કેન્યા ખાતે ગત ૬ જુલાઇના રોજ શ્રી જલારામ સત્સંગ મંડળ (SJSM) દ્વારા વ્હીલચેર અને જયપુર ફૂટ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ રોટરી ક્લબ ઓફ કેન્યા ડિસ્ટ્રિક્ટ 9212 અને જયપુર ફૂટ ટ્રસ્ટ આયોજિત આ કેમ્પમાં મુખ્ય દાતા વેસ્ટકોમ્બ ફાઉન્ડેશનના વજુભાઈ અને જ્યોત્સનાબહેન પાણખણીઆના ઉદાર સહયોગથી આ અસરકારક ઈવેન્ટ શક્ય બન્યો હતો.લોકસેવા સમર્પિતતા અને પવિત્રતાની ભાવના સાથે ઈવેન્ટનો આરંભ અજય મહારાજ દ્વારા આત્મીય પ્રાર્થના સાથે કરાયો હતો. આ પછી, કરુણા અને પરિવર્તનને સમર્પિત દિવસના પવિત્ર આરંભસ્વરૂપ પવિત્ર દીપપ્રાગટ્ય કરાયું હતું.
SJSMના ચેરમેન જેપી માંડલીઆએ સહુ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને સેવા, સામુદાયિક એકતા અને માનવતાના ઉત્થાનને સમર્પિત દિવસની હૃદયસ્પર્શી ભાવના ઉજાગર કરી હતી. આ પછી શ્રેણીબદ્ધ સંબોધનોમાં મહાનુભાવો, SJSM, રોટરી ક્લબ અને જયપુર ફૂટ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ દાતાશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી સામુહિક કાર્યો થકી જીવનને સશક્ત બનાવવાની તેમની સહભાગી પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. મુખ્ય મહેમાન દ્વારા SJSMને ચેક અર્પણ કરાયો હતો અને જયપુર ફૂટ ફાઉન્ડેશનને દાન અપાયું હતું.
ધ વેસ્ટકોમ્બ ફાઉન્ડેશને ઉદારતાપૂર્વક ૫૦ વ્હીલચેર્સ, ૫૦ જયપુર ફૂટ પ્રોસ્થેટિક લિમ્બ્સના યોગદાન ઉપરાંત, જલારામ બાપાના પ્રેમાળ ઉપદેશ થકી પ્રેરિત સખાવત અને સેવાના હૃદયસ્પર્શી કાર્ય સ્વરૂપે જલારામ ચાકુલા પ્રોગ્રામ મારફત ૫૦ વિદ્યાર્થીઓને ભોજનમાં સહાય પુરી પાડી હતી. આ ઈવેન્ટને સફળ બનાવવા બદલ SJSM દ્વારા ધ રોટરી ક્લબ ઓફ કેન્યા ડિસ્ટ્રિક્ટ 9212ના સભ્યોથી માંડી જયપુર ફૂટ ટ્રસ્ટની ટીમ તેમજ તમામ લાભાર્થીઓ અને તેમના પરિવારો સહિત સૌએ દાતાશ્રી પ્રતિ આભાર વ્યક્ત કરાયો હતો. ટેમ્પલ કોર્ટયાર્ડમાં મોબિલિટી સહાયના પ્રેઝન્ટેશન સાથે ઈવેન્ટનું સમાપન કરાયું હતું.

