બધી પ્રવૃત્તિને છોડીને ઝરણાએ ‘કેન્સર ક્લબ’ના આ રોગને ભોગવી ચૂકેલા અને હવે માત્ર કેન્સરના રોગીઓની વચ્ચે કાર્યરત અશ્વિન સોલંકીની જીવનયાત્રા બીજા પુસ્તકમાં આલેખી છે.
ઝરણાને દસેક વર્ષ પહેલા એલ.ડી. એન્જિનિયર કોલેજમાં એક મેળાવડામાં કવિતાનું પઠન કરતાં સાંભળી હતી. એ સામેની ડાહી દીકરી આજે તો સંવેદનશીલ વિચારક બની ગઈ છે. સાહિત્યની સંસ્થાઓ આવા લેખનથી અજાણ રહીને ઉપેક્ષા કેમ બતાવતા હશે? તેની સાથેની વાતચીતમાં કહ્યું કે મારો આ પ્રયાસ છે, કોઈ રિપોર્ટ કાર્ડ નથી કે હોસ્પિટલોનો દસ્તાવેજ. આ વાત ભલે કેન્સરની છે પણ જીવનના વીસ વર્ષ વ્યસન સાથે રહ્યા પછી એ વ્યસનને જોવાની, છોડવાની, સમજવાની કોશિશ છે. એક રીતે આપણે ‘બોલતાં’ તો બે વર્ષે જ શીખી જઈએ છીએ પણ કેન્સરના અનુભવે એ વ્યક્તિનું આખી જિંદગીનું મૌન તોડ્યું, એની કહાણી છે આ. આ કોઈને વીતકકથા કે કોઈને માર્ગદર્શન વિષેનું પુસ્તક નથી. આ તો પોતાની ભાંગતી, જિંદગીથી લડતી અને અજમ્પ સાથે હાંફતી દરેક વ્યક્તિ માટે છે.
28 ઘટનાઓ. ભલે તેમ કેન્સર-ગ્રસ્ત નામો બદલ્યા હોય, તેમ આશાના કારણો અને આશાના કિરણોનું સહજ, સરળ અને દરેક પ્રકારણના અંતે એક કવિતા અને કંડિકાથી યુક્ત પુસ્તક આવકારવા જેવું છે.


comments powered by Disqus