તમે જે દરેક પગલું ભરો છો તેમાં તમારી સફળતાનું નિર્માણ થાય છે. તમે જેટલા વધુ તૈયાર કે સજ્જ હશો તેટલી સફળતા વધુ હશે. સફળ થવા માટે તમારે વિકાસ સાધવો પડશે જેટલું તમારા માટે કાર્ય વધતું હોય. આનું સુંદર ઉદાહરણ આપણા ભારતીય પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે. તેઓ વિશ્વના ઊંચેરા નેતા બન્યા છે તેનું કારણ એ છે કે તેમણે કાર્યની સાથે જ વિકાસ સાધ્યો નથી, પરંતુ તેઓ તેમના કાર્યના વધવાથી પણ આગળ રહ્યા છે.
આપણા યુવાન અને યુવાન ન હોય તેવા વાચકોને સફળ જોબ હાંસલ કરવાના માર્ગમાં મદદરૂપ બનવા માટે અમે સહાયકારી લેખશ્રેણી આપવાની ઈચ્છા રાખીએ છીએ. વાચકોને નોકરીઓ હાંસલ કરવાની તેમની તકમાં વધારો થાય અને તે પછી કારકિર્દીના વિકાસમાં મદદ મળે તે લક્ષ્ય સાથે આ લેખશ્રેણી વાચકો માટે લખવામાં આવશે.
આ પ્રયાસમાં મેં સીનિયર બેન્કર જય ગોહેલને આમંત્રિત કર્યા છે, જેઓ તેમના અનુભવો અને સફળતાઓ વિશે વાચકોને સહભાગી બનાવશે. તેઓ કહે છે કે મેનેજરિયલ સીડી ચડવા માટે તેઓ એક જ સિદ્ધાંત ‘તમે જે પગલું ભરો છો તે સફળતાનું નિર્માણ કરે છે’ને અનુસર્યા હતા. તેઓ વધુમાં કહે છે કે જો તમે ધ્યાનથી નિહાળશો તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સફળતાઓનું નિર્માણ તેમણે લીધેલા દરેક પગલાં થકી થયું છે. દરેક પગલું એટલું સારી રીતે લેવાયેલું છે કે તેનાથી વધુ સારું પગલું મળી શકે નહિ! વિશ્વના અન્ય નેતાઓએ પણ આને ધ્યાને લીધું છે અને તેના માટે જ તેઓ મોદીને આદર આપે છે.
શાળાના દિવસોથી જ જય ગોહેલની નાનીમોટી સફળતાઓ તેમણે નવ વર્ષની ઉંમરથી નિવૃત્તિની વય સુધી પહોંચ્યા ત્યાં સુધી લેવાયેલા દરેક પગલાંથી નિર્માણ પામી છે. જોકે, તેઓ નિવૃત્ત થયા જ નથી અને હંમેશાં કોઈને કોઈ મુદ્દે કામ કરતા જ રહે છે. તેમની સફળતાની શરૂઆત નવ વર્ષની વયે થઈ હતી જ્યારે તેમને પ્રાઈવેટ બોર્ડિંગ સ્કૂલ, રાજકુમાર કોલેજ, રાજકોટ (ગુજરાત, ભારત)ની જુનિયર વિંગના પ્રીફેક્ટ-વડા નિશાળિયા બનાવાયા હતા. આ પછી, 11 વર્ષની વયે તેઓ 110 છોકરાઓની આ વિંગના હેડ બોય બન્યા હતા.
તેઓ કહે છે કે તેમને હેડ બોયની કામગીરી અપાઈ કારણકે તેઓ અસરકારક પ્રીફેક્ટ બને તેની ચોકસાઈ તેમણે રાખી હતી. તેમના પેરન્ટ્સ 1960માં સ્થળાંતર કરી લંડન આવ્યા અને તેમણે (જય) એજવેર, ગ્રેટર લંડનની ઓરેન્જ હિલ ગ્રામર સ્કૂલમાં પ્રવેશ લીધો હતો. શાળાના છેલ્લા ત્રણ વર્ષ માટે તેમને પ્રીફેક્ટ નિયુક્ત કરાયા અને શાળાના વિદ્યાર્થીઓને પરદેશી પ્રીફેક્ટ પાસેથી સૂચનો મેળવવાની સંપૂર્ણ આદત ન હોવાં છતાં, તેઓ અસરકારક પુરવાર થયા. રાજકુમાર કોલેજમાં શાળાના બાળકોને કાબુમાં રાખવાના ભૂતકાળના અનુભવોએ તેમને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવ્યા હતા. અગાઉના સફળ પગલાએ તેમને વધુ સફળતા અપાવી હતી. આ જ પ્રમાણે બેન્કમાં ડિપાર્ટમેન્ટનું સફળ સંચાલન કરવાના અનુભવે તેમને અન્ય બેન્કની બ્રાન્ચનું સંચાલન કરવાની ક્ષમતા પૂરી પાડી હતી.
આજે સાઉથ બેન્ક યુનિવર્સિટી તરીકે ઓળખાતી સંસ્થામાં તેમણે બિઝનેસ સ્ટડીઝમાં હાયર નેશનલ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો હતો. આ પછી તેમણે હાલ સિટી યુનિવર્સિટી તરીકે ઓળખાતી સંસ્થામાં એન્જલ અને મૂરગેટ, લંડન EC2 ખાતે ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કર્સ કોર્સનો અભ્યાસ કર્યો હતો. તેમણે 1967માં લોઈડ્ઝ બેન્ક ઈન્ટરનેશનલના ઓર્ગેનાઈઝેશન્સ એન્ડ મેથડ્સ ડિપાર્ટમેન્ટમાં બેન્કિંગની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ આ બેન્કમાં જોડાનારા પ્રથમ ભારતીય અને સંભવતઃ લોઈડ્ઝ બેન્ક ગ્રૂપ યુકેમાં પ્રથમ ભારતીય હતા. આ પછી, બે વર્ષમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, લંડન EC2માં જોડાયા સાથે તેમને વિભાગીય વડા નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે લોઈડ્ઝ ખાતે જે સફળ સિક્ષણ પ્રાપ્ત કર્યું હતું તેના થકી તેમને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સાથેની કારકિર્દીમાં મદદ મળી હતી. બધા જ લાભકારી અનુભવો વ્યક્તિત્વ વિકાસમાં મહત્ત્વપૂર્ણ કદમ બની રહે છે, ઘણી વખત તો કોઈ બાબતમાં નિષ્ફળતા પણ તમને બહેતર કાર્ય કેવી રીતે કરવું તે શીખવે છે. આ પણે માત્ર નિષ્ફળતાના કારણે પીછેહઠ કરવી ન જોઈએ, આપણે સિદ્ધિ હાંસલ કરવાના બમણા પ્રયાસો કરવા જોઈએ.
પ્રત્યેક યોગ્ય કદમ આગામી પગલા પર સંચિત અસર કરે છે. ટુંક સમયમાં જ જય બ્રાન્ચ મેનેજર બનવા માટે તૈયાર હતા. BCCI એ તેમને બ્રાન્ચ સોંપી. તેઓ પાછળથી મોરોક્કો અને ટ્યુનિશિયા માટે બેન્કના કન્ટ્રી રિપ્રેઝન્ટેટિવ તરીકે નિયુક્ત કરાયા અને મોરોક્કોના રબાતમાં તેમણે કામગીરી સંભાળી. તેઓ મોરોક્કોથી પરત ફર્યા ત્યારે તેમણે યુકેમાં રહેવાનો નિર્ણય લીધો. તેઓ નેશનવાઈડ બિલ્ડિંગ સોસાયટી (NBS)માં 14 શાખાઓ સાથે નોર્થ વેસ્ટ લંડન એરિયાના લીડિંગ કન્ટ્રોલ મેનેજર તરીકે જોડાયા. તેમણે પોતાના લક્ષ્યાંકો સિદ્ધ કર્યા અને NBSની સાથે 24 વર્ષની સફળ અને આનંદપૂર્ણ કારકિર્દી વીતાવી. ઉપરોક્ત કામગીરીઓના પરિણામે તેમને સમજાઈ ગયું કે સફળતાનું નિર્માણ તેમણે લીધેલા દરેક પગલામાં સમાયેલું છે, પરંતુ સાચાં પગલાંની સાથે જ સ્વપ્રેરણા અને તમારી આસપાસના લોકો તમને સ્વીકારે તે માટે સ્થાનિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવાની ઈચ્છાનો સમન્વય આવશ્યક છે. આવા પ્રયાસો તમારા માટે તકના અમર્યાદિત દ્વાર ખોલી આપશે.
તમારા લક્ષ્યાંકો અને સંજોગો સાથે બંધબેસતી રહે તેવી કેટલી વ્યાપક સફળતાનો આધાર તમારા પર જ છે. રમવાનું મેદાન તો અનંત છે. સિદ્ધિઓ નાણા કમાવવાથી માંડી તમારી કારકિર્દીઓ, સ્પોર્ટ્સ, પોલિટિક્સ અને સામાજિક જીવનમાં સફળતા હાંસલ કરવા સુધી બદલાતી રહે છે. જય વધુમાં ઉમેરે છે કે ઉપરોક્ત પ્રયાસો થકી સફળતાને સુનિશ્ચિત કરવા તમારે તમારા અને અન્યો પ્રતિ પ્રામાણિકતા સાથે દરેક સાચા પગલાં ભરવા જોઈએ. જો તમે આમ કરશો અને તમારી જાતમાં જ વિશ્વાસ રાખશો તો તમને સફળતા પ્રાપ્ત કરતા કોઈ જ અટકાવી શકશે નહિ!
જો તમે સ્વપ્રેરણા, અનુકૂલન અને સ્વીકાર્યતા બાબતે સારા ન હો તો તમે પુનરાવર્તિત મહાવરા થકી શીખી શકો છો જ્યાં સુધી તેની સફળ આદત પડી જાય નહિ. ઉદાહરણ જોઈએ તો, જયે 13 વર્ષની વયે ભારતીય પ્રાઈવેટ બોર્ડિંગ સ્કૂલ્સના પૂના નજીક ખડકવાસલામાં NCC કેમ્પમાં ટાર્ગેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં વિજય હાંસલ કર્યો હતો. આ હાંસલ કરવામાં તેને વારંવારની પ્રેક્ટિસથી મદદ મળી હતી. તેણે સ્કૂલની રાઈફલ રેઈન્જમાં પ્રેક્ટિસ કરી એટલું જ નહિ, શાળામાં રજાઓ દરમિયાન ઘેર રહીને પણ પ્રેક્ટિસ કરી હતી. ઘરમાં તેની પાસે ટાર્ગેટ કાર્ડ્સ ન હતા તેથી, તેણે સિગારેટ્સ અને દિવાસળીના ખાલી ખોખાંનો ઉપયોગ કર્યો! પણ તેણે સતત પ્રોક્ટિસ તો કરી જ.
જય તેમના આગામી લેખોમાં તેમણે શીખેલા અને તેઓ જેમાં માને છે તેવાં સફળતા હાંસલ કરવાના પગલાં તમારી સમક્ષ રજૂ કરશે, આ બધું અને તેનાથી પણ ઘણું બધું કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેના વિશે સમજાવશે.
તેઓ માને છે કે તેમના દિવંગત પિતા સર જયવંતસિંહ ગોહેલ અને દિવંગત માતા લેડી ગોહેલ તેમની પાસે અપેક્ષા રાખે કે અન્યોને મદદ કરવી અને પોતે જે શીખ્યા છે તે સમાજને પરત કરવાની સમજ તેમને હોય. તેઓ અને હું વિશ્વાસ ધરાવું છું કે તમને તેમની લેખમાળા ઉપયોગી અને માણવાલાયક લાગશે.
સર જયવંતસિંહ ગોહેલ CBE યુનાઈટેડ કિંગ્ડમમાં નાઈટહુડ મેળવનારા પ્રથમ ભારતીય હતા. તેઓ કદાચ બે સન્માન પ્રાપ્ત કરનારા એકમાત્ર બ્રિટિશ હતા. સૌ પહેલા CBE અને બે વર્ષ પછી નાઈટહૂડ ઈલકાબ મળ્યો હતો. સામાન્યપણે કોઈ વ્યક્તિને જીવનમાં એક જ સન્માન પ્રાપ્ત થતું હોય છે. આપણામાંથી ઘણા લોકોને સર જય વિશે જાણકારી હશે જ, પરંતુ યુવા પેઢીને આ જાણકારી ન હોય. મને લાગે છે કે યુવાન પેઢીને પણ આવી સિદ્ધિઓથી માહિતગાર કરાવી જોઈએ કારણકે 1960 અને 1970ના દાયકાઓમાં બ્રિટિશ સમાજમાં માઈગ્રન્ટ્સનો ઓછો સ્વીકાર થતો હતો ત્યારે દિવંગત સર જય જેવા કેટલાક લોકો આગળ વધ્યા હતા.
સર જયનું આખું નામ જયવંતસિંહ ગોહેલ છે. તેમણે 1930ના દાયકામાં રિવર થેમ્સની સામે રહેલા મિડલ ટેમ્પલ નામે ઓળખાતી પ્રસિદ્ધ ઈન ઓફ કોર્ટમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેમણે બેરિસ્ટર એટ લોની લાયકાત હાંસલ કરી અને ભારત પરત ફરવા સાથે બ્રિટિશ સામ્રાજ્યના સમયમાં મોરબીના રજવાડામાં દીવાનપદે નિયુક્ત કરાયા હતા.
આઝાદી પછી તેમને IAS ઓફિસર તરીકે પસંદ કરાયા અને જામનગર જિલ્લાના કલેક્ટર અને તે પછી ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા હતા. 1950ના દાયકાના પૂર્વાર્ધમાં ઈન્ડો-ચાઈનામાં યુદ્ધકાળ દરમિયાન યુનાઈટેડ નેશન્સ દ્વારા ભારતની નિયુક્તિ પીસકીપિંગ મિશનના ચેરમેન તરીકે થઈ ત્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પણ તેમની પસંદગી થઈ હતી.
રશિયા અને કેનેડા આ મિશનના અન્ય સભ્યો હતા. પાછળથી 1960ના દાયકામાં તેઓ ફરી યુકે આવ્યા ત્યારે તેમને મેઘરાજ બેન્કને સમાવતા જાણીતા મેઘરાજ ગ્રૂપમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં નિયુક્તિ અપાઈ હતી.
તેમના પત્ની લેડી ગોહેલ સર જય સાથે બધા જ સામાજિક ફંક્શનોમાં હાજરી આપતાં હતાં અને એશિયન કોમ્યુનિટી તેમજ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉચ્ચ વર્તુળમાં ભારે લોકપ્રિય બન્યાં હતાં. તેઓ ઘણું ઓછું અંગ્રેજી બોલતાં હોવાં છતાં, ઈંગ્લિશ વર્તુળમાં પણ લોકપ્રિય બની રહ્યાં તે ભારે આશ્ચર્ય પમાડે છે! કદાચ તે માન્યામાં પણ ન આવે, બરાબરને?
આને જ મુગ્ધ કરી દેનારી મોહકતા-ચાર્મ કહેવાય. આ એવી પૂર્વધારણા તરફ દોરી જાય છે કે બોડી લેંગ્વેજ ઘણું કહી જાય છે. તેઓ શબ્દો દ્વારા જે અભિવ્યક્ત કરી શકતાં ન હતાં, તે તેમની મોહક વર્તણૂંક થકી સમજાવી શકતાં હતાં. તેઓ જે પણ કરતાં, તેને બરાબર, સારી રીતે મેનેજ કરી લેતાં હતાં કારણકે તેમણે સફળતાની ચાવી હાંસલ કરી લીધી હતી. સ્વીકૃતિ હાંસલ કરવાની સફળતા. તેમણે સર્જેલી સ્વીકૃતતા ઘણે આગળ સુધી ગઈ. આ એક હકીકતથી પુરવાર થાય છે કે સર જયના નિધન પછી પણ તત્કાલીન પ્રાઈમ મિનિસ્ટર માર્ગારેટ થેચર લેડી ગોહેલને ક્રિસમસ કાર્ડ મોકલતાં રહ્યાં હતાં.

