બોલિવૂડનું સૌનું પસંદગીનું કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલ હવે માતાપિતા બની ચૂકયું છે. કેટરિનાએ પોતાના પ્રથમ સંતાનને જન્મ આપ્યો છે. દંપતીએ પોતાને ત્યાં પુત્ર જન્મ થયો હોવાની જાણકારી શેર કરી છે. વિકી કૌશલ અને કેટરિના કૈફે પોતપોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. ગ્રિટિંગ કાર્ડ પર બાળકનું ચિત્ર છે અને મોટા અક્ષરે ‘બેબી બોય’ લખેલું છે. કેપ્શનમાં લખ્યું છે કે, ‘અમારી ઝોળી ખુશીઓથી ભરાઈ ગઈ છે. પ્રેમપૂર્વક અમે અમારા બેબી બોયને આવકારીએ છીએ.’ તે સાથે જ વિકી કૌશલે કેપ્શનમાં માત્ર ‘બ્લેસ્ડ’ લખીને રેડ હાર્ટ ઇમોજી અને ‘ઓમ’ લખ્યું છે. દંપતીએ 23 સપ્ટેમ્બરના રોજ પ્રેગ્નન્સી જાહેર કરી હતી. તે વેળાની તસવીરમાં વિકી કૌશલ કેટરિનાના બેબી બમ્પ પર હાથ મૂકેલો જોવા મળતો હતો. બંનેના ચહેરા પર ખુશી હતી. પ્રશંસકો ત્યારથી જ ગુડ ન્યૂઝની પ્રતીક્ષા કરી રહ્યા હતા. વિકી કૌશલ અને કેટરિના કૈફે 9 ડિસેમ્બર 2021ના રોજ ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સ્થિત સિક્સ સેન્સેસ ફોર્ટ - બરવાડામાં ભવ્ય લગ્ન યોજાયા હતા. લગ્ન પહેલાં વિકી અને કેટરિના એકબીજાને ડેટ કરતા રહ્યા હતા. બંનેએ પોતાના અફેરને પણ સિક્રેટ રાખ્યા હતા.

