ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનના બોલાનમાં 11 માર્ચે મંગળવારે બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)એ એક પેસેન્જર ટ્રેન જાફર એક્સપ્રેસને હાઇજેક કરી લેવામાં આવી. બીએલએએ જાફર એક્સપ્રેસમાં સવાર 214 મુસાફરોને બંધક બનાવી લીધા હતા. બીએલએ દ્વારા શાહબાઝ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી હતી ક,ે જો પાકિસ્તાન આર્મી તેમના વિરુદ્ધ એક્શન લેશે તો તેઓ તમામ 214 મુસાફરોની હત્યા કરી દેશે. ટ્રેન હાઇજેક કર્યા બાદ રાત્રે બંધકોને મુક્ત કરાવવા પાકિસ્તાન આર્મી પહોંચી હતી. આ સમયે થયેલા ભારે ફાયરિંગમાં બીએલએના 16 વિદ્રોહી ઠાર મરાયા હતા. મંગળવારે મોડી રાત સુધી આ અથડામણ ચાલુ જ રહી હતી.
80 મુસાફરોને બચાવાયા
પાકિસ્તાન આર્મી દ્વારા બલૂચ વિદ્રોહીઓ પર હુમલો કરી દેવાતાં 16 વિદ્રોહીઓનાં મોત નીપજ્યાં હતાં. આર્મીના હુમલાથી બલૂચ વિદ્રોહીઓ ટોળીઓમાં વહેંચાઈ ગયા હતા. બીજી તરફ પાકિસ્તાન આર્મી દ્વારા ટ્રેનમાં સવાર 80 લોકોને બચાવી લેવાયા હતા, જેમાં 43 પુરુષ, 26 મહિલા અને 11 બાળકોનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક એક ગુડ્સ ટ્રેન દ્વારા નજીકના મચ રેલવે સ્ટેશને પહોંચાડાયા હતા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર બાદ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
શાહબાઝ શરીફે હુમલાને વખોડ્યો
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે બલૂચ વિદ્રોહીઓના હુમલાને વખોડી કાઢ્યો હતો. શાહબાઝ શરીફે કહ્યું હતું કે, આ પ્રકારે હુમલો કરનારા હુમલાખોરોને બક્ષી ન શકાય. પાકિસ્તાનના વિકાસમાં આવા વિદ્રોહીઓ રૂકાવટરૂપ છે. આવા તમામ વિદ્રોહીઓનો જડમૂળથી ખાતમો કરી દેવાશે. રમજાન માસમાં આ પ્રકારનો હુમલો કાયરતાની નિશાની છે.
બીએલએ દ્વારા 30 સૈનિકોની હત્યા
પાકિસ્તાન મીડિયાના મુજબ બીએલએ દ્વારા ટ્રેનમાં પહેલેથી હાજર 30 સૈનિકોની હત્યા કરી દીધી છે. આ સાથે તેમના દ્વારા એક ડ્રોનને પણ તોડી પડાયું છે. બીએલએ દ્વારા શાહબાઝ સરકારને ચેતવણી અપાઈ હતી કે જો એર સ્ટ્રાઇક નહીં રોકાય તો તમામ 214 બંધકોની હત્યા કરી દેવાશે. જાણકારી મળ્યા મુજબ પાકિસ્તાની આર્મી એર સ્ટ્રાઇક કરવાની તૈયારી કરી રહી છે
બીએલએની માગણી
બીએલએએ પાકિસ્તાન પાસે માગણી કરી છે કે 48 કલાકમાં બલૂચ રાજનીતિક કેદીઓ અને બળજબરીથી ગાયબ કરવામાં આવેલા લોકોને કોઈપણ શરત વિના છોડવામાં આવે. જો તેમની શરતો પૂર્ણ નહીં થાય તો પાકિસ્તાને તેના માટે ગંભીર પરિણામ ભોગવવાં પડશે. બલૂચિસ્તાનના લોકો તેમના પ્રદેશને એક અલગ દેશ માને છે, જેની એક અલગ સરકાર પણ ચાલે છે. આ સ્થિતિમાં તેમની સૌથી મોટી માગણી રહી છે કે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનની કોઈપણ એજન્સી કે સુરક્ષા એજન્સીના લોકો ન હોવા જોઈએ. આ ઉપરાંત ચીન સાથેને સીપીઈસી પ્રોજેક્ટના કારણે ખનિજ સંપદાને નુકસાન થઈ રહ્યું છે અને તેના કારણે મોટી સંખ્યામાં બલૂચ લોકોને વિસ્થાપન કરવું પડ્યું છે, જેથી આ પ્રોજેક્ટને હટાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, બલૂચ લિબરેશન આર્મી બનાવવા હેતુ 2 માર્ચે સ્થાનિક સંગઠનોએ એકઠા થવાનું એલાન કર્યું હતું. હાલમાં તેઓ પોતાના સંગઠને મોટું કરી રહ્યા છે અને તેને સંગઠિત કરાઈ રહ્યું છે. બલૂચ લિબરેશન ફ્રન્ટ અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી સહિતનાં સંગઠનો બલૂચિસ્તાન માટે સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માગે છે.
લાંબા સમયથી સંઘર્ષ
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરકાર અને બલૂચ લોકો વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. તેના જ કારણે બીએલએ દ્વારા જફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરવામાં આવી છે. ટ્રેન હાઇજેક થતાં પાકિસ્તાન તંત્ર અને આર્મી હરકતમાં આવી ગયાં હતાં.