રાજકારણમાં એક સપ્તાહનો સમય ઘણો લાંબો કહેવાય અને આ સપ્તાહ પણ તેનાથી અલગ નથી. હવે સર્વનાશ અને નિરાશા સામાન્ય બાબત બની રહી છે. ના, હું રેડિઓહેડના એક્ઝિટ મ્યુઝિક, પીરામિડ સોંગ, ક્લાઈમ્બિંગ અપ ધ વોલ્સ, લેટ ડાઉન અને વીડિઓટેપ જેવાં ગીતોની વાત કરી રહ્યો નથી, જે બરબાદી તદ્દન નજીક છે તેમ માનતા લોકોની નિરાશાનું ચિત્રણ કરે છે.
ત્રણ સૌથી મહત્ત્વના દેશ, યુએસ, ચીન અને ભારતની ગેરહાજરી સાથે યુએન ક્લાઈમેટ ટોક્સ COP30નો આરંભ થવાનો છે. કેટલાક માટે આ પરિષદ હવે કરદાતાઓના નાણાથી ફાઈવ સ્ટાર સરભરા મેળવવાની વાર્ષિક શિખરવાર્તા બની ગયેલ છે. આની સાથે આશરે 50,000 લોકો સંકળાયેલા હોવા સાથે વિચિત્રતા તો એ છે કે તેઓ પ્રદૂષણમાં નોંધપાત્ર ફાળો આપવાના છે. પ્રદૂષણ કે પોલ્યુશનની વાત કરીએ તો AI આગામી વૈશ્વિક મહાઘટના બની રહેશે. લંડનમાં બુધવાર 12 નવેમ્બરે AI સિક્યોરિટી સમિટ યોજાઈ રહ્યું છે. નોંધવાની વાત એ છે કે AI ભારે પ્રમાણમાં ઊર્જાનો ઉપયોગ કરે છે જેના પરિણામે ભારે માત્રામાં પોલ્યુશન પણ સર્જાય છે.
આ એન્ટિબુલિઈંગ (દાદાગીરી વિરોધી) સપ્તાહ પણ છે જેનું થીમ ‘કલ્યાણ અર્થે સત્તા-શક્તિ’ છે. સમગ્ર દેશમાં આપણી બધી શાળાઓમાં આ સપ્તાહના ગુણગાન ગવાશે. કદાચ કેર સ્ટાર્મર પણ એવી આશા રાખતા હશે કે તેમના કેટલાક બેકબેન્ચર્સ દાદાગીરી કરવાનું બંધ કરશે. રસપ્રદ બાબત એ છે કે 13 નવેમ્બર ગુરુવારે વર્લ્ડ કાઈન્ડનેસ ડે છે. સમગ્ર વિશ્વમાં રાજકારણની ચંડાળચોકડીઓ મત હાંસલ કરવા માટે બનાવટી સહાનુભૂતિઓ વ્યક્ત કરશે અને કોઈ પણ હિસાબે સત્તા પરની તેમની પકડ મજબૂત રહે તેની ચોકસાઈ કરશે. ભારતમાં 14 નવેમ્બરે બાળદિન એટલે કે ચિલ્ડ્રન્સ ડે ઉજવાશે. સમગ્ર રાષ્ટ્રમાં તેની ઊજવણી કરાશે, પરંતુ મને ઘણી વાર વિચાર આવે છે કે આપણી સમક્ષ રહેલાં બાળકો પર કદી નજર શા માટે પડતી નથી.
11 નવેમ્બર, મંગળવારે પ્રથમ વિશ્વ યુદ્ધના અંતના સંભારણા તરીકે રિમેમ્બરન્સ ડે ઉજવાય છે. આપણે શહીદી વહોરનારા લોકોને યોગ્યપણ યાદ કરીએ છીએ, પરંતુ ભારત અને ભારતીય સૈનિકોએ આપેલાં અભૂતપૂર્વ યોગદાનને પણ પ્રામાણિકપણે યાદ કરીએ. પોપીઝ શહીદો માટે સમર્થન દર્શાવે છે ત્યારે આપણે આપણા રાજકારણીઓને ભારતીય સૈનિકોના સ્મરણનું સત્તાવાર ફૂલ મેરીગોલ્ડ એટલે કે ગલગોટાના ફૂલને ધારણ કરવાનું પણ કહી શકીએ.
હવે આપણી પાસે એવા બિલિયોનર્સ છે જેઓ ટ્રિલિયોનર્સ થવા તરફ આગળ વધી રહ્યા છે. લોકો ધનવાન થાય તે વિશે મને જરા પણ વાંધો નથી. તેઓ ઘણી વખત સમગ્ર વિશ્વમાં લાખો ઘરોને ફાઈનાન્સ કરવામાં મદદરૂપ રોજગારસર્જક હોય છે. કેટલાક મદદગાર-પરોપકારી હોય છે જ્યારે કેટલાક પોતાની સંપત્તિનો ઉપયોગ લોકશાહીઓને નિર્બળ બનાવવામાં, ચૂંટણીઓમાં ગેરરીતિઓ આચરવામાં, શાંતિનું મહત્ત્વ ઘટાડવામાં તેમજ સમાનતા અને ન્યાયને ખોખલાં બનાવવામાં કરે છે. આપણે તો એવી આશા રાખીએ કે માનવજાતનું શોષણ કરનારાઓની સંખ્યા કરતાં માનવજાતનું કલ્યાણ કરવાના ઈચ્છુકોની સંખ્યા વધી જાય.
બિલિયોનેર્સની વાત નીકળી છે ત્યારે મસ્ક અને સ્પેસએક્સ દ્વારા ફ્લોરિડાથી લોન્ચ કરનારા સંખ્યાબંધ સ્ટારલિન્ક મિશનનું સમયપત્રક તૈયાર છે. આ વ્યક્તિ મને મિડાસ ટચ (સોનેરી સ્પર્શ) ધરાવતા રાજાની યાદ અપાવે છે. મને ઘણી વખત વિચાર આવે છે કે કદાચ તેને એલિયન્સ મદદ કરી રહ્યા હશે! એલિયન્સની વાત નીકળી છે ત્યારે જણાવું કે વિશ્વભરમાં ચેટ સાઈટ્સ પર કોમેટ (ધૂમકેતુ) 3I/ATLASની જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. એવો ઉન્માદ પણ વધી રહ્યો છે કે તે કદાચ વાસ્તવમાં આંતરગ્રહીય સ્પેસ વ્હીકલ હોઈ શકે છે. જો આમ હોય તો, આ વિમાન પર કોણ આપણી મુલાકાતે આવી રહ્યું હશે? વિશ્વ ધીરે ધીરે એક આફતમાંથી બીજી આફતને નોંતરતું રહે છે. યુક્રેન અને ગાઝાની પટકથાઓમાં વધુ નાટ્યાત્મક ચડાવઉતાર જોવા મળશે તેમાં કોઈ જ શંકા નથી. આ બંને યુદ્ધોની આસપાસ પાશ્ચાત્ય કાગારોળ ચાલી રહી છે તેના તરફ ધ્યાન આપ્યા વિના મારા મતે પરિણામનો નિર્ણય લેવાઈ જ ગયો છે.
હવે આગામી બજેટના નાટકચેટક માટે સજ્જ થઈ જાઓ. લેબર પાર્ટી મોટા ભાગે નકારાત્મક બજેટની અસરને હળવી બનાવવાના સંકેતો મોકલી જ રહી છે. બુધવાર, 26 નવેમ્બરે એક માત્ર ચાન્સેલર રાચેલ રીવ્ઝ દ્વારા રજૂ કરાનારા આગામી મહત્ત્વપૂર્ણ ફિસ્કલ ઈવેન્ટ, ઓટમ બજેટ સંદર્ભે કમર કસી જ લેજો. ચાન્સેલરે માત્ર એક વર્ષમાં બ્રિટિશ અર્થતંત્રનો દાટ વાળી નાખ્યો છે. તેમને રાજીનામું આપી દેવાની થઈ રહેલી હાકલો તેમની નિષ્ફળતાનો પડઘો પાડે છે ત્યારે તેમણે ગણનાપાત્ર રાજકોષીય ખાધ અને કોસ્ટ ઓફ લિવિંગ કટોકટીનો સામનો કરવાનો રહેશે.
રીવ્ઝ આશરે 50 બિલિયન પાઉન્ડ જેટલા જંગી ‘ફિસ્કલ બ્લેક હોલ’નો સામનો કરી રહ્યાં છે. એક યાદ અપાવું કે જ્યારે લેબર પાર્ટી સત્તા પર આવી ત્યારે તેણે 20 બિલિયન પાઉન્ડના બ્લેકહોલ માટે ટોરીઝના માથે દોષનો ટોપલો નાખ્યો હતો. આનો અર્થ એવો થાય કે ચાન્સેલરે માત્ર એક વર્ષમાં વધારાના 30 બિલિયન પાઉન્ડનો ઉમેરો કરી નાખ્યો છે. ગત બજેટમાં તેમણે વિજયી ઘોષણા કરી હતી કે તેમની નીતિઓ અર્થતંત્રને સુધારી દેશે. તેમણે કામકાજ કરનારા લોકો માટે ઈન્કમ ટેક્સ, નેશનલ ઈન્સ્યુરન્સ અથવા VAT નહિ વધારવાનું વચન આપ્યું હતું. આનો અર્થ એ કે વધુ નાણા મેળવવાના માર્ગો ‘સ્ટીલ્ધ’ ટેક્સીસ (ઉદાહરણ તરીકે ટેક્સની પ્રારંભિક મર્યાદા સ્થગિત કરવી,) વેલ્થ ટેક્સીસ અને લૂપહોલ્સ (છીંડા) બંધ કરવાના જ બની રહે. જો તેઓ કેટલાક લોકો માટે ઈન્કમ ટેક્સમાં 2 p. જેટલો વધારો કરશે તો મને જરા પણ આશ્ચર્ય નહિ થાય એટલે કે અત્યારે રોષ સહન કરી લેવો અને મતદારો આગામી ઈલેક્શન સુધીમાં છેતરપીંડીને ભૂલી જશે તેવી આશા રાખવી. વેલ્થ અને પ્રોપર્ટી ટેક્સીસ પર ત્રાટકવાનો માર્ગ કદાચ સહેલો લાગે છે, પરંતુ વધુ નાણા એકત્ર કરવા માટે તમે એકના એક લોકો પર વારંવાર કેટલી વખત પ્રહાર કરી શકો? જો વાપરવાને લાયક કોઈ આવક વધશે જ નહિ તો તમે અર્થતંત્રને ખરેખર ઊંચુ લાવી શકશો?
અન્ય G7 દેશોની સરખામણીએ યુકે ઊંચા ફૂગાવાનો સામનો કરી રહ્યું છે. તેમણે કોઈપણ રીતે, કદાચ એનર્જી બિલ્સ જેવી કેટલીક ચોક્કસ પ્રોડક્ટ્સ અને સર્વિસીસ પર VATમાં કાપ મૂકી કોસ્ટ ઓફ લિવિંગના પડકારો સામે કામ કરવું પડશે. જો ચાન્સેલર ઈલેક્ટ્રિક વ્હીકલ્સ પર નવા ટેક્સીસ દાખલ કરે તો જરા આશ્ચર્ય પામશો નહિ.
લેબર સાંસદોએ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સના અધિકારોની હિમાયત કરી છે અને બ્રિટિશરો એમ પૂછી રહ્યા છે કે તેમની સાથે સેકન્ડ ક્લાસ સિટિઝન્સ જેવો વ્યવહાર શા માટે કરાઈ રહ્યો છે. હવે કેટલીક ઓળખી શકાય તેવી કોમ્યુનિટીઓ છે જેઓ બેનિફિટિસ પર જીવન ગાળવાને લાઈફસ્ટાઈલની પસંદગી માની રહેલ છે. દેખીતી રીતે જ વેલ્ફેર બેનિફિટ્સ નિયંત્રણ બહાર જતાં રહ્યાં છે અને ચાન્સેલરે તેમનો સામનો કરવો પડશે. લોકો એવો પ્રશ્ન પણ ઉઠાવી રહ્યા છે કે જે લોકો ખરેખર કામકાજ કરવા જેટલા તંદુરસ્ત છે તેમના માટે અમે PIP પેમેન્ટ્સ શા માટે ચૂકવી રહ્યા છીએ.
લેબર પાર્ટી સ્ટાર્મર અને રીવ્ઝને દૂર કરવાની ઈચ્છા રાખે જ છે, પરંતુ આગામી વર્ષની સ્થાનિક ચૂંટણીઓમાં ખરાબ રીતે પરાજય થાય તો દોષનો ટોપલો કોઈકના માથે નાખી શકાય તેનો વિચાર પણ તેઓ કરી રહ્યા છે. ચુમ્બાવામ્બાના એક ગીત ‘Drip Drip Drip’ના શબ્દોમાં કહીએ તો લેબર પાર્ટી તેમની સાપ્તાહિક આફતોની અસરમાંથી હેમખેમ બહાર આવી શકશે? આ તો માત્ર સમય જ
કહી શકશે.

