લંડનઃ લોહાણા કોમ્યુનિટી યુનાઈટેડ કિંગ્ડમ (LCUK) દ્વારા આગામી લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) એક્સ્પો 2026નું પ્રમોશન કરવા ડિનર અને હેરોના બ્લુ ઝેન્ઝર ખાતે રોડશોનું આયોજન કરવામાં આવ્યું હતું. LIBF એક્સ્પો 2026 – મુંબઈ કોલિંગ, 30 જાન્યુઆરી 2026થી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન મુંબઈના જીઓ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર છે.
LCUKના સેક્રેટરી જનરલ સુનિલભાઈ મજિઠિયા દ્વારા સ્વાગત સાથે લોન્ચિંગ સાંજનો આરંભ થયો હતો. આ પછી, પ્રેસિડેન્ટ ભરતભાઈ સોઢાએ લોહાણ મહાપરિષદ અને LIBF સાથે LCUKના મજબૂત સંબંધો પર પ્રકાશ પાથરવા સાથે જણાવ્યું હતું કે યુકેના સભ્યો બિઝનેસ અને પ્રોફેશનલ શ્રેષ્ઠતાના વૈશ્વિક નેટવર્કનો હિસ્સો છે.
સોઢાએ યુકે-ભારતની નવી વેપાર સમજૂતી અને તાજેતરના ટેરિફ ફેરફારો થકી સર્જાનારી નવી તકોને હાઈલાઈટ કરી આંતરરાષ્ટ્રીય બિઝનેસ ફલકની ચર્ચા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે LIBF એક્સ્પો 2026 એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ અને ઈન્વેસ્ટર્સ માટે સંપર્કો ઉભા કરવા અને તેમના બિઝનેસીસને વધારવા માટે ચાવીરૂપ પ્લેટફોર્મ બની રહેશે.
રવિન ગ્રૂપના ચેરમેન અને એમડી અને લોહાણા મહાપરિષદ બિઝનેસ કમિટીના ચેરમેન વિજયભાઈ કારિયાનું સંબોધન ચાવીરૂપ બની રહ્યું. તેમણે ઈવેન્ટના માળખા, ચાવીરૂપ સેક્ટર્સ અને LIBFની ડિજિટલ એપ મારફત વૈશ્વિક બિઝનેસ મેચિંગ સહિત LIBF 2026ના વિઝનની રૂપરેખા આપી હતી. ભૂતકાળમાં યુગાન્ડા, ગુજરાત અને દુબઈમાં ઈવેન્ટ્સમાં મોટી સંખ્યામાં ઓડિયન્સીસ અને અગ્રણી મહાનુભાવોને આકર્ષ્યા હતા.
તેમણે સમજાવ્યું હતું કે યુરો એક્ઝિમ બેન્ક અને મુખ્ય સ્પોન્સર સંજયભાઈ ઠકરાર જેવા સ્પોન્સરોના સપોર્ટ સાથે એક્સ્પો લોહાણા કોમ્યુનિટી માટે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પુરું પાડશે. યુકે બિઝનેસીસ પોતાને પ્રદર્શિત કરી શકે તેની તકો સાથે સેંકડો કંપનીઓએ પોતાના સ્ટેન્ડ્સ બુક કરાવ્યાં છે. રજિસ્ટ્રેશન સાથે હાજરી નિઃશુલ્ક અને તમામ કોમ્યુનિટીઓ માટે ખુલ્લી છે. એક્સ્પો મહિલાઓ અને યુવાવર્ગ માટે ઈવેન્ટ્સની સાથે બિઝનેસ, સ્પોર્ટ્સ, એમ્પ્લોયમેન્ટ, મેટ્રિમોનિયલ સર્વિસીસ અને એજ્યુકેશન ક્ષેત્રોમાં સંપર્કોને ઉત્તેજન આપશે. સુભાષભાઈ ઠકરાર OBEએ ચર્ચાને આગળ વધારતા મેચમેકિંગ સવલતો, LIBF એપ અને વિશ્વસ્તરીય સ્થળ વિશે સમજ આપી હતી.
વિજયભાઈ કારિયા અને સુભાષભાઈ ઠકરાર સાથે જીવંત પ્રશ્નોત્તરી થકી ઓડિયન્સનો મજબૂત સંપર્ક સધાયો હતો. ઉપસ્થિત લોકોને ચર્ચા ભારે માહિતીપ્રદ અને પ્રેરણાદાયી જણાઈ હતી અને ઘણા લોકો મુંબઈ એક્સ્પોમાં ભાગ લેવા બાબતે ઉત્સાહી જણાયા હતા.
આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર પરેશભાઈ રૂઘાણીએ પણ પ્રેરણાદાયક અને મજેદાર વાતો સાથે ઓડિયન્સને સંબોધન કર્યું હતું.
ઈવેન્ટમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સીબી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને LIBF ઈનિશિયેટિવની સફળતા માટે શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત અન્ય વિશિષ્ટ મહાનુભાવોમાં સતીષભાઈ ચટવાની (અનુપમ મિશનના પ્રમુખ), રોનકભાઈ પો (LCNLના પ્રેસિડેન્ટ), પરેશભાઈ રૂઘાણી, સંજયભાઈ રૂઘાણી, યશ હિન્ડોચા, રશ્મિબહેન ચટવાણી, મીનાબહેન જસાણી, જીત રૂઘાણી, રાધિકાબહેન ઘીવાલા, કૃષ્ણાબહેન ઠકરાર, કૃષ્ણાબહેન પૂજારા, મૂકેશભાઈ મામતોરા, દિનેશભાઈ સોનછત્રા, વિજયભાઈ અને શિલ્પાબહેન કારિયા (રવિન ગ્રૂપ ઈન્ડિયા), પ્રકાશભાઈ મોદી (લોહાણા કોમ્યુનિટી, કોવેન્ટ્રીના પ્રેસિડેન્ટ), સુનિલભાઈ મજિઠિયા (લોહાણા કોમ્યુનિટી, નોર્ધમ્પ્ટનના પ્રેસિડેન્ટ), નરેન્દ્રભાઈ ઠકરાર (શ્રી વલ્લભ નિધિ, વેમ્બલી મંદિરના ચેરમેન), સંજયભાઈ ઠકરાર - યુરોએક્ઝિમ બેન્ક (LIBFના મુખ્ય સ્પોન્સર) તેમજ કોમ્યુનિટીના અન્ય અગ્રેસરોનો સમાવેશ થયો હતો.
ઈનોવેશન, એન્ટ્રેપ્રીન્યોરશિપ અને વૈશ્વિક લોહાણા કોમ્યુનિટીની ભાવનાના લેન્ડમાર્ક બની રહે તેવી અપેક્ષાસહ LIBF 2026 – મુંબઈ કોલિંગ, માટે સહભાગી રોમાંચ સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું .

