-કોકિલા પટેલ
ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના ઉપક્રમે ગત ઓગષ્ટ મહિનામાં પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરાયું હતું. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારની વનવાસી, આદિવાસી દિકરીઓના શિક્ષણ અને રહેવા ગર્લ્સ હોસ્ટેલના નિર્માણ અર્થે યોજાયેલ આ ભાગવત કથામાં હરિભક્તોએ મનમૂકીને દાનગંગા વહાવી હતી. સંસ્થાના કાર્યકરોએ કથાનો ખર્ચ બાદ કરતાં પૂ.ભાઇશ્રીના આ સેવાકાર્યમાં £૨,૬૦,૦૦૦ જેટલી માતબર રકમનો ચેક ભાઇશ્રીના સાંસ્કૃતિક ફાઉન્ડેશનના ચેરમેન ભૂપેન્દ્રભાઇ કણસાગરાને ગયા શનિવારે (૮ નવેમ્બરે) ભવ્ય સમારોહ દ્વારા વિધિવત અર્પણ કર્યો હતો.
ગુજરાત હિન્દુ સોસાયટીના પ્રેસિડેન્ટ દશરથભાઇ નાયી, વાઇસ પ્રેસિડેન્ટ ઇશ્વરભાઇ ટેલર, સેક્રેટરી આશિતભાઇ ઝરીવાલા તથા સક્રિય કમિટીના સભ્યો દ્વારા આયોજિત આ સવિશેષ સમારોહમાં પ્રેસ્ટન સિટી કાઉન્સિલના ચીફ એકઝીક્યુટીવ એડ્રીયન ફિલિપ, મેયર ઓફ સાઉથ રિબલ કાઉન્સિલર પીટર મોલીન્યુ, ડેપ્યુટી લૂટેનન્ટ ક્રિસ લોમાક્સ, જ્હોન ટર્નર્સ કંપનીના માર્ક થોમસન, સેકટર સિકયુરિટી કંપનીના નિલમભાઇ કારીયા, ગુજરાત સમાચાર, એશિયન વોઇસના પ્રકાશક તંત્રીશ્રી સી.બી. પટેલ, કન્સલ્ટીંગ એડિટર કોકિલા પટેલ, ગુજરાત હિન્દુ સોસાયટીના પેટ્રન સુરેન્દ્રભાઇ પટેલ તથા "નિજાનંદ" રિસોર્ટ-આણંદના ચીફ ડિરેકટર તથા સાંસ્કૃતિક અને કલા ક્ષેત્રે પ્રસંશનીય અનુદાન આપનાર યોગેન્દ્રભાઇ પટેલ, હિન્દુ કાઉન્સિલ નોર્થના પ્રતિનિધિઓ સાથે આસ્ટનથી મંત્રીશ્રી કાન્તિભાઇ મિસ્ત્રી તેમજ £૧૦૦૦ થી વધારે દાન આપનાર દાતાશ્રીઓ અને કથામાં સેવા આપનાર સ્વયંસેવકો સહિત ૨૦૦ જેટલા આમંત્રિતો ઉપસ્થિત હતા.
વહેલી સવારે સેન્ટરના રસોડે હનુમાન ચાલીસા અને હરિધૂન ગાતાં સ્વયં સેવિકા બહેનોએ પૂરી-શીખંડ, શાક, ઉગાડેલા મઠ, ભાત, કઢી અને કચોરીનું સ્વાદિષ્ટ ભોજન પીરસ્યા પછી ૨.૧૫ વાગ્યે કાર્યક્રમ શરૂ થયો હતો. કાર્યક્રમનો આરંભ નાની બાળાઓએ ગણેશ અને સરસ્વતી વંદનાથી કર્યો. ગુ.હિ.સો.ના સેન્ટર મેનેજર અભિનંદાબેનના કુચીપૂડી ડાન્સ ગૃપે સુંદર નૃત્યો રજૂ કરતાં હોલ તાળીઓથી ગૂંજી ઊઠ્યો હતો. વાઇસ ચેરમેન ઇશ્વરભાઇ ટેલરે જણાવ્યું કે, “ગુજરાત હિન્દુ સોસાયટી પ્રેસ્ટન માટે આજનો દિવસ ઐતિહાસિક છે. પૂ. ભાઇશ્રીની સાત દિવસની કથા આયોજનનું પ્રયોજન આદિવાસી કન્યાઓના લાભાર્થે દાન એકત્ર કરવું. આ કથામાં ખર્ચ કાઢતાં £૨,૬૦,૦૦૦ જેટલી રકમ આપણે એકત્ર કરી શક્યા એ બદલ તમામ દાતાઓ, હરિભક્તો સહિત ખાસ આપણી પડખે રહીને દરેક કાર્યને સફળતા અપાવવામાં નિમિત્ત બનતા આપણા સી.બી. પટેલને ખાસ અભિનંદન. કથા દરમિયાન ગુજરાત સમાચારમાં વિના મૂલ્યે પાના ભરીને પ્રસિધ્ધિ આપી એ જ રીતે "આસ્થા" ટી.વી ઉપર સતત જીવંત પ્રસારણ કરનાર હેમંતભાઇ સુરૈયા તથા એમની ટીમનો ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ.
સભામાં ઉસ્થિત મેયર કાઉન્સિલર પીટર મોલીનેક્સે પ્રેસ્ટન સ્થિત હિન્દુઓની સરાહના કરતાં જણાવ્યું કે, હું પ્રથમવાર આ કોમ્યુનિટી સેન્ટરમાં આવ્યો છું. આ વર્ષે દેવ મંદિરની તમે બે એનીવર્સરી ઉજવી રહ્યા છો. તમારી સંસ્કૃતિ ગજબની છે. નાની બાલિકાઓએ બહુ સુંદર નૃત્ય રજૂ કર્યું એ બહુ સુંદર હતું. તાજેતરમાં ભગવાન શ્રીકૃષ્ણની રથયાત્રામાં વરસતા વરસાદમાં હજારો લોકો બેન્ડવાજા સાથે નાચતા જોડાયા હતા. તમારી આસ્થા, સંસ્કાર અને સાંસ્કૃતિક પરંપરાથી હું ખૂબ પ્રભાવિત છું. તમે જરૂરતમંદ દિકરીઓના શિક્ષણ માટે માતબર રકમનું દાન એકત્ર કર્યું એ આવકાર્ય છે. એની અર્પણવિધિમાં મને આમંત્રિત કર્યો એ બદલ સંસ્થાનો આભાર. પ્રેસ્ટન સિટી કાઉન્સિલના ચીફ એક્ઝિકયુટીવ એડ્રીયન ફિલિપ્સે જણાવ્યું કે, “પ્રેસ્ટનમાં તમે ખૂબ જ પ્રગતિશીલ છો, જેથી ભારતીય સંસ્કૃતિ અને એની પરંપરાનું સૌને દર્શન કરાવો છો. ૧૯૭૫થી પ્રેસ્ટનમાં શાંતિપ્રિય હિન્દુ કોમ વસવાટ કરે છે. તાજેતરમાં પ્રેસ્ટનમાં તમે ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું હતું, એમાં અમે સૌ જોડાયા હતા, આનંદ માણ્યો હતો. હિન્દુ કોમ્યુનિટી જે રીતે કાર્યરત છે એ પ્રેસ્ટનની દરેક કોમને એક બનાવે છે. તમારા દરેક સેલીબ્રેશનમાં પ્રેસ્ટન સિટી કાઉન્સિલ સહભાગી બનશે. હિન્દુ કોમ્યુનિટી માટે અમને આદર સહ ગૌરવ છે.” રથયાત્રામાં ભગવાન શ્રીકૃષ્ણનો રથ હાંકનાર રથચાલક માર્ક થોમસન જહોન ટર્નર્સ કંપનીના હતા. માર્ક અને એમની પત્ની તેમજ તેમની ટીમનો ઇશ્વરભાઇએ સહદય આભાર વ્યક્ત કર્યો.
સંસ્થાના પ્રમુખ દશરથભાઇ નાયીએ જણાવ્યું કે,"ગુજરાત હિન્દુ સોસાયટીના ઇતિહાસમાં આ વર્ષ સુવર્ણ અક્ષરે લખાઇ ગયું. ૫૦ વર્ષ ભગવાન રાધા કૃષ્ણ મંદિર અને ૨૫ વર્ષ શ્રી રામ દરબાર પાટોત્સવની ઉજવણીનું જે રીતે આયોજન થયું એ પ્રેસ્ટનવાસીઓ માટે ખૂબ અગત્યનો બની ગયો. પાટોત્સવ દરમિયાન ભવ્ય રથયાત્રા કરવી તદઉપરાંત પૂ.ભાઇશ્રીની ભાગવત કથાનું આયોજન કરવું એમાં ખાસ પૂ.ભાઇશ્રીનો કોઇ સેવાલક્ષી પ્રોજેકટ હોય તેમાં આપણે પૂ.ભાઇશ્રીને કંઇક આપી શકીએ. એ હેતુસર શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવું એમ કમિટીએ નક્કી કર્યું એટલે અમે પૂ.ભાઇશ્રીને ખાસ વેસ્ટ સસેક્સના ક્રોલી મળવા ગયા હતા. ભાઇશ્રીએ ત્રણ પ્રોજેકટ બતાવ્યા એક જન્મભૂમિ, બીજો કર્મભૂમિ અને ત્રીજો શિક્ષણ સર્વશ્રેષ્ઠ દાન. સાપુતારાની આદિવાસી કન્યાઓના શિક્ષણ અર્થે ગર્લ્સ હોસ્ટેલ બનાવવી એ પ્રોજેકટ અમને ગમ્યો અને એ શિક્ષણ સેવાકાર્યના પ્રોજેકટમાં આપણું ટારગેટ પૂરૂં કરી શકીશું એમ વિચારીને અમે સાપુતારા પ્રોજેકટ પસંદ કર્યો.”
દશરથભાઇએ વધુમાં જણાવ્યું કે, “સાપુતારામાં ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ આપણે નથી કરતા પણ એનું બાંધકામ શરૂ થઇ ગયું છે. ભાગવત કથા શરૂ થતાં પહેલાં આપણે આ પ્રોજેકટ પૂરો થઇ શકે એ માટે શરૂઆતમાં જ જાહેરાત કરી હતી કે £૨ લાખ પાઉન્ડનું લક્ષ્ય રાખવામાં આવ્યું. એ વખતે ગુજરાત સમાચારના તંત્રીશ્રી સી.બી. પટેલે અમને હિંમત આપતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત હિન્દુ સોસાયટી આ પ્રોજેકટ પરિપૂર્ણ કરી શકશે જ.
સી.બીએ ગુજરાત સમાચાર-એશિયન વોઇસમાં જાહેરાતો આપી અને પ્રસિધ્ધ આપીને અમને કિર્તીમાન બનાવ્યા છે. એમનો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે. સાથે કલ્સલ્ટીંગ એડિટર કોકિલાબહેનની કલમે જે રીતે લેખો લખાયા એનો અમને ખૂબ સહકાર સાંપડ્યો.
ભારતીય વિદ્યાભવન લંડનના વર્ષો સુધી ચેરમને રહેલા અને ગુ.હિ.સો. પ્રેસ્ટનના પ્રેટ્રન સુરેન્દ્રભાઇ પટેલ સંસ્થાના ખૂબ હિતેચ્છુ છે. ફંડ રેઝીંગ કરવાનું હોય અથવા પૂ. મોરારી બાપુને મળવાનું હોય, પૂ. ભાઇશ્રીને મળવાનું હોય તો સુરેન્દ્રભાઇ આપણા પ્રતિનિધિ તરીકે અગ્રેસર રહી આપણા કાર્યને સફળતા બક્ષે. સભામાં નોર્થ હિન્દુ કાઉન્સિલના કાન્તિભાઇનો આભાર આ સંસ્થા તરફથી £૨૦,૦૦૦નું દાન મળ્યું છે.
પૂ. ભાઇશ્રી યોગ પુરુષ છે, ઋષિઓએ સનાતન ધર્મનો વારસો આપ્યો છે એ સંસ્કૃત ભાષામાં છે જેથી અત્યારની પેઢીને આવડતું નથી પણ ભાઇશ્રીએ આપણા સનાતન ધર્મ અને સંસ્કૃતને જીવંત રાખવા પોરબંદરમાં સાંદિપની આશ્રમની સ્થાપના કરી જેમાં ગુરૂકૂળ બનાવી બ્રાહ્મણોને સંસ્કૃત ભણાવવામાં આવે છે. કથા દરમિયાન "આસ્થા" ટીવી ઉપર લાઇવ દર્શન કરાવી હેમંતભાઇ સુરૈયાએ ખૂબ સહયોગ આપ્યો એટલું જ નહિ પણ આ કથા ત્રણ વખત ટીવી ઉપર દર્શાવવામાં આવી. પ્રેસ્ટન ૬૦૦ પરિવારનું નાનુ ગામ હોવા છતાં આસ્થા ટીવીના માધ્યમથી વિશ્વભરમાં પ્રદર્શિત થવાનો લહાવો સાંપડ્યો. આજે ભાગવત કથા દરમિયાન એકત્ર થયેલ દાનનો ચેક સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે.ને અર્પણ કરાશે એ વખતે પૂ. ભાઇશ્રીને કલકત્તાથી લાઇવ વિડિયો દ્વારા જોઇન્ટ કરાશે અને પ્રેસ્ટનવાસીઓને એમના આશીર્વચન મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે કલકત્તામાં ભાઇશ્રીની શ્રીમદ ભાગવત કથા ચાલે છે.
દશરથભાઇએ ચેક અર્પણ કરતાં પહેલાં કહ્યું કે, “આપણી પાસે કોઇ મોટા વેપારીઓ કે શ્રીમંતો નથી, આપણું નાનુ સરખું ગામ તેમ છતાં સાત દિવસમાં આપણે નેટ £૨,૬૦,૦૦૦ ભેગા કરી શક્યા. આપણી સમક્ષ આજે સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે.ના ચેરમેન ભૂપેન્દ્રભાઇ કણસાગરા અને ટ્રસ્ટી ભૂમિબેન ઉપસ્થિત છે તેઓને આ માતબર રકમનો ચેક અર્પણ કરતાં અનહદ આનંદ થાય છે. આ ફંડમાંથી સાપુતારામાં હોસ્ટેલ રૂમોનું નિર્માણ થશે અને દાતાઓના નામની તકતી પણ મૂકવામાં આવશે. કલાક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર યોગેન્દ્રભાઇ પટેલ જે સુરેન્દ્રભાઇના વેવાઇ થાય છે તેઓ પ્રથમવાર પ્રેસ્ટન પધાર્યા છે. નાનકડા પ્રેસ્ટનની સંસ્થાનો પારદર્શક વહીવટ, કાર્યકરોનો આવિર્ભાવ જોઇને પ્રભાવિત થયેલા યોગેન્દ્રભાઇ પટેલે કોઇને પણ જાણ કર્યા વગર ઓનલાઇન £૧૫૦૧નું દાન મોકલી આપ્યું છે. યોગેન્દ્રભાઇનો સંસ્થા આભાર વ્યક્ત કરે છે.
કલકતામાં પૂ.ભાઇશ્રી સાથે લાઇવ વિડિયો દ્વારા સૌનો વાર્તાલાપ થાય એ પહેલાં ગુજરાત હિન્દુ સોસાયટી પ્રેસ્ટનના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને તમામ કમિટી તરફથી ગુજરાત સમાચારના સી.બી. પટેલને "લાઇફ ટાઇમ એચીવમેન્ટ" એવોર્ડ આપી સન્માનિત કરાયા.
સાથે કોકિલાબેન પટેલને અને સુરેન્દ્રભાઇ પટેલને પણ "સર્ટિફિકેટ ઓફ રેકોગ્નીશન"નો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પસંગે સી.બી. પટેલે એમના મનોભાવ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “સન્માન બધા કરે પણ વતન કે ગામવાળા કરે ત્યારે અત્યંત ગૌરવ થાય. ભારતમાં ભાદરણ અને યુ.કે.માં પ્રેસ્ટન મારું વતન છે. હું પ્રેસ્ટનમાં ૧૦૦થી વધુ વખત આવ્યો છું. પરદુુ:ખે ઉપકાર કરે પણ મન અભિમાન ના આણે રે" એવા પરદુ:ખભંજક પ્રેસ્ટનની આ સંસ્થાએ ઉત્તર ગુજરાત અને કચ્છના દુષ્કાળ વખતે પૂ. મોરારીબાપુની કથા કરી £૧,૧૭૦૦૦નો ચેક દાન માટે આપ્યો હતો. પૂ.ભાઇશ્રી સાંદિપની આશ્રમમાં સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધન સાથે માનવ કલ્યાણના કાર્ય કરે છે એ ખૂબ આવકાર્ય છે. બ્રિટનમાં સનાતન મંદિરો છે પણ આ નાના ગામનું સનાતન મંદિર અદભૂત કાર્ય કરી રહ્યું છે.
સંસ્કૃતિ ફાઉન્ડેશન-યુ.કે.ના ચેરમેન ભૂપેન્દ્રભાઇએ કહ્યું કે, "આ માતબર ડોનેશનથી આદિવાસી, વનવાસી દિકરીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાશે અને એમનું જીવન ઉજ્જવળ બનશે. ઓગષ્ટમાં ભાગવત કથાનું આયોજન કરીને સાપુતારાની દિકરીઓ માટે ઉત્તમ કાર્ય કર્યું છે એ માટે હું ગુજરાત હિન્દુ સોસાયટીના બોર્ડ ઓફ ટ્રસ્ટીનો પૂ.ભાઇશ્રી વતી સહ્દય આભાર વ્યક્ત કરું છું.”
હેમંતભાઇએ આસ્થા ચેનલના વિડિયો લીન્ક દ્વારા કલકત્તાથી પૂ.ભાઇશ્રીને વિશાળ સ્ક્રીન પર દર્શાવતા હોલમાં સૌએ જયશ્રી કૃષ્ણ સાથે ભાઇશ્રીનું અભિવાદન કર્યું હતું. સાથે ગુજરાત હિન્દુ સોસાયટીના પ્રેસિડેન્ટ દશરથભાઇ, વાઇસ પ્રેસિડેન્ટ ઇશ્વરભાઇ ટેલર સેક્રેટરી આશિતભાઇ જરીવાલા અને કાર્યકરોએ ભૂપેન્દ્રભાઇ કણસાગરા તથા ટ્રસ્ટી ભૂમિબેનને £૨,૬૦,૦૦૦નો ચેક અર્પણ કર્યો ત્યારે પૂ.ભાઇશ્રીએ પણ આ સદકાર્યને તાળીઓથી વધાવી ખુશી વ્યક્ત કરી હતી. પૂ.ભાઇશ્રીએ જણાવ્યું કે, પ્રેસ્ટનના સૌ પદાધિકારીઓનો સહ્દય આભાર માનું છું. દરેકને હું ખૂબ યાદ કરું છું. પ્રેસ્ટનની કથા હજુ મારા મનમાં તાજી છે. સાદગી સાથે અને સરળતા સાથે જે ભક્તિભાવપૂર્વક કથાનું આયોજન થયું અને સૌએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો એ પ્રભાવિત કરે એવી વ્યવસ્થા હતી અને મને પ્રસન્નતા કરે એવી વ્યવસ્થા કરી. સાપુતારાના પ્રોજેકટ માટે આટલું મોટું અને પ્રેમપૂર્વક પ્રદાન કર્યું એ વધાવું છું. સંસ્કૃતિ ફાઉન્ડેશનના ભુપેન્દ્રભાઇ કણસાગરા અને ભૂમિબેનને તમે આટલું મોટું દાન પ્રદાન કર્યું છે એ પ્રેમપૂર્વક સ્વીકાર્યું છે. સાપુતારામાં ઓલરેડી દિકરીઓ આવી ગઇ છે. ૫૫૦ દિકરીઓને ખૂબ સન્માનપૂર્વક રાખી શકાય એવી વ્યવસ્થા થઇ છે. અત્યારે જૂના રસોડેથી રસોઇ જાય છે પણ હવે નવા મકાનમાં રસોઇ મળતી થશે. હજુ બીજા બે બિલ્ડીંગ અને છોકરાઓ માટે પણ હોસ્ટેલ બિલ્ડીંગ તૈયાર થશે. અંતરિયાળ (રિમોટ) એરિયામાં ભગવાને પ્રોજેકટ કરવા પ્રેરણા કરી છે પણ આપ સૌના સહકારથી બધું પાર પડે છે. શિક્ષણ એ વિકાસનો પાયો છે અને શિક્ષણનું દાન સર્વ શ્રેષ્ઠ દાન છે. તમે બધા સાપુતારા જોવા જજો, બાળકો તમને જોઇને ખુબ ખુશ થશે. મેં કથામાં કહ્યું હતું કે, લાઇફ ઇઝ પાર્ટનરશીપ". આપણે જે કંઇ પ્રાપ્ત કર્યું છે એમાં આપણે પાર્ટનરશીપથી જીવીએ, આપણે સૌએ સમય કાઢ્યો, સંપત્તિનો ઉપયોગ કર્યો. ભુપન્દ્રભાઇને મેં કહ્યું હતું કે, “પ્રેસ્ટનના ભાઇઓનું કામ બહું ચોખ્ખું. કથા પૂરી થયાના શોર્ટ ટાઇમમાં હિસાબ બહાર પાડ્યા અને એ ગુજરાત સમાચારના પાને પ્રસિધ્ધ કરી એમની પારદર્શકતા દર્શાવી એ બીજી સંસ્થાઓએ પણ દાખલો લેવા જેવો છે. ઘણી સંસ્થાઓ આવા આયોજનો કરીને હિસાબ મર્યાદિત સમયમાં પ્રસિધ્ધ કરી શકતા નથી એ માટે પ્રેસ્ટનને અભિનંદન.”

