લંડનના જાણીતા બીઝનેસમેન અને સખાવતી શ્રી યોગેશ મહેતા અને રીટાબહેન મહેતાના સુપુત્ર ચિ. રીષિના લગ્ન દિલ્હીના બિઝનેસમેન શ્રીમતી અલકાબહેન અને મનોજભાઇની સુપુત્રી દિવ્યાના શાનદાર લગ્નોત્સવ દિલ્હી ખાતે યોજાયા બાદ લંડનમાં ત્રણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
૩૦ ઓક્ટોબરે ગ્રોવનર પ્લેસ, ધ પેનીનસ્યુલા બોલ રૂમમાં વેલકમ પાર્ટીનું શાનદાર આયોજન થયું. બીજા દિવસે ૩૧ ઓક્ટોબરના ૩૦ ગ્રોવનેર સ્ક્વેરના ધ ચાન્સેરી રોસવુડ ખાતે સંગીત સંધ્યા અને ૧ નવેમ્બરના રોજ રીસેપ્શનની રોયલ એલીગન્સની સલૂણી રાતના ભવ્ય આયોજને સૌના દિલ ખુશ કરી દીધાં. રંગબેરંગી લાઇટોથી ઝળહળતો મહેલ જેવો રંગીન હોલ, એમાં સૂરોની સરગમ અને બેલે ડાન્સરોની કલા અભિમુખ થઇ જવાય તેવી હતી. એમના સુંદર નૃત્યો નિહાળી તાળીઓના ગડગડાટથી હોલ ગૂંજી ઉઠ્યો હતો. હોલમાં સજ્જ સુંદરીઓ, સુંદર સજાવટ એક ભવ્યાતિ ભવ્યતાનો માહોલ વચ્ચે આમંત્રિતો આનંદોત્સવમાં ગળાડૂબ હતાં. ૨૦૨૫ના વર્ષના આ ભવ્ય સમારંભમાં લંડન સહિત દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મોટાગજાના બિઝનેસમેનોની હાજરી ધ્યાનાકર્ષક રહી.
છેલ્લા દિવસે તો લગભગ ૧૩૦૦ જેટલા મહેમાનોએ આ પાર્ટીની મજા માણી. મહેમાનોમાં ભારતના મિનિસ્ટર પ્રફુલ પટેલ, સ્ટીલ ટાયકૂન ઉષાબહેન અને લક્ષ્મી મિત્તલ, નયનાબહેન અને સુનિલ મિત્તલ, વેરનાઝ અને રાજન મિત્તલ, ધીરજ હિન્દુજા, અશોક હિન્દુજા, પ્રકાશ હિન્દુજા, સુહેલ શેઠ, મુકુલ રોહત્ગી, મયુર માધવાણી પરિવારના મયુર માધવાણી, જય મહેતા, આનંદ બર્મન, સુનિલ મુંજાલ, લોર્ડ રેમી રેન્જર, લોર્ડ જીતેશ ગઢિયા, શૈલેષ વારા, અંબર પોલ, અપુ બાગ્રી, ગુજરાત સમાચાર અને એશીયન વોઇસના તંત્રી/પ્રકાશક શ્રી સી.બી. પટેલ સહિત અનેક અગ્રણીઓની હાજરીએ શોભામાં અભિવૃધ્ધિ કરી હતી.
આ પ્રસંગે નવવધૂ દિવ્યા અને રીષિના સમારંભની ઉજવણીની કેક કટીંગ સેરીમની યોજાયા બાદ રીટાબહેને સૌ મહેમાનોનું અંતરના ઉમળકા સાથે સ્વાગત કર્યું અને સૌની હાજરીથી પ્રસંગ દીપી ઊઠ્યો એમ જણાવતાં પોતાની પુત્રવધૂ દિવ્યાને સહર્ષ મહેતા કુટુંબમાં પ્રવેશ માટે આવકારી અત્યંત ખુશી વ્યક્ત કરી. વધુમાં જણાવ્યું કે, માતા-પિતાએ દિકરીને ખુબ જ સારા સંસ્કાર આપી અમને સોંપી અમારા કુટુંબની શોભા અને ગૌરવ વધાર્યું એ માટે તેઓનો સવિશેષ આભાર વ્યક્ત કર્યો.
આ નવ પરિણિત દંપતિને “ગુજરાત સમાચાર’ પરિવાર શુભેચ્છા પાઠવે છે. ‘આ સુંદર યુગલને પ્રભુતામાં પગલાં પાડ્યાનાં લાખ લાખ અભિનંદન. જીવન સદાય રહે પ્રેમ અને આનંદથી ભરપુર, જીંદગીની સુહાની સફર રહે રોમાંચક..’

