ગુજરાત સમાચાર અને તેના તંત્રી-સંપાદક સી.બી. પટેલ વિવિધ સમાજોનાં કાર્યોને બિરદાવવા અને તેને જોડવા સદાય તત્પર રહે છે. જેના ભાગરૂપે ગુજરાત સમાચારના વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના 49મા અધ્યાયમાં વણિક સમાજ અને વણિક કાઉન્સિલ અંગે ગહન ચર્ચા કરવામાં આવી.
સી.બી. પટેલે કાર્યક્રમનું સંચાલન કરતાં જણાવ્યું કે, વણિક કાઉન્સિલ દ્વારા જે પાંચ કામ કરવામાં આવે છે તેને હું માથે ચડાવું છું. ઓર્ગન ડોનેશનને સંસ્થા દ્વારા અપાતું પ્રોત્સાહન ખૂબ મોટી વાત છે. આ સિવાય દવાની સાથે આધ્યાત્મિકતાથી દર્દીઓની સારવાર, એકલું જીવન જીવતા વડીલોને સાથ આપવો, મેટ્રિમોનિયલ સર્વિસ અને અંતિમ ક્રિયા જેવાં વણિક કાઉન્સિલનાં કાર્યો સરાહનીય છે.
સી.બી. પટેલે વણિક કાઉન્સિલના ચેરમેન મનહરભાઈ મહેતાને તેમની પ્રવૃત્તિ અને તેમનાં કાર્યો જણાવવા આગ્રહ કર્યો.
મનહરભાઈ મહેતાઃ વણિક એટલે રોજગાર હેતુ વેપાર કરે તે. તેમાંથી જે લોકો વેપાર-ધંધાઅર્થે દેશ-પરદેશ વહાણમાં મુસાફરી કરતા થયા તે વહાણિયા થયા અને તેનું ટૂંકું રૂપ એટલે વાણિયા. આ વાણિયા સારા શબ્દોમાં વણિક કહેવાયા.
મને લેસ્ટરમાં જૈન સમાજ નામની સંસ્થા સ્થાપવાનો જે અવસર પ્રાપ્ત થયો તે મારું અહોભાગ્ય છે, જે હાલમાં જૈન સૈન્ટર બની ગયું છે. વર્ષ 1978માં લંડનમાં નવનાથ વણિક એસોસિયેશન, માન્ચેસ્ટર વણિક સમાજ અને લેસ્ટર વણિક સમાજ સહિત સાતથી આઠ વણિક સંસ્થાઓ હતી. આ તમામ સંસ્થાઓએ એકત્ર થઈને વિચાર કર્યો કે જો આપણે એક એવી સંસ્થા સ્થાપીએ, જેમાં આપણે સહુ સાથે મળીએ. આમ નેશનલ કાઉન્સિલ ઓફ વણિક એસોસિયેશનની રચના થઈ અને અમારા પ્રથમ પ્રેસિડેન્ટ નટુભાઈ શાહ હતા, જે બાદ માન્ચેસ્ટરથી બાબુભાઈ કાપડિયા આવ્યા અને 1995થી હું ચોથો પ્રેસિડેન્ટ છું. જે બાદ 2010માં ચેરિટી રજિસ્ટર કરાવી નામ આપ્યું વણિક કાઉન્સિલ.
અમારી પ્રથમ પ્રવૃત્તિ હતી સમાજના તમામ કુટુંબોની ડિરેક્ટરી બનાવવી અને બીજી હતી યુવક-યુવતીઓ માટે લગ્નવિષયક પ્રવૃત્તિ. નટુભાઈ ચેરમેન હતા તે દરમિયાન હું મિડલેન્ડ વાઇસ ચેરમેન હતો. આ સમયે મેં પ્રપોઝલ મૂકી કે આપણે સમાજનાં યુવક-યુવતીઓના સંબંધ માટે કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ કાર્ય મને જ સોંપવામાં આવ્યું અને મેં લંડનમાં એક ઇવેન્ટ કરીને સમાજનાં યુવક-યુવતીઓ માટે લગ્નવિષયક પ્રવૃત્તિ શરૂ કરી. આ પ્રવૃત્તિને રમેશભાઈ શાહે આગળ વધારી. અમે શરૂ કરેલી મેટ્રિમોનિયલ સર્વિસ – પાત્ર પરિચય પહેલાં વણિક પૂરતી સીમિત હતી, પરંતુ આગળ જતાં ગુજરાતી બોલતા તમામ હિન્દુ અને જૈન માટે શરૂ કરી હતી.
1995માં ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ તરફથી તમામ ધર્મના એક-એક પ્રતિનિધિને બોલાવાયા અને કહેવાયું કે તમે સાથે મળી કોઈ એવી પ્રવૃત્તિ કરો, જેથી કરીને તમામ ધર્મના લોકો સાથે મળી હોસ્પિટલના ચેપલસીનું કાર્ય કરી શકે. આમ અમે બધાએ ભેગા થઈ ચેપલસીની શરૂઆત કરી. મને જૈન ધર્મના ચેપલસીનો કો.ઓર્ડિનેટર બનાવવામાં આવ્યો. જે બાદ આપણા સ્વયંસેવકોને ભેગા કરીને ટ્રેનિંગ અપાવી હોસ્પિટલમાં મોકલવાની શરૂઆત કરી.
આ બધું કરતાં સામે આવ્યું કે જેમ ક્રિશ્ચન પાદરીઓ અને હિન્દુ પુરોહિતો મૃત્યુ બાદની જે વિધિ કરાવે છે તેમ જૈનો માટે કોઈ જ નથી. આમ અમે મૃત્યુ બાદની જરૂરી વિધિની શરૂઆત કરાવડાવી.
સી.બી. પટેલઃ પૂર્ણિમાબહેન તમે શું કાર્ય કરો છો અને તેને મેનેજ કેવી રીતે કરો છો?
પૂર્ણિમાબહેન મહેતાઃ હું બી ફ્રેન્ડિંગમાં લીડ લઉં છું. બી ફ્રેન્ડિંગ વણિક કાઉન્સિલે કોવિડકાળ બાદ હાલમાં જ શરૂ કર્યું છે. કોવિડ દરમિયાન આપણે ઘણા કપરા કાળમાંથી પસાર થયા. ઘણા લોકો તેની ઝપેટમાં આવી ગયા, ઘણા લોકોએ પોતાનાં સ્વજન ગુમાવ્યા. આ સમયે વણિક કાઉન્સિલે કોમ્યુનિટીને કંઈ પરત આપવાના આશર સાથે એક સરવે કર્યો. આ નિર્ણય મુજબ 2021માં એક સરવે કરવામાં આવ્યો, જેના દ્વારા જણાયું કે કોવિડના આ ગાળા બાદ ઘણા લોકોનું જીવન બદલાઈ ગયું છે, જેમાંના ઘણા લોકો એકલતા અનુભવતા હતા. આ બાબત ધ્યાને આવતાં વણિક કાઉન્સિલે નક્કી કર્યું કે એકલતા અનુભવતા આવા લોકો માટે આપણે બી ફ્રેન્ડિંગની સર્વિસ ઊભી કરીએ. જેનું જ્ઞાન અમે યુકેના વેલ અસ્ટાબ્લિશ્ડ ઓર્ગેનાઇઝેશન -‘બી ફ્રેન્ડિંગ નેટવર્ક’ પાસેથી લઈ અમે બી ફ્રેન્ડિંગની પોલિસી
અને ડોક્યુમેન્ટ સેટઅપ કર્યાં. આમ અમે સ્વયંસેવકોની મદદથી આ સેવાની શરૂઆત કરી. જો કે આ સર્વિસ લેવા લોકો આગળ આવતા અચકાય છે.
પૂર્ણિમાબહેન પાસેથી તેમની કાર્યપદ્ધતિ જાણ્યા બાદ સી.બી. પટેલે અનુપ મહેતાને આગ્રહ કર્યો કે આપ શું કરો છો?
અનુપ મહેતાઃ ઓર્ગન ડોનેશન સમાજ માટે ખૂબ જ જરૂરી છે. એક દાતા 9 દર્દીઓનો જીવ બચાવી શકે. વણિક કાઉન્સિલે 2017થી એનએચએસબીટી સાથે કોલોબ્રેશનમાં અનેક અવેરનેસ અને ઓર્ગન ડોનેશન કાર્યક્રમો કર્યા, જેના ભાગરૂપે લંડન, લેસ્ટર, માન્ચેસ્ટર અને યુકેનાં અન્ય શહેરોમાં રોડ-શો પણ કર્યા છે.
હાલમાં 8,000 થી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે, છતાં વસ્તીના માત્ર 1% મૃતક અંગદાન માટે લાયક ઠરે છે. 2022-23 માં 430 થી વધુ દર્દી અંગની રાહ જોતાં મૃત્યુ પામ્યા, એટલે કે દિવસમાં એક કરતાં વધુ વ્યક્તિ. સરકાર અને સમુદાયના પ્રયાસો છતાં વંશીય લઘુમતી લોકોમાં અંગદાન માટે સહમતી દર ચિંતાજનક રીતે ઓછો રહે છે, જ્યારે યજમાન સમુદાયમાં 70 ટકા નોંધણી દર છે, ત્યારે વંશીય લઘુમતી સમુદાયો ફક્ત 39 ટકા પાછળ છે.આ અસમાનતા અસ્વીકાર્ય છે. આપણા સમુદાયો ઘણાં ક્ષેત્રોમાં શ્રેષ્ઠ છે - આપણે આટલી મહત્ત્વપૂર્ણ બાબતમાં શા માટે પાછળ રહેવું જોઈએ? ચાલો આજે આ બદલીએ. તમારા પરિવાર સાથે વાત કરો, NHS ઓર્ગન ડોનેશન વેબસાઇટ પર નોંધણી કરાવો અને સોશિયલ મીડિયા પર સંદેશ ફેલાવો. જો દરેક વ્યક્તિ માત્ર એક વ્યક્તિને પ્રોત્સાહિત કરે, તો આપણે પરિવર્તનની સાંકળ બનાવી શકીએ, NHS વેબસાઇટ પર નોંધણીઓ ભરાઈ જશે. અમારું લક્ષ્ય 90થી 100 ટકા ભાગીદારીનું છે, કારણ કે દરેક જીવન મહત્ત્વનું છે.
અનુપભાઈ મહેતા બાદ સી.બી. પટેલ દ્વારા વણિક કાઉન્સિલના નોર્થ એરિયાના વાઇસ ચેરમેન વિજયભાઈ શેઠને તેમના અનુભવો જણાવવા માટે કહેવામાં આવ્યું.
વિજયભાઈ શેઠઃ આપણું મોત દિવસે ને દિવસે નજીક આવતું જાય છે. જ્યારે કોઈનું મોત થાય ત્યારે આપણી ફરજ શું માત્ર બેસણામાં જઈને બેસી જવા પૂરતી જ છે? ના, આપણી ફરજ થાય છે કે એક મિત્ર બનીને તેના પરિવારને પૂરેપૂરો સાથ આપવો. વણિક કાઉન્સિલ દ્વારા 25 વર્ષથી હું આ સેવા બજાવી રહ્યો છું.
અમારા દ્વારા મૃત્યુ સમયે અમારી ટીમ સ્વયંસેવક તરીકે બિલકુલ નિઃશુલ્ક સેવા આપે છે. જે કોઈના ઘરે તેમનાં સ્વજન પરલોક સિધાવે, તેમણે અમારી ટીમને માત્ર એક ફોન કરવાનો છે. અમારા સ્વયંસેવકોની ટીમ ઓછામાં ઓછા ખર્ચે શરૂઆતથી અંત સુધીની તૈયારી કરાવે છે. કોવિડ જેવા સમયે પણ અમારા સ્વયંસેવકોએ જીવના જોખમે વ્યવસ્થા કરી આપી છે. અમે એક જ વિચાર ધરાવીએ છીએ કે આવા સમયે પોતાનો નહીં, સ્વજન ગુમાવ્યું છે તેમના દુઃખ અંગે વિચાર કરવાનો છે.
વિજયભાઈ શેઠ દ્વારા અંત્યેષ્ઠિની સેવા અંગે જાણ્યા બાદ સી.બી. પટેલે રમેશભાઈ શાહના વિચારો જણાવવા કહ્યું હતું.
રમેશભાઈ શાહઃ જીવન અને મૃત્યુ વચ્ચેનો સંબંધ એટલે ગૃહસ્થાશ્રમ. જો કે આજના સમયમાં લગ્નયોગ્ય પાત્ર શોધવાની તકલીફ ખૂબ પડે છે. જેના માટે વણિક કાઉન્સિલ જુદીજુદી સિસ્ટમથી કાર્યરત્ છે. જે પૈકી એક છે પાત્ર પરિચય, જે મનહરભાઈએ શરૂ કરી હતી અને 40 વર્ષથી કાર્ય કરી રહી છે. આ સેવામાં યુવક અને યુવતીઓને રૂબરૂ સંપર્ક કરાવીએ છીએ. આ સિસ્ટમથી અનેક યુગલો લગ્નગ્રંથિથી જોડાયાં છે. આ સેવા માત્ર વણિક સમાજ જ નહીં સમગ્ર હિન્દુ લોકો માટે કરી રહ્યા છીએ.
હાલના સમયમાં સ્પીડ ડેટિંગની આધુનિક પદ્ધતિથી અમે લોકોની મદદ કરી રહ્યા છીએ. સ્પીડ ડેટિંગમાં છેલ્લી વખતે 120 જેટલા યુવાનો આવ્યા હતા. પહેલાના સમયમાં યુવતીઓ ખૂબ આવતી, જો કે હવે ખૂબ ઓછી આવે છે. મને ઘણા વાલીના ફોન આવે છે કે તમે આ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છો.
કાર્યક્રમનું સમાપન કરતાં સી.બી. પટેલે જણાવ્યું કે, વણિક કાઉન્સિલ અંગદાન, સમયદાન અને સમજણદાન અનેકવિધ રીતે કાર્ય કરી રહ્યું છે, જે બાબતે તે અભિનંદનને પાત્ર છે.
ॐ सर्वे भवन्तु सुखिनः ।
सर्वे सन्तु निरामयाः ।

