ભારતીય ઉપખંડના ભારતના પાડોશી દેશોમાં ચારેકોર અસ્થિરતાનો આલમ છે ત્યારે તમામ અવરોધો અને સમસ્યાઓ છતાં ભારત એક અડીખમ રાષ્ટ્ર બનીને ઉભરી રહ્યો છે. તાજેતરના વર્ષોમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં પ્રવર્તમાન અસંતોષને પગલે જનતાએ સરકારો ઉથલાવી દીધી હતી તો ભારત સામે હંમેશા બાથ ભીડવાના સ્વપ્નમાં રાચતો પાકિસ્તાન ભીખારી બની ગયો છે. આમ ભારતીય ઉપખંડમાં ભારત જ એકમાત્ર એવો દેશ છે જે આઝાદી પ્રાપ્ત કર્યા પછી ન કેવળ લોકતાંત્રિક રીતે મજબૂત બનતો ગયો પરંતુ આર્થિક અને સામાજિક મજબૂતાઇના શિખરો પણ સર કરી રહ્યો છે.
પાકિસ્તાન, ચીન, નેપાળ, બાંગ્લાદેશ સહિતના પાડોશી દેશો સાથેના સંબંધોમાં ઉથલપાથલ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ઉધામા વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર દિનપ્રતિદિન મજબૂત બનીને ઉભરી રહ્યું છે. ભારતનો વિદેશી હુંડિયામણ ભંડાર 700 અબજ ડોલર નજીક પહોંચી ગયો છે. ભારતનો જીડીપી વૃદ્ધિદર ઘણા વર્ષોથી 6 થી 8 ટકાની વચ્ચે રહે છે જે વિશ્વમાં સૌથી ઊંચો મનાય છે. આમ પાડોશી દેશોની સરખામણીમાં ભારત એક અલગ જ કેડી કંડારી રહ્યો છે.
ભારતે આ લોકતાંત્રિક અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ઘણો પરીશ્રમ કર્યો છે. 1947માં આઝાદી મળ્યા બાદ વારંવાર સર્જાતા આર્થિક સંકટો, ખાદ્યાન્ન કટોકટી સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તેમાં પણ ચીન સાથેના 1962ના યુદ્ધ અને પાકિસ્તાન સાથેના 4-4 યુદ્ધે ભારતનો આર્થિક વિકાસ રૂંધ્યો ખરો પરંતુ તેની સામે પણ ભારતે મજબૂતાઇથી બાથ ભીડીને વિકાસના માર્ગે આગળ વધવાનું જારી રાખ્યું હતું. એક સમયે ભારતે તેના સોનાના ભંડાર ગીરવી મૂકવા પડ્યાં પરંતુ 1991માં આર્થિક ઉદારીકરણ અપનાવીને ભારતે આર્થિક વિકાસનો નવો ઇતિહાસ રચવાનું શરૂ કરી દીધું હતું.
એવું નથી કે ભારતે કોઇ અવરોધોનો સામનો કરવો પડ્યો નથી. વર્ષો સુધી વૈશ્વિક મૂડી એટલે કે વિશ્વ બેંક, આઇએમએફ પર આધારિત રહેવાના કારણે ભારતીય રૂપિયાનું સતત અવમૂલ્યન થતું રહ્યું. જેના પગલે આયાત અને નિકાસો પર વિપરિત અસરો સર્જાતી રહી. તેમ છતાં કરમાળખામાં નિયમિત સુધારા, બેન્કિંગ વ્યવસ્થામાં બદલાવોને પગલે ભારતની આર્થિક સ્થિતિ મજબૂત બનતી રહી અને હવે તે વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે અપનાવેલ નાણાકીય શિસ્ત અત્યંત મહત્વનું છે. બજેટ ખાધમાં સતત ઘટાડો અને નિયંત્રણ, જાહેર દેવા અને જીડીપીના ગુણોત્તરમાં ઘટાડાના લક્ષ્યાંક હાંસલ કરવાના પ્રયાસોએ ભારતને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવ્યો છે. ખાસ કરીને સર્વિસિઝ અને આઇટીમાં ભારતે કરેલી પ્રગતિ ઊડીને આંખે વળગે તેમ છે. આજે વિશ્વભરની કંપનીઓ આઇટી સેક્ટરમાં ભારતમાં આઉટસોર્સિંગ પર આધારિત બની છે.
મોદી સરકારના છેલ્લા 11 વર્ષના શાસનમાં ભારતમાં થયેલો માળખાકીય વિકાસ આંખે ઊડીને વળગે તેવો છે. ફ્રેઇટ કોરિડોર, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસ હાઇવે ભારતના અર્થતંત્રની ગાડીને પૂરપાટ દોડવાનો ઢાળ પૂરો પાડી રહ્યાં છે. દેશે હાંસલ કરેલી ટેકનિકલ સિદ્ધીઓ ભારતના અર્થતંત્રને વધુ મજબૂત બનાવી રહી છે.
આમ જ્યારે અન્ય પાડોશી દેશો અંધાધૂંધીમાં ઘેરાયેલા છે ત્યારે ભારતનું સંયમિત નાણાકીય વલણ, સંસ્થાકીય અને આર્થિક સુધારા, કરવેરાના સુનિયોજિત માળખા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, મજબૂત લોકતાંત્રિક પ્રણાલિ ભારતને અલગ કરે છે અને આજ અલગ ઓળખ ભારતને વિકાસના પંથે આગળ ધપાવી રહી છે.
