બ્રિટને ખાલિસ્તાનીઓને શરણ આપવાનું બંધ કરવું જ જોઇએ

Wednesday 12th March 2025 06:03 EDT
 

યુકેની મુલાકાતે આવેલા ભારતના વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર ચેથમ હાઉસ ખાતેથી રવાના થઇ રહ્યા હતા ત્યારે ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા તેમને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો. ખાલિસ્તાની અલગતાવાદ, આતંકવાદ અને સામુહિક હત્યાકાંડોથી ખરડાયેલો છે. ભારતમાં ખાલિસ્તાની અલગતાવાદનો કીડો 1960ના દાયકાથી સળવળ્યો હતો. 1970ના દાયકામાં ડેન્ટિસ્ટમાંથી રાજકારણી બનેલા જગજિત સિંહ ચૌહાણે અલગ શીખ રાષ્ટ્રની માગને વેગ આપ્યો હતો અને તેઓ 1970માં યુકેમાં આવી સ્થાયી થયાં હતાં. 1971માં ભારતે પાકિસ્તાનના વિભાજન દ્વારા બાંગ્લાદેશની રચના થઈ તે જ સમયગાળામાં ચૌહાણે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને તત્કાલિન પાકિસ્તાની શાસક યાહ્યાખાને તેમને અલગ શીખ રાષ્ટ્ર માટે સમર્થન જાહેર કર્યું હતું.
આ વાતને અડધી સદી કરતાં વધુ સમય વીતી ગયો છે પરંતુ બ્રિટન આજે પણ ભારતની સુરક્ષા અને સ્વાયત્તતા સામે પડકારરૂપ અલગતાવાદીઓને શેહ આપી રહ્યો છે. કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને સાચું જ કહ્યું હતું કે વિદેશી સરકારના પ્રતિનિધિની સુરક્ષામાં આ પ્રકારે સેંધમારી જિનિવા કરારનું ઉલ્લંઘન છે. જયશંકર પર હુમલાનો પ્રયાસ બ્રિટનની બદનામી છે. તેનાથી એવું પ્રતીત થઇ રહ્યું છે કે વિશ્વના રાજદ્વારી નક્શા પર બ્રિટન અસુરક્ષિત દેશ છે. વડાપ્રધાન કેર સ્ટાર્મર કે તેમના કોઇ મંત્રી સાથે ભારતમાં આ પ્રકારનો વ્યવહાર કરાય તો યુકે શું કરશે....?
વિદેશમાં 2021ની વસતી ગણતરી પ્રમાણે યુકેમાં 5,25,865 શીખ વસવાટ કરી રહ્યા છે. કેનેડા બાદ શીખોની સૌથી વધુ વસતી યુકેમાં છે. યુકેમાં શીખ ચોથા ક્રમનો ધાર્મિક સમુદાય છે. કુલ વસતીમાં 1 ટકાનું સંખ્યાબળ ખાલિસ્તાની અલગતાવાદીઓને રાજકીય પ્રભુત્વ આપવામાં મદદ કરી રહ્યું છે. સત્તાધારી લેબર પાર્ટીમાં પણ તેમનું ઘણું પ્રભુત્વ છે. 2020માં બ્રિટિશ સાંસદ પ્રીત કૌર ગીલે ભારતમાં શીખો માટે જનમત સંગ્રહની માગ કરી હતી અને ભારત પર યુકેમાં વસતા શીખોને ધમકાવવાનો આરોપ મૂક્યો હતો.
આ પ્રકારના રાજકીય પ્રભુત્વના કારણે શીખ અલગતાવાદીઓ યુકેમાં છાશવારે અટકચાળા કરતાં રહે છે. માર્ચ 2023માં તેમના દ્વારા લંડનમાં ભારતીય હાઇ કમિશન પર હુમલો કરાયો હતો. સપ્ટેમ્બર 2023માં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીને સ્કોટલેન્ડના એક ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. યુકેમાં ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા સંખ્યાબંધવાર જનમત સંગ્રહ થઇ ચૂક્યો છે.
શા માટે યુકેની સરકારો ખાલિસ્તાની અલગતાવાદીઓ સામે આકરાં પગલાં લેતાં ખચકાઇ રહી છે? વાણી સ્વાતંત્ર્યના નામે ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા હંમેશા મર્યાદાનું ઉલ્લંઘન થતું રહે છે અને બ્રિટિશ સરકાર આંખ આડા કાન કરતી રહે છે. બ્રિટનના આ વ્યવહાર સામે ભારતની સરકારો અવારનવાર વિરોધ ઉઠાવતી રહે છે પરંતુ તેના કોઇ ફળદાયી પરિણામ પ્રાપ્ત થતાં નથી. યુકેના ગુરુદ્વારાઓમાં શીખ યુવાનોને કટ્ટરવાદનું ઝેર પીવડાવવામાં આવતું હોવાનું એક ડોઝિયર 2015માં ભારત સરકાર દ્વારા બ્રિટનને સોંપાયું હતું પરંતુ આજ સુધી બ્રિટિશ સરકાર દ્વારા આ દિશામાં કોઇ પગલાં લેવાયાં નથી. યુકેની ધરતી પર પ્રવર્તતા ખાલિસ્તાની અલગતાવાદ માટે બ્રિટનને પાઠ ભણાવવાનો સમય ભારત માટે આવી ગયો છે. ભારતે દ્વિપક્ષીય વેપાર અને સહકાર સંબંધોમાં બ્રિટનનો હાથ આમળીને ખાલિસ્તાની અલગતાવાદીઓ સામે કાર્યવાહી કરવા ફરજ પાડવી જોઇએ. ભારતે ખાલિસ્તાની સંગઠનોને મળતા ભંડોળના સ્ત્રોત સામે પણ કાર્યવાહી કરવી જોઇએ.
બીજીતરફ બ્રિટને પણ હવે ખાલિસ્તાની અલગતાવાદીઓ સામે લાલ આંખ કરવી જોઇએ. લોકશાહી અને વાણી સ્વતંત્રતાના નામે એક દેશના સાર્વભૌમત્વ સામે પડકાર બની રહેલા તત્વોને ડામવાની જવાબદારી બ્રિટને વિશ્વસનિયતાથી નિભાવવી જોઇએ.


comments powered by Disqus