મમદાની વર્સિસ ટ્રમ્પઃ ડાબેરી વિરુદ્ધ જમણેરીનો જંગ

Wednesday 12th November 2025 05:06 EST
 

ન્યૂયોર્કના મેયરપદે ચૂંટાઇ આવવાની સાથે જ ઝોહરાન મમદાની અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ વચ્ચે સીધી લડાઇની રેખાઓ ખેંચાઇ ગઇ છે. મમદાની પણ સારી રીતે જાણે છે કે તેમણે સનકી સ્વભાવના ટ્રમ્પ સામે બાથ ભીડવાની છે અને તે માટે પોતે તૈયાર હોવાના સંકેત મમદાનીએ વિક્ટરી સ્પીચમાં જ આપી દીધાં હતાં.
ડોનાલ્ડ ટ્રમ્પ ડાબેરી વિચારધારાને ધિક્કારે છે. તેમણે મમદાનીને ડેમોક્રેટિક પાર્ટીના ડાબેરી ભવિષ્ય તરીકે વર્ણવ્યા હતા. મમદાનીના ડાબેરી ઝોકના કારણે જ ટ્રમ્પે પૂર્વ ડેમોક્રેટ ગવર્નર એન્ડ્રુ ક્યુમોને ન્યૂયોર્કના મેયરપદ માટે સમર્થન જાહેર કર્યું હતું. પરંતુ મમદાનીના વિજયથી હવે ટ્રમ્પ ભુરાંટા થયા છે. મતદાન પહેલાં પણ ટ્રમ્પે ન્યૂયોર્કવાસીઓને સીધી ધમકી ઉચ્ચારી હતી કે જો તેઓ મમદાની પર પસંદગી ઉતારશે તો હું ન્યૂયોર્કના ફેડરલ ફંડિંગમાં મોટો કાપ મૂકી દઇશ.
સીધો સવાલ એ છે કે શા માટે ટ્રમ્પ અને ન્યૂયોર્કના અબજોપતિઓ મમદાનીને આટલા ધિક્કારે છે. સૌથી પહેલાં તો મમદાનીના આર્થિક મંતવ્યો ન્યૂયોર્કના અમીરોને સીધો પડકાર આપે છે. મમદાની હંમેશા અમીરો પર વધુ ટેક્સ લાદવાના હિમાયતી રહ્યાં છે. મમદાની આર્થિક અસમાનતા સર્જતી નીતિઓના ઘોર વિરોધી રહ્યા છે. મમદાનીએ મેયરપદની ચૂંટણીમાં ઝંપલાવતા પહેલાં જ મકાન ભાડાં ફ્રિઝ કરવા, વિના મૂલ્યે બસ સેવા ચલાવવા, તમામ બાળકો માટે ચાઇલ્ડ કેર સહિતની કલ્યાણકારી યોજનાઓ સહિત અમીરો પર 1 ટકાનો પ્રોપર્ટી ટેક્સ લાદવાની જાહેરાત કરી હતી. મમદાનીની કલ્યાણકારી ડાબેરી ઝોક ધરાવતી નીતિઓ જ ટ્રમ્પની આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે. તેના કારણે જ ટ્રમ્પે ન્યૂયોર્કના અમીરોને ભડકાવવાનો ભરપૂર પ્રયાસ કરી જોયો હતો પરંતુ તેમની કારી ફાવી નહોતી.
તે ઉપરાંત મમદાની મુસ્લિમ હોવાના કારણે ટ્રમ્પે યહૂદીઓને પણ ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે તો યહૂદીઓને ચેતવણી આપી હતી કે મમદાનીને સમર્થન આપનાર કોઇપણ યહૂદી યહૂદીને ધિક્કારનાર પૂરવાર થશે. મમદાનીએ પોતાની ભારતીય, મુસ્લિમ ઓળખ છૂપાવવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી. ઉલટાનું મુસ્લિમ તરીકે તેમના પરિવારના અનુભવો ખુલીને વર્ણવતા આવ્યા છે. મમદાની ગાઝામાં ઇઝરાયેલી કબજાનો પણ ખુલીને વિરોધ કરી રહ્યાં છે. આમ મમદાનીની નીતિઓ ટ્રમ્પને પહેલેથી પસંદ નથી.
મમદાની જમણેરી વિચારધારાના કટ્ટર વિરોધી રહ્યાં છે. જ્યારે ટ્રમ્પની રાજનીતિ કટ્ટર જમણેરી અને મૂડીવાદી વિચારધારાને સમર્થિત છે. આમ જોવા જઇએ તો આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચેનો સીધો ટકરાવ છે જે ક્યારેય એક પંગતમાં બેસી શક્તા નથી. ન્યૂયોર્કના મેયર તરીકે મમદાનીએ કપરાં ચઢાણ ચડવાના જ છે કારણ કે ઘણા પ્રોજેક્ટ માટે તેમને ફેડરલ ફંડિંગ પર આધારિત રહેવું પડશે. બીજીતરફ ટ્રમ્પ મમદાનીના માર્ગમાં રોડા નાખવાની કોઇ કસર બાકી નહીં રાખે તે સર્વવિદિત છે. ખંધા રાજકારણી ટ્રમ્પ સામે નવા સવા ખેલાડી ઝોહરાન મમદાની કેટલી અને કેવી રીતે બાથ ભીડે છે તે તો આવનારો સમય જ બતાવશે.


comments powered by Disqus