નવી દિલ્હીઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફવોર ચાલુ કરતાં વર્ષોથી ભારત વિરોધી અભિગમ માટે જાણીતા ચીને હવે ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવતાં જણાવ્યું છે કે નવી દિલ્હી અને બેઈજિંગે એકબીજાનો મુકાબલો કરવાની જગ્યાએ એકબીજાને સમર્થન આપવું જોઈએ. બંનેએ પરસ્પરની સફળતા માટે ભાગીદારો તરીકે સાથે મળીને કામ કરવું જોઈએ.
ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધો પર બોલતા ચીનના વિદેશમંત્રી વાંગે એશિયાના આ બે દિગ્ગજ દેશો વચ્ચે સહકારના મહત્વ પર ભાર મુકીને જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં સકારાત્મક પ્રગતિ થઈ છે.
ચીન હંમેશા એવું માનતું આવ્યું છે કે પરસ્પર સહાયક ભાગીદાર બનવું અને 'ડ્રેગન એન્ડ એલિફન્ટ ડાન્સ' હાંસલ કરવો તે બંને દેશો માટે એકમાત્ર યોગ્ય માર્ગ છે. પરસ્પર સહયોગ બંને દેશોના નાગરિકોના મૂળભૂત હિતમાં છે. અમેરિકાના વેપાર યુદ્ધને પગલે ભીંસમાં આવેલા ચીન હવે હિન્દી ચીની ભાઈ-ભાઈ નારો યાદ આવ્યો છે.
અમેરિકાના પ્રેસિડન્ટે ચીનની પ્રોડક્ટ્સ પરની ટેરિફને 10 ટકાથી બમણી કરી 20 ટકા કરી છે. ચીને અમેરિકાની કૃષિ પેદાશો પર વળતી ટેરિફ લાગી છે, તેથી દુનિયાના આ બે શક્તિશાળી દેશો વચ્ચે વેપાર યુદ્ધ ચાલુ થયું છે.
ભારત અને ચીનના મજબૂત સંબંધોથી વૈશ્વિક મંચ પર કેવી અસર પડશે તે અંગે તેમણે જણાવ્યું હતું કે બેઇજિંગ અને નવી દિલ્હી વચ્ચેની એકતાથી આંતરરાષ્ટ્રીય સ્તરે લોકશાહીમાં વધારો થશે અને વિશ્વ મંચ પર ગ્લોબલ સાઉથની સ્થિતિને મજબૂત બનશે. ગયા વર્ષે રશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગની બેઠકે પૂર્વી લદ્દાખમાં ચાર વર્ષ લાંબા લશ્કરી ગતિરોધને સમાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.